આજે સમાચાર વાંચવામાં આવ્યાઃ સાતેક વર્ષ પહેલાં કોલ્હાપુરમાં પાંત્રીસ વર્ષના એક યુવાને એની માની હત્યા કરેલી. ચાર વર્ષ બાદ, 2021માં નીચલી અદાલતે એને ફાંસીની સજા આપી. તે પછી કેસ બૉમ્બે હાઈ કોર્ટમાં આવ્યો, જેણે મંગળવારે (1 ઑક્ટોબરે) ફાંસી યથાવત્ રાખી. હવે કદાચ આરોપી સુપ્રીમ કોર્ટમાં જશે. એમાં કેટલો સમય જશે, એની આપણને ખબર નથી. બધું મળીને દસ વર્ષ પણ નીકળી જાય.
આ કેસ અથવા એમાં શું બનેલું એની વિગતોમાં ન પડતાં વાત કરવી છે સમયના વેડફાટની. આપણને ક્યારેય એવો વિચાર આવે ખરો કે આપણો મોટા ભાગનો સમય શેમાં શેમાં વીતે છે? અથવા કેવી રીતે વેડફાય છે?
ચોવીસ કલાકનો એક દિવસ ગણીએ તો એમાંથી આઠ કલાક ગયા ઊંઘવામાં. અર્થાત્ ત્રીજા ભાગનો સમય આપણો ઊંઘવામાં જાય છે. બીજા શબ્દોમાં સિત્તેર વર્ષનું માનવઆયુ ગણીએ તો તેમાં લગભગ 23 વર્ષ ઊંઘવામાં જાય છે. આ ઉપરાંત સવારની શૌચ, બ્રશ, સ્નાનાદિક, વગેરે ક્રિયામાં આશરે 90-100 દિવસ ગયા. ટેલિવિઝન, ફિલ્મો જોવાં, મોબાઈલ મચડવો, ફરવા જવું કે હોટેલમાં જવું આ બધાં પાછળ વેડફાતા સમયનો તો ક્યાં કોઈ હિસાબ છે.
ઘણાને મેં એવું કહેતા સાંભળ્યા છે કે, હું તો હજી માંડ ત્રીસનો થયો, મારી પાસે હજુ ઘણો સમય છે. સૉરી. આ લોકો ખોટા છે. કાર્યક્ષમતા અને ટાઈમ મૅનેજમેન્ટના સંદર્ભમાં જોઈએ તો, ટાઈમ આપણી પાસે બહુ જ ઓછો છે. ત્રીસ-ચાલીસ-પચાસ વર્ષ ક્યાં વીતી જશે એની ખબર પણ નહીં પડે.
આપણે જો જીવનને ત્રણ ભાગમાં વહેંચીએ તો પહેલા ભાગમાં આવેઃ સાંસારિક જવાબદારીઓ. બીજા ભાગમાં આવેઃ નિઃસ્વાર્થભાવે કરેલી સેવાપ્રવૃત્તિઓ અને ત્રીજા ભાગમાં આવેઃ ચારિત્ર્યઘડતર.
જીવનની આ ત્રણેય ભૂમિકા ઈમાનદારીથી, સરસ રીતે નિભાવ્યાનો સંતોષ જીવનની અંતિમ ક્ષણે હોય તો જીવ્યું સાર્થકઃ જીવનમાં પુરુષાર્થ કરીને સફળ વ્યવસાયી બન્યા અથવા નોકરીમાં ઉચ્ચ સ્થાને પહોંચ્યા, બધી જ સાંસારિક જવાબદારીઓ નિભાવી, પરિવારને સુખી રાખ્યો, જરૂરિયાતમંદોને બનતી સહાય કરી, જીવન એવું જીવી ગયા કે બીજા માટે પ્રેરણા રૂપ બન્યા.
સમયના સુસંચાલન ઉપરાંત કઠોર પરિશ્રમ પણ એટલો જ જરૂરી છે. જીવનમાં ટોચ પર પહોંચવા લિફ્ટ નથી. એમાં દાદરા જ ચડવા પડે. પુરુષાર્થ કરવો એ આ સૃષ્ટિનો નિયમ છે. પશુ-પક્ષી પણ પુરુષાર્થ કરે છે.
-પણ આપણે માણસની વાત કરીએ. આપણને ખાવાપીવાની ઝાઝી ચિંતા નથી. એ તો વરસભર મળી રહે છે. આપણી દૌડ છે પ્રસિદ્ધિની, પૈસાની, મોભાની. ગરીબ કે તવંગર, એક યા બીજા કારણસર બધાએ દોડવું તો પડે જ છે. પરિશ્રમ સંસારનો નિયમ છે. યથાર્થ પુરુષાર્થ નહીં કરો તો તમને જીવન જીવ્યાનો સંતોષ નહીં મળે. ઈશ્વરે આપણને સૌને ઊર્જા આપી છે. એ ઊર્જાનો યોગ્ય વપરાશ કરવો.
-અને કઠોર પરિશ્રમની સાથે જરૂરી છે કાર્યક્ષમતા, વર્ક એફિશિયન્સી. સમયનું સુસંચાલન. કેમ કે એફિશિયન્સી વિનાના પરિશ્રમનો કોઈ અર્થ નથી.
દરરોજ સવારે ઊઠીને પહેલું કામ કાગળ પર આખા દિવસ દરમિયાન કરવાનાં કામોની યાદી બનાવો. યાદી બનાવ્યા બાદ કયું કામ કેટલું મહત્વનું છે એ પ્રમાણે પ્રાથમિકતા નક્કી કરો.
આના ફાયદા છે. દેશદુનિયાના મૅનેજમેન્ટ ગુરુઓ કહે છે કે સવારના પહોરમાં આવું કામનું લિસ્ટ બનાવવાથી કાર્યક્ષમતા વધે છે. એફિશિયન્સી નહીં હોય તો અલર્ટનેસ નહીં આવે. મનમાં ને વિચાર્યા કરશો તો કામની ટાળંટાળ થયા કરશે.
યાદ રહે, બીજી બધી ચીજો તમે ખોઈ નાખશો તો કદાચ પૈસા આપીને એ પાછી મેળવી શકશો, ખરીદી શકશો, પણ સમય નહીં મળે. વીતેલો સમય ક્યારેય પાછો નહીં આવે. અત્યારે જે ક્ષણે, જે સમયે તમે આ વાંચી રહ્યા છો એ ક્ષણ, એ સમય ક્યારેય પાછાં નહીં આવે. એટલે તમે તમારો સમય બહુ સમજીવિચારીને ખર્ચજો.