હાલ ફ્રાન્સ દેશના પેરિસમાં ખેલકૂદનો મહાકુંભ એટલે કે ઓલિમ્પિક્સ ચાલી રહ્યો છે. ભારતના રમતવીરો ધીમી પણ મક્ક્મ ગતિથી આગેકૂચ કરી રહ્યા છે, વધુ ને વધુ મેડલથી સમ્માનિત થઈ ભારતનું નામ રોશન કરી રહ્યા છે.
હવે, 2024થી 1960ની ઓલિમ્પિકમાં જઈએ. 1960ના રોમ ઓલિમ્પિક્સમાં જોઈએ વિલ્માનો દેખાવ.
અમેરિકાના ટેનિસી શહેરમાં જન્મેલી વિલ્મા રુડોલ્ફને 4 વર્ષની વયે પોલિયો થયો. વિવિધ ડોક્ટરોએ તેનો ચેકઅપ કરીને હાથ ઊંચા કરી દેતાં કહ્યું, ‘આ બાળકી ક્યારેય જમીન પર પગ મૂકી શકશે નહીં.’
સમજણી થઈ તે પછી વિલ્માના મનમાં સતત એક વિચાર સતત ઘૂંટાયા કરતો હતો કે, મારે સૌથી ઝડપથી દોડતી મહિલા બનવું છેઃ આઈ વૉન્ટ ટુ બી ધ ફાસ્ટેસ્ટ વુમન ઑન ધ ટ્રેક ઓન ધિસ અર્થ. પોલિયોગ્રસ્ત વ્યક્તિ ઓલિમ્પિક્સમાં દોડીને ત્રણ-ત્રણ ગોલ્ડમેડલ મેળવે એ વાત માન્યામાં આવે?
અશક્ય જેવી આ વાત વિલ્માના હૃદયનો ધબકાર બની ગઈ હતી. શરૂઆત તેણે ચાલવાના પ્રયાસથી કરી. 9 વર્ષની થઈ ત્યારે તેણે સળિયા વગર ચાલવાનું શરૂ કર્યું. 13માં વર્ષે દૌડની સ્પર્ધામાં ભાગ પણ લીધો, પરંતુ છેલ્લા નંબરે આવી. 1956માં 16 વર્ષની વયે તેણે મેલબોર્ન ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો અને 20મા વર્ષે 1960માં ઈટલીના રોમમાં આયોજિત ઓલિમ્પિક્સમાં, સૌના આશ્ચર્ય વચ્ચે, 100 મીટર, 200 મીટર અને 400 મીટરની દૌડમાં ગોલ્ડમેડલ સાથે વિશ્વવિક્રમી, વિશ્વવિજેતા બની. તે વખતે છાપાંમાં મથાળાં છપાયાં-
દિવ્યાંગ મહિલા બની સૌથી ઝડપી દોડવીર. આ જ મથાળું વિલ્માએ પોલિયોગ્રસ્ત થયા બાદ વિચારી રાખેલું.
પેરિસ ઓલિમ્પિક્સ પર પાછા ફરીએ તો, એમાં ભારત અને દુનિયાભરમાંથી આવેલા તાજા વછેરા જેવા ખેલાડીઓ, એમને તાલીમ-પ્રેરણા દેનારા એમના પ્રશિક્ષકો છે તો બીજી બાજુ નકારાત્મક વિચાર કરનારા, વાંકદેખા પણ છે. નકારાત્મક લોકોની કમી નથી આપણે ત્યાં. નોકરી છોડીને ધંધો કરીશ તો ખુવાર થઈ જઈશ, લૉસ જશે તો. પરીક્ષામાં નપાસ થઈશ તો? જૉબ છૂટી જશે તો? પર્વતારોહણ કરવા ગયો ને પડી જઈશ તો?
-અને આ બધા વચ્ચે વિષ્મા જેવા કેટલાક એવા લોકો છે, જે આપણે જેના પરથી પસાર થઈએ છીએ એવી બલકે તેથી પણ વિકટ કાંટાળી કેડી પરથી પસાર થાય છે, છતાં સફ્ળતાનાં શિખર સર કરે છે. કારણ? ભલે વિઘ્નોની પરંપરા વચ્ચે ઊભી હોય, છતાં એમની નજર હંમેશાં લક્ષ્ય તરફ જ મંડાયેલી રહે છે. આવા લોકોને વિઘ્નો કદાપિ અટકાવી નથી શકતાં.
સંસ્કૃતમાં કહ્યું કે “પ્રારભ્યતે ન ખલુ વિઘ્નભયેન નીચૈઃ પ્રારભ્ય વિઘ્નવિહતા વિરમન્તિ મધ્યાઃ વિઘ્નૈઃ પુનઃરપિ પ્રતિહન્યમાનાઃ પ્રાબ્ધ તૂત્ત્મજના ન પરિત્યજન્તિ” એટલે કેઃ જે નિમ્ન કોટિના માનવી હોય છે તે વિઘ્નના ભયથી કાર્યારંભ જ નથી કરતા. જે મધ્યમ કક્ષાના માનવી છે તે વિઘ્ન આવતાં જ આરંભેલા કાર્યને મૂકી દે છે, પરંતુ જે શ્રેષ્ઠજનો છે તે તો વારંવાર વિઘ્નો આવવા છતાં શરૂ કરેલા કાર્યને ક્યારેય છોડતા નથી.’
કહે છેને કે, કદમ અસ્થિર હોય તેને રસ્તો કદી જડતો નથી… અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી.
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)