કોઈને ક્યારેય અકારણ મળો છો?

થોડા સમય પહેલાં એક સેલિબ્રિટીનો આ કિસ્સો વાંચેલો. ભાઈ કોઈ દૈનિક ટીવી ધારાવાહિકમાં કામ કરતા. રોજના 10-11 કલાક શૂટિંગ ચાલ્યા કરે. એક દિવસ એ સેટ પર શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે એમની દીકરીનો ફોન આવ્યોઃ “પપ્પા, ધારો કે અમારી સ્કૂલમાં ફંક્શન હોય ને તમારે એમાં સહભાગી થવાનું હોય તો તમે કલાકના કેટલા ચાર્જ કરો?”

પિતાને નવાઈ લાગીઃ “કેમ બેટા? તમારી સ્કૂલમાં છે કોઈ ફંક્શન? તારા પ્રિન્સિપાલને મારો નંબર આપી દેજે. હું વ્યવહાર સમજી લઈશ.”

દીકરી કહે, “ના ના, આ તો જો મને પરવડે એટલી ફી હોય તો તમને આપી દઉં તો એ બહાને તમે અમારી પૅરન્ટ-ટીચર્સ મિટિંગમાં આવશો, મને તમારી સાથે થોડો સમય વિતાવવા મળશે, એ બહાને તમને ખબર પડે કે હું કયા ધોરણમાં છું, શું ભણું છું…”

ફોન ડિસ્કનેક્ટ કરી સેલિબ્રિટી ધબ્બ દઈને બેસી પડ્યા. પછી સ્વસ્થ થઈ એમણે ડિરેક્ટરને કહ્યું, “મને મૂંઝારા જેવું થાય છે…મારું શૂટ કૅન્સલ કરો. હું ઘરે જવા માગું છું.”

ડિરેક્ટરે હા પાડી એટલે તરત એ કારમાં ગોઠવાઈ ગયા, ડ્રાઈવરને ઝટ ઘરે લઈ લેવા કહ્યું, એમને થયું ક્યારે ઘરે પહોંચું… એમણે વહાલસોયી દીકરીને એના ઘડતરના દિવસોમાં સમય ન આપવા બદલ માફી માગવી હતી.

ઘણી વાર થાય કે આજે માણસ વ્યસ્ત નથી, પણ અસ્તવ્યસ્ત છે. દેશનાં મોટા ભાગનાં ઘરોમાં આ દશ્ય સામાન્ય થઈ પડ્યું છેઃ ઘરના મોભી રાતે ઘરે જાય. ફ્રૅશ થઈને ડાઈનિંગ ટેબલ પર પરિવારના સભ્યો સાથે જમવા બેસે. પ્લેટની બાજુમાં એમનો સ્માર્ટ ફોન એ રીતે ગોઠવ્યો હોય જાણે કોઈ ખાવાની વાનગી. થોડી-થોડી ટિંગ ને ટોંગ થયા કરે એટલે મોભી એમાં જોયા કરે, અને, ડાબા હાથે વૉટ્સેપના જવાબ આપતા જાય. જવાબમાં શું? તો કહે, હસવાના, રડવાનાંને અંગૂઠો બતાવતાં ઈમોજી. પત્નીએ શું બનાવ્યું છે? પુત્રને આજે સ્કૂલમાં ભણાવ્યું? માતાનો ઘૂંટણનો દુખાવો હવે કેમ હશે? આ બધું એમના માટે ગૌણ છે. એમને માટે મહત્વનો છે એમનો મોબાઈલ.

ઘણી વાર જીવનની વ્યસ્તતામાં સંબંધોની કે મધુરતા મરી જતી હોય છે. વાત સાચી છે- બદલાતા જમાના સાથે જરૂરિયાતોને પહોંચી વળવા માણસે એકસ્ટ્રા માઈલ ચાલવું પડે છે, ભૌતિક રીતે વધુ સુખી અને સમૃદ્ધ બનવા માટે વ્યવહારમાં, ધંધામાં સમય આપવો પડે. આ અનિવાર્ય છે. પરિવારની સુખાકારી માટે, બહેતર જીવન માટે કમાવવામાં કંઈ ખોટું નથી, પરંતુ જેને માટે કમાઈએ છીએ એને સમય જ આપી ન શકીએ એ કેવું? બિઝનેસ, કરિયર સાથે આપણે એ પણ અનુસંધાન રાખવું જોઈએ કે નિકટજનો સાથેના આપણા સંબંધ નીરસ હોય તો જિંદગી પણ ફિક્કી પડી જાય છે, તો અઢળક કમાણી કશાયે કામની નથી.

ભૌતિક સુખ-સંપદા બહારથી કમ્ફર્ટ આપી શકે, પણ અંદરની હૂંફ માટે તો સુંવાળા સંબંધો જ જોઈએ. જીવનમાં નિમિત્ત વગર પણ મળવાનું હોય છે, અકારણ પણ સ્વજનો અને મિત્રોને ફોન કરી શકાય છે. કોઈ તક્લીફ ન હોય ત્યારે પણ ભગવાનના મંદિરમાં જઈને ભગવાનની પાસે નિરાંતે બેસી શકાય છે. કહેવાનું એ જ કે, નિઃસ્વાર્થપણે આપેલો સમય, કશીયે અપેક્ષા વગર કરેલી મદદ, અકારણ વાતચીત અને આત્મીય સંવાદો સંબંધોને ગાઢ બનાવે છે. એ સંબંધો આપણા જીવનમાં સુખની રંગોળી ભરે છે, પણ આખરે આપણે તો બુદ્ધિશાળી અને વ્યસ્ત માણસો ખરાને! એટલે આપણે કોઈ પણ ઈન્વેસ્ટમેન્ટ કરીએ તો આપણા મનમાં પહેલો વિચાર એ જ રહે છે કે રિટર્ન ઑન ઈન્વેસ્ટમેન્ટમાં મને શું મળવાનું છે?

આવા ટાણે આપણે એ ભૂલી જઈએ છીએ કે જિંદગી કંઈ લે-વેચનો સોદો નથી. જિંદગીનું ગણિત જુદું છે. આપણે પણ એટલા વ્યસ્ત ન થઈએ કે આપણા પરિવાર માટે, સંતાનો માટે, માતા-પિતા માટે સમય ન નીકળે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)