મુંબઈની લોકલ ટ્રેનમાં- “આજે ઑફિસમાં પંડ્યાને કહી દીધું, મારી આગળ હુશિયારી નહીં ચાલે. હું કહું એમ જ કરવું પડશે…”
જૉગિંગ પાર્કમાં, વહેલી સવારે એક વડીલ- “મારા ઘરમાં હું કહું કરું એમ જ થાય.”
આવું કહી રહેલા વડીલ બીજા વડીલને જે નથી કહેતા એ આઃ “હું કહું એમ થાય તો બધા સારા, જો ન થાય તો ઘરના સભ્યો ખરાબ… હું તો મેણાંટોણા મારીને, ઈમોશનલ બ્લેકમેઈલિંગ કરીને મારી મરજી મુજબ કરાવીને જ જંપું. ઘર હું ચલાવતો હોઉં તો ઘરમાં મારું જ ચાલવું જોઈએને…”
તમે પણ આવા સંવાદ અવારનવાર સાંભળ્યા હશે. કોઈ કદાચ આને વ્યવહાર કે સંસ્કાર કે કામ કઢાવવાની આવડત કહે, પણ હકીકતમાં આને અહં કહેવાય. તમે જ સર્વેસર્વા અને ઘરમાં કે ઑફિસમાં તમે ચાહો એમ જ થવું જોઈએ એ ભ્રમણા આવું વિચારતી વ્યક્તિએ મનમાંથી કાઢી નાખવી, કારણ કે આ ભ્રમણા એટલે કે તમારી અંદર રહેલો અહં, ક્યારેક તમને મોટી મુસીબતમાં મૂકી શકે.
જે વ્યક્તિ વ્યવહારની કે સંસ્કારની વાત કરે છે, તે ક્યારેય અહંને મોટો નથી થવા દેતો. જે વ્યકિતની અંદર સારા સંસ્કારનું સિંચન થયેલું છે તે વ્યક્તિ પોતાની અંદર હુંપદને પ્રવેશવા નથી દેતી. કોઈ પણ સુખી, સશક્ત સાંસારિક જીવનનો ધ્યાનથી તપાસ કરશો તો ખ્યાલ આવશે કે એ ઘરમાં, પતિ કે પત્ની કે અન્યોમાંથી કોઈ બૉસ નથી હોતું. દરેક વ્યક્તિ પોતે સર્વેસર્વા હોવાને બદલે દરેક હળીમળીને સમજીને રહેતી હોય તો જ ઘર, પરિવાર સારી રીતે ચાલે અને ટકે.
આજે આપણે જોઈએ છીએ કે નગર-મહાનગરમાં રોજના કેટલાબધા છૂટાછેડાના કેસ નોંધાય છે. આ પાછળ મોટા ભાગે બે વ્યક્તિનો અહં, ઈગો જ જવાબદાર હોય છે. જે વ્યક્તિની અંદર જતું કરવાની, અંગ્રેજીમાં ‘લેટ ગો’ કહે છે એવી ભાવના ન હોય, જે વ્યક્તિ સંબંધ કરતાં પોતાના અહંને વધુ મહત્વ આપતી હોય તેના સંબંધોની ડોર નબળી જ હોય છે, કારણ કે અહં નામનો રાક્ષસ તમારા સંબંધને ખોખલા બનાવવાનું કાર્ય કરતાં ક્યારેય અચકાતો નથી.
બસમાં, ટ્રેનમાં, એ માટેની કતારમાં કોઈનો ધક્કો વાગે તો “હું એને હાળાને બમણા જોરથી ધક્કો મારીને એને બતાવી આપું” એવી ભાવના કાઢી નાખવી. ભાઈ, એને તારી સાથે કોઈ દુશ્મની નથી, જાણીજોઈને કોઈ કોઈને ધક્કો મારતું નથી.
તમારી ઈચ્છા પ્રમાણે જ તમારા વર્તુળમાં બધું ચાલવું જોઈએ, તમારી સત્તા પ્રમાણે જ તમારા કાર્યક્ષેત્રમાં બધું થવું જોઈએ એ સૌથી મોટા કુસંસ્કાર છે. તમારી ઈચ્છા પ્રમાણે બધું થવું જોઈએ એ વાતનું રટણ કરવાને બદલે થોડું બીજાની અનુકૂળતા પ્રમાણે વર્તન કરતાં શીખો, થોડું બીજાની અનુકૂળતા પ્રમાણે રહેતા શીખશો તો સંબંધોમાં અને બીજે પણ દરેક જગ્યાએ ઘણી સાનુકૂળતા સાધી શકશો. તમે અન્ય વ્યક્તિને સમજીને થોડા સરળ થઈ શકો એ મોટામાં મોટા સંસ્કાર છે. યાદ રાખજો, અહંશૂન્ય હોવું એ દરેક સંસ્કારની જનની છે.
અંગ્રેજીનો અક્ષર ‘આઈ’ હંમેશાં કેપિટલ હોય છે, પણ જીવનમાં ‘આઈ’ નાનો રાખનાર જ સુખી થશે. જો ‘આઈ’ કૅપિટલ રાખવા જશો તો અનેક સમસ્યાનો સામનો કરવો પડશે, માટે જીવનને સુખી રાખવા માગતા હો તો ‘આઈ’ સ્મોલ જ રાખવો, ક્યારેય કોઈ તકલીફ નહીં ઊભી થાય.
તમે સજાગ અને બુદ્ધિશાળી હશો તો સમજી શકશો કે આવડત માત્ર તમારામાં જ છે એવું નથી, આ પૃથ્વી પર જન્મનારી કાળા માથાની દરેક વ્યક્તિ કોઈ ક્ષેત્રમાં, કોઈ વસ્તુમાં તમારાથી વધારે હોશિયાર હોવાની જ. જેમ તમે કોઈ વસ્તુમાં પાવરધા હો એમ બીજી વ્યક્તિ બીજી વસ્તુમાં પાવરધી હોવાની. દરેક વ્યક્તિ સર્વગુણસંપન્ન નથી હોતી. એમ દરેક વ્યકિતને કંઈ જ ન આવડતું હોય એવું પણ નથી. માટે ‘હું જ સર્વેસર્વા’નો ભ્રમ ‘અહં’થી વધારે બીજું કંઈ જ નથી.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)