અમેરિકાના કોઈ દૂરસુદૂર ગામડે રહેતો એક ખેડૂતપુત્ર પિતા સાથે ન્યૂ યૉર્ક ફરવા આવ્યો. ૧૪ વર્ષની ઉંમરના એ કિશોરે ન્યૂ યૉર્કની એક આલીશાન હોટેલ સામે જોઈ પિતાને પૂછ્યું: ‘ચાલોને, આ હોટેલમાં એક રાત એક દિવસ રહીએ…’
પિતાએ કહ્યું, ‘માય સન, એટલા પૈસા આપણી પાસે ક્યાં છે?’
થોડું વિચારીને પુત્રએ કહ્યું: ‘ડૅડ, જો એ હોટેલ જ આપણી હોય તો… તો ગમે તેટલા દિવસ રહેવાય.’
પિતા કહે, ‘કેવી ઊંચી ઊંચી વાત કરે છે.’
-પણ ૧૪ વર્ષની ઉંમરના એ ટીનએજરે સપનું મનમાં રાખ્યું. એણે પોતાનાં દિલદિમાગમાં ભવિષ્યનો એક નકશો બનાવ્યોઃ ‘મારે ન્યૂ યૉર્કમાં એક હોટેલ બનાવવી છે.’
પછી અપાર સંઘર્ષ કરીને એ ભણ્યો. ભણતર પૂરું કરીને આમતેમથી પૈસા ભેગા કરીને એક નાનકડો બિઝનેસ શરૂ કર્યો. એક હાટડી માંડી, ક્રમે ક્રમે વેપાર વધતો ગયો. સારીએવી મૂડી ભેગી થતાં એણે 1925માં ટેક્સાસના ડલ્લાસમાં પહેલી ફાઈવ સ્ટાર હોટેલ ખોલી. થોડાં વર્ષ બાદ એણે જે શહેરમાં પિતાને પોતાની હોટેલ શરૂ કરવાની વાત કરેલી તે ન્યૂ યૉર્ક સિટીમાં એક નહીં, બે હોટેલ ખરીદીને એને હિલ્ટનની માલિકીની બનાવી. કોનરાડ હિલ્ટન નામના એ કિશોરના નામની આજે દુનિયાભરમાં હોટેલોની હારમાળા ખડી થઈ ગઈ છે. આ છે દઢ નિશ્ચયનું, મનમાં કંડારેલા ભાવિના ચિત્રનું પરિણામ.
કોઈ પણ સિદ્ધિ હાંસલ કરવા માટે પ્રથમ સંકલ્પનું બીજ હૃદયમાં વવાવું જોઈએ અને તે સંકલ્પ અંગેનું ચિત્ર (visualization) સ્પષ્ટ કરીને નિયત સમયમર્યાદામાં શ્રદ્ધાપૂર્વક પુરુષાર્થ આદરવામાં આવે તો સિદ્ધિનાં શિખરો સર કરી શકાય.
ભવિષ્યમાં અમુક સમયે તમે શું બનવા માંગો છો? અથવા શું પામવા માંગો છો? તેનું સ્પષ્ટ ચિત્ર એ જ વિઝ્યુલાઈજેશન છે. વિઝ્યુલાઇજેશન એ આત્મવિશ્વાસથી સક્ષમ લોકોનો ગુણ છે. તે ધ્રુવના તારાસમાન છે. તે આપણને સતત માર્ગદર્શન આપી આપણો માર્ગ પ્રશસ્ત કરે છે. આપણી સર્જનાત્મક રીતે વિચારવાની, કલ્પના કરવાની ક્ષમતાનો ઉપયોગ દરરોજ થોડો સમય કાઢીને કરવાથી આશ્ચર્યભર્યાં પરિણામો લાવી શકાય છે. વિઝ્યુલાઈઝેશનથી જ વિઝન સાકાર થાય છે.
તમારી પાસે કશુંક સારું છે, અને તેના આધારે કોઈ ઉચ્ચ ધ્યેયની પ્રાપ્તિનું સ્વપ્ન ન જુઓ તો તમે એને ક્યારેય પ્રાપ્ત કરી શકશો નહીં. જે કંઈ અવરોધો છે તે તમારા મનના છે. માટે મનમાં સફ્ળતાનું ચિત્ર જોવાનું શરૂ કરી દો. પ્રમુખસ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજનો સંકલ્પ હતોઃ ‘દિલ્હીમાં યમુનાના કાંઠે મંદિર કરવું છે.’ સાઠ-સિત્તેર વર્ષ પહેલાં સૌને આ કઠિન લાગતું હતું, પરંતુ પ્રમુખસ્વામીના મનમાં મહારાજના અક્ષરધામ સાકાર જ હતું. પરિણામે ૩૫ વર્ષના સંઘર્ષ પછી દિલ્હીમાં મળેલી જમીન પર માત્ર ૫ વર્ષમાં ભવ્ય અક્ષરધામનું સર્જન કર્યું. ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં વિશ્વના સૌથી મોટા હિંદુ મંદિર’ તરીકે સ્થાન પામેલા આ બેનમૂન પરિસ, ભારતીય મંદિર પરંપરાની જાણે વ્યાખ્યા જ બદલી નાંખી.
અહીં સ્વામી વિવેકાનંદનું વિધાન યાદ આવે છે કે ‘એક વિચાર, એક આદર્શ પકડો. એને જ તમારું જીવન જ બનાવી દો. એના જ વિચાર કરો, એનાં જ સપનાં જુઓ. એને તમારો શ્વાસપ્રાણ બનાવો. તમારું મસ્તિષ્ક, સ્નાયુઓ, જ્ઞાનતંતુઓ શરીરનું પ્રત્યેક અંગ તરૂપ કરી નાખો.’
તો, આજના આ દિવસે કોઈ ઉચ્ચ સંકલ્પ કરીએ. આપણાં મન અને મસ્તિષ્કને તે શ્રેષ્ઠ વિચારથી સમૃદ્ધ કરીએ. એને આપણું સપનું બનાવીએ. એક એવા સુખમય સંસારની કલ્પના કરીએ, જ્યાં સૌ કોઈ પ્રેમ અને શાંતિથી જીવી શકે.
કહે છેને કે, પરાગ જો અંતરમાં હશે, તો તે પાંગરીને કદી પુષ્પ ખીલશે; મનોરથો સ્વપ્ન મહીં હશે, તો સિદ્ધિરૂપે કાર્ય વિશે જન્મશે.
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)