નૂતન વર્ષનો શુભ સંકલ્પ…

વિક્રમ સંવત ૨૦૮૦ ધીરે ધીરે અસ્ત થઈ રહી છે. થોડા જ સમયમાં ૨૦૮૧ ક્ષિતિજે ઝળાંહળાં થશે. દિવાળીના દિવસોમાં તમે નવાં કપડાં કે એવી કોઈ નવી ચીજવસ્તુ ખરીદશો, શૉપિંગ કરશો તો સપરમા દિવસોમાં એક સારું પુસ્તક પણ ખરીદીને વાંચજો. એવું પુસ્તક, જે તમને નવા વર્ષમાં કશુંક નવું કરવાની, તમારું સપનું, તમે નક્કી કરેલું લક્ષ્ય સાકાર કરવાની પ્રેરણા આપે. દાખલા તરીકે, હમણાં ૧૫ ઑક્ટોબરે જેમનો જન્મદિવસ ગયો એ ડૉ. અબ્દુલ કલામની જીવનચરિત્ર.

તામિલનાડુના રામેશ્વરમમાં જન્મેલા ડૉ. અબ્દુલ કલામ મહાન વિચારક, વિજ્ઞાની, ભારતના ૧૧મા રાષ્ટ્રપતિ હતા. કશુંક કરવાની મગજ પર સવાર લગન, સખત પરિશ્રમ અને કાર્યપ્રણાલીના બળે અસફળતાને પડકાર ફેંકતા એ આગળ વધતા રહ્યા. ડૉ. કલામ કહેતા કે “સપનાં જોવાં જરૂરી છે, પરંતુ માત્ર સપનાં જોઈને જ તેને સાકાર નથી કરી શકાતાં. જરૂરી છે, જીવનમાં પોતાના માટે એક લક્ષ્ય રાખવું… જીવનમાં ઉચ્ચતમ તથા શ્રેષ્ઠ લક્ષ્ય રાખો અને તેને પ્રાપ્ત કરવાની કોશિશ કરો… પ્રત્યેક ક્ષણ રચનાત્મકતાનો ક્ષણ છે, તેને વ્યર્થ ના કરો.”

કહે છેને કે પગલાં અસ્થિર હોય તેને રસ્તો કદી જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. એક નાનકડી કીડી અનાજનો દાણો લઈને દીવાલ ચઢે છે ત્યારે અનેક વખત પડે છે છતાં હાર માન્યા વગર ફરી દાણો પકડીને દીવાલ પર ચઢે છે. પોતાના કદ કરતાં મોટા અનાજના દાણાને પકડીને લઈ જવામાં કીડી ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરતી હશે, છતાં અનાજના દાણાને એ છોડતી નથી. માણસને તો ભગવાને બુદ્ધિ અને બળ બંને આપ્યાં છે. શા માટે આપણે નિષ્ફળતા મળવાથી હતાશ થઈએ છીએ? જો નાનકડી કીડી ઝઝૂમવાનો જુસ્સો ધરાવતી હોય, તો આપણે શા માટે હિંમત હારી નિષ્ક્રિયતાની ચાદર ઓઢી સૂઈ જઈએ છીએ?

અમેરિકન લેખક-પ્રકાશક-ફિલસૂફ એલ્બર્ટ હ્યુબાર્ડ કહેતા કે “ઈટ ઈઝ ફ્રૉમ ધ ફૅઈલ્યૉર ધૅટ વન ગેટ્સ ધ વે… ઍન્ડ વે ટુ સક્સીડ” અર્થાત્ નિષ્ફળતા જ સફળતાનું સરનામું ચીંધે છે.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને તે પછી એમ બબ્બે વખત વડા પ્રધાન રહેનારા બ્રિટિશ રાજદ્વારી વિન્સ્ટન ચર્ચિલનું જીવન નિષ્ફળતાથી ભરેલું હતું. શૈશવકાળમાં, ગણિતમાં સૂઝ ન હોવાને કારણે સ્કૂલના પ્રિન્સિપાલ અવારનવાર એમને ટોકતા, ક્યારેક મારતા પણ ખરા. એમણે સ્કૂલો બદલી પણ બધે આ જ સ્થિતિ. એકમાં તો એ પ્રવેશ પરીક્ષામાં જ નાપાસ થયા. સૅન્ડહર્સ્ટ મિલિટરી કૉલેજની પ્રવેશ પરીક્ષામાં પણ નિષ્ફળતા મળી. વારંવાર નિષ્ફળ થવા છતાં તેમણે પ્રયત્ન ન ત્યજ્યો અને એક સમયે તેઓ બ્રિટનના વડા પ્રધાન બન્યા.

સન ૨૦૦૯માં કોલકાતામાં ૯૦૦થી વધારે શિલ્પીનાં ટાંકણે કંડારાયેલું ભવ્ય નૂતન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ત્રણ વર્ષના અંતે શિખર સુધી ચણાઈ ગયેલું, પરંતુ અચાનક એન્જિનિયરો સમક્ષ એક પડકાર આવ્યોઃ બંગાળની પોચી જમીનના કારણે નિર્માણાધીન મંદિરનો અમુક ભાગ જમીનમાં બેસી ગયો. આથી પાયામાં જરૂરી ફેરફાર કરવાની આવશ્યક્તા જણાઈ. મૂંઝવણ એ હતી કે પૂર્ણતાના આરે આવી પહોંચેલા સ્ટ્રક્ચરનું શું કરવું?તે વખતે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે, “આખું મંદિર ઉતારી, પાયામાં જરૂરી ફેરફારો કરી પાછું બાંધો.”

આ બહુ જ કપરું કામ હતું. છતાં, સાવચેતીથી આખું મંદિર ઉતારવામાં આવ્યું, પાયામાં જરૂરી ફેરફારો કરી પુનઃ ડિસેમ્બર, ૨૦૧૧માં મંદિરનિર્માણનું કાર્ય શરૂ થયું. માત્ર ૨૬ મહિના બાદ જ્યારે આ મંદિર ભાવિકો માટે ખુલ્લું મુકાયું ત્યારે સૌ કોઈને આશ્ચર્ય હતું. પ્રમુખ સ્વામી મહારાજ કાર્ય પ્રત્યેનો અભિગમ શીખવતા કહેતા કે, “મુશ્કેલીમાં કાર્ય કરે, તેને જ કાર્ય કર્યું કહેવાય.”

હા, સીધા સરળ રસ્તા પર ચાલવું એમાં શું ખરી મજા? ખરી મજા તો ડુંગરા ખૂંદવાની છે. સ્ટમ્પ્સ અને ફિલ્ડર વગરની ક્રિકેટમાં શું મજા? મજા તો સ્ટમ્પ્સને બચાવી, ફિલ્ડરો વચ્ચેથી બૉલ કાઢી ચોગ્ગા-છગ્ગા મારવામાં છે.

વિક્રમ સંવત 2081ના નૂતન વર્ષે આપણે પણ મહાપુરુષોનાં જીવનમાંથી પ્રેરણા લઈ વિઘ્નોથી હાર્યા વિના, જીવનમાંથી નિષ્ફળતાને ખંખેરી સફળતાના સરનામે ડગ માંડીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)