જીવન આનંદ અને ઉત્સાહયુક્ત કેવી રીતે બને?

એક બહુ જાણીતી કથા છે. કોઈ ગામના પ્રતિષ્ઠિત શેઠનું અકાળે મૃત્યુ થયું. મૃત્યુ પછી એમના પુત્રે મુનિમને બોલાવીને પૂછ્યું: ‘આપણી પાસે કેટલું ધન છે?’

મુનિમે કહ્યું: ‘તમારી ત્રણ પેઢી બેસીને ખાય એટલું.’

શેઠના પુત્રે કાંઈ જવાબ ન આપ્યો, પણ એ દિવસથી એને પોતાની ચોથી પેઢી શું ખાશે એની ચિંતા થવા લાગી. ચિંતાને લીધે એનું શરીર સુકાવા લાગ્યું. ઘણા વૈદ-હકીમોની દવા કરી, પણ કંઈ ફાયદો ન થયો. એક વાર ગામમાં એક મોટા સંત આવ્યા. શેઠનો પુત્ર એમની પાસે ગયો અને મનની શાંતિ માટે ઉપાય પૂછ્યો.

સંતે કહ્યું: ‘તમે રોજ સવારે એક ગરીબને એક શેર અનાજ આપવાનો નિયમ લો.’

એમની વાત માની શેઠના પુત્રે દરરોજ સવારે એક ગરીબને એક શેર અનાજ આપવાનું ચાલુ કર્યું. સંજોગવશાત્ એક સવારે કોઈ અનાજ લેવા ન આવ્યું. નિયમ તૂટવાના ડરથી શેઠના પુત્રે રસ્તે જતા એક નિર્ધન જણાતા માણસને બોલાવી એક શેર અનાજ લઈ જવા કહ્યું.

પેલાએ કહ્યું: ‘ઊભા રહો. હું ઘરે જઈને જરા તપાસ કરું કે મારે આજે અનાજની જરૂર છે કે નહીં?’

થોડી વારે એણે પાછા આવીને કહ્યું: ‘શેઠ, આજે ચાલે એટલું અનાજ તો મારી પાસે છે એટલે મારાથી આ નહીં લેવાય.

શેઠને નવાઈ લાગીઃ ‘ભલા માણસ, તો આવતી કાલ માટે લઈ જા.’

‘આવતી કાલની ચિંતા હું આજે નથી કરતો’ કહીને પેલો ત્યાંથી ચાલી નીકળ્યો.

એનો જવાબ સાંભળી શેઠનો પુત્ર ચોંકી ઊઠ્યો. એને થયું: આ ગરીબ માણસ આવતી કાલની ચિંતા કરતો નથી અને હું સો વર્ષ પછી મારા પરિવારનું શું થશે એની ચિંતાથી દૂબળો પડું છું. ધીરે ધીરે એનું શરીર સુધરવા લાગ્યું. જોવા જઈએ તો, વધતા-ઓછા પ્રમાણમાં આપણે બધા આ શેઠના પુત્ર જેવા જ છીએ.

ચિંતા અને ચિતામાં માત્ર એક અનુસ્વારનો જ ભેદ છે, છતાં ચિતા જીવનમાં એક જ વાર બાળે છે, જ્યારે ચિંતા સતત બાળ્યા કરે છે. આપણે આપણા વ્યાં જીવનની તપાસ કરીએ તો આ વાતનો તરત ખયાલ આવશે. એવી કઈ બાબત હતી કે જેના વિશે આપણે ચિંતા નથી કરી? એવી કઈ આપણી ચિંતાવિહોણી ગઈ ક્ષણ છે? જ્યારથી આપણે થયા સમજણા ત્યારથી વસ્તુ, વ્યક્તિ, વ્યાપાર કે વિકારના કારણે આપણે સતત ચિંતામાં ડૂબતા આવ્યા છીએ.

થૉમસ ફૂલર નામના એક અંગ્રેજ લેખક અને પાદરીએ લખ્યું છેઃ વી આર બોર્ન ક્રાયિંગ, વી લિવ કમ્પ્લેઈનિંગ ઍન્ડ વી ડાઈ ડિસ્અપોઈન્ટેડ અર્થાત્  ‘આપણે રડતાં જન્મીએ છીએ. ફરિયાદ કરતાં જીવીએ છીએ અને હતાશ થતાં મરીએ છીએ.’

આવું શું કામ?

શું આપણી આખી જિંદગી ચિંતામાં અને વિષાદમાં જ પૂર્ણ થઈ જશે? શું આનંદ અને ઉત્સાહયુક્ત જીવન એક સ્વપ્ન બની રહેશે?

ના. આનંદ તો જીવનનો મૂળભૂત સ્વભાવ છે. તો પછી ચિંતાનું કારણ શું? ચિંતાનું કારણ છે દિશા વગરની દોડ. માત્ર ભૌતિક પદાર્થોના આધારે ઘડાયેલું જીવન અંતે ચિંતા, તાણ અને હતાશામાં પરિણમે છે, જ્યારે અધ્યાત્મ સાથે સંકળાયેલું જીવન આત્યંતિક આનંદ તરફ ગતિ કરાવે છે, જેના પરિણામે આ લોકની ચિંતાઓ આપણને આપણા માર્ગમાંથી ક્યારેય વિચલિત કરી શકતી નથી.

સંત તુકારામને આજીવન અનેક દુઃખો આવ્યાં, પરંતુ તેમનું જોડાણ ભગવાન સાથે અતૂટ હતું. તો આ દુ:ખો અને તેમાંથી જન્મેલી ચિંતાને તેઓએ હસતા મુખે સહન કરી શક્યા. આર્થિક ચિંતા હોય કે સામાજિક ચિંતા, સ્વાસ્થ્યની ચિંતા હોય કે સગાંની ચિંતા, આધ્યાત્મિક જીવન આ બધાથી પર થઈ જાય છે, કારણ કે તેમાં સૌથી પર એવા પરમાત્મા સાથે નાતો જોડાયેલો હોય છે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)