થોડા સમય પહેલાં જેની પૂર્ણાહુતિ થઈ એ ક્રિકેટ વર્લ્ડ કપમાં રવીન્દ્ર અનિરુદ્ધસિંહ જાડેજાએ તેના ઑલરાઉન્ડ પરફોરમન્સથી સૌને ચકિત કરી દીધા. જામનગર નજીકના નવાગામમાં જન્મેલા રવીન્દ્રના પિતા એક કંપનીમાં સિક્યૉરિટી ગાર્ડ હતા અને માતા નર્સ હતાં. આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે જાડેજાપરિવારના પુત્રનો ક્રિકેટર બનવાનો પ્રવાસ સરળ રહ્યો નહોતો. આમ છતાં એણે ભારતીય ક્રિકેટટીમમાં પોતાનું સ્થાન કંડાર્યું. તો 13 વર્ષની વયે આંખોનાં તેજ ગુમાવનાર જર્મનીના એરિક વેનમાયર એવરેસ્ટની ટોચ આંબી ગયા. કારણ? શારીરિક પડકાર હતા, પરંતુ એ તેના ધ્યેયને અંધ નહોતા કરી શક્યા.
વિષમ પરિસ્થિતિમાં એડનમાં સામાન્ય નોકરી કરનાર ધીરુભાઈ અંબાણીને આર્થિક ભીંસ ક્યાં ઓછી હતી? છતાં પરિસ્થિતિની સામે મંડ્યા રહેવાના અભિગમથી ધીરુભાઈ પ્રગતિના પર્વત ચઢી શક્યા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું સામ્રાજ્ય સ્થાપી શક્યા. બીજા વિશ્વયુદ્ધ વખતે જપાનને ક્યાં અગમચેતી મળેલી? પરંતુ પરિસ્થિતિને તાબે થયા વિના સકારાત્મક વલણ રાખીને અને સંપીને સૌ એક દિશામાં આગળ વધ્યા, જેના કારણે જપાન થોડા સમયમાં બેઠું થઈ ગયું.
અમેરિકન લેખક હેન્રી ડેવિડ થોરોએ ગ્રૅજ્યુએટ થયા પછી પ્રોફેસર થવા એક કૉલેજમાં અરજી કરી, તેઓ નપાસ થયા, પરંતુ હાર્યા કે થાક્યા વિના વિઘ્નોનો સામનો કરતા રહ્યા. આજે એ જ કૉલેજમાં, યુનિવર્સિટીમાં થોરોનાં પુસ્તક અભ્યાસક્રમમાં ભણાવવામાં આવે છે.
જીવનમાં વિઘ્નો તો આવવાનાં જ. કોઈ તેને રોકી નથી શકવાનું, પરંતુ હા, તેનો સામનો કરીને વિઘ્નને પડકારી જરૂર શકાય. આવા સમયે આપણો અભિગમ જ આપણી પ્રતિભાનું પ્રતિબિંબ છે. કમનસીબે, આજે માણસ આ જગ્યાએ થાપ ખાતો જોવા મળે છે અને આત્મહત્યાના બનાવ વધતા જાય છે.
એક શબ્દમાં જોઈએ તો પડકાર એટલે આવ્હાન. બીજી રીતે કહીએ તો જીવનમાં પ્રતિકૂળ સંજોગોનું ઓચિંતું આગમન. પડકારની અભિવ્યક્તિ જુદી જુદી હોઈ શકે છે. જેમ કે, અકસ્માતમાં શરીરનાં અંગને ખોવાનો વારો આવે તે શારીરિક પડકાર. ધંધામાં આર્થિક ખેંચ ઊભી થાય તે આર્થિક પડકાર અને કુદરત તરફથી આવતી આપત્તિઓ નૈસર્ગિક પડકાર. આમ, લૌકિક ક્ષેત્રે આગળ વધેલી વ્યક્તિઓએ પડકાર સામે ટક્કર ઝીલી તો સફળતા પામ્યા.
હવે એથી જરા આગળ વધીને કહીએ કે, આપણા પોતાના માટે તો આપણે કદાચ ગમે એવી પ્રતિકૂળ પરિસ્થિતિ સામે લડી શકીએ. ધારો કે મુંબઈના ચર્ચ ગેટ વિસ્તારમાં ફોરેનના વિઝા મેળવવા 10 વાગ્યાની ઍપોઈન્ટમેન્ટ છે. તમારે ઈશાન મુંબઈના પરા મુલુંડથી લોકલ ટ્રેનમાં ધસારાના સમયે પ્રવાસ કરીને, દાદર ટ્રેન બદલીને જવાનું છે. પણ જવાનું છે એટલે જવાનું જ છે. હવે આવો જ પ્રવાસ તમારે કોઈ પારકા માટે કરવાનો આવે તો? ગમે એવા ખમતીધરનાં ખમીર ડગી જાય, ખરુંને? હા, એ પારકું પોતીકું હોય એટલે તમે સાવ ના તો પાડી ન શકો, પણ કહો ખરા કે “દોસ્ત, 10ને બદલે બપોરના એકાદ વાગ્યાનું રાખને. પીક અવર્સની ભીડ જરા ઓછી થાય”.
બીજા માટે પણ જરાયે અકળાયા વિના, પડકારોને પડકારનાર હતા વિરલ સંતવિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ. જીવનમાં ઘણાં કાર્યો કરનાર આ વિભૂતિનું કોઈ એક કાર્ય મોખરે મૂકવું હોય તો તેઓશ્રીએ કરેલું જનજાગૃતિનું. 1987ના કારમા દુષ્કાળ વખતે મૂક પશુઓ અને તેમના માલિક-ખેડૂતોની વેદનાને પામીને પ્રમુખસ્વામી મહારાજે ગુજરાતમાં ચાર ઠેકાણે કૅટલકેમ્પ કરેલા. આ પ્રકલ્પમાં જ્યારે આર્થિક ખેંચ ઊભી થઈ ત્યારે સ્વામીશ્રીએ કાર્યકર્તાઓને કહ્યું, “હું ચાર ગામડાં વધુ ફરીશ, પણ આ સેવાકાર્ય તો ચાલુ રાખવાનું જ છે.”
આ કથનમાં એમનો અભિગમ કેટલો હકારાત્મક છે તે જણાય છે. સ્વામીશ્રીએ ખૂબ મક્કમતાથી આર્થિક અને કુદરતી વિઘ્નોને ગણકાર્યા વિના કાર્ય કર્યું છે, તેથી આજે ન કેવળ ગુજરાત પરંતુ આખું વિશ્વ તેઓનું સ્મરણ કરે છે.
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)