આ સવાલ લગભગ દરેકને બાળપણમાં ક્યારે ને ક્યારે તો પુછાયો જ હશેઃ મોટા થઈને શું થવું છે? અથવા મોટા થઈને કોના જેવા બનવું છે?
આ સવાલ એક હાઈ સ્કૂલમાં શિક્ષકે એમના વિદ્યાર્થીઓને પૂછ્યો. જવાબમાં વિદ્યાર્થીઓએ મનગમતી વ્યક્તિઓનાં ઉદાહરણ આપવા માંડ્યાં, પોતાની પ્રેરણામૂર્તિ વિશે બોલતાં એમનાં મોં મલકતાં હતાં.
શિક્ષકે જોયું કે એક વિદ્યાર્થી કંઈ જવાબ આપ્યા વિના શાંત બેઠો છે. આ જોઈ શિક્ષકે કુતૂહલવશ તેને પૂછ્યુંઃ ‘હેન્રી, તારે મોટા થઈને કોના જેવા બનવું છે.’
વિદ્યાર્થીના ઉત્તરમાં છુપાયેલા ગુઢાર્થથી શિક્ષક અવાક્ થઈ ગયા. હેન્રી કહે, ‘સર, મારે તો હેન્રી જ બનવું છે.’
-અને તે બાળક વિશ્વનો મહાન લેખક, ચિંતક, કવિ અને ફિલોસોફર હેન્રી ડેવિડ થોરો બન્યા.
માણસ પોતાના અસ્તિત્વ પર જ્યારે સેલિબ્રિટીનાં મહોરાં ચઢાવે છે ત્યારે એ પોતાની સ્વતંત્ર ઓળખ ગુમાવી બેસે છે.
વાત મહાન પુરુષોના સદગુણમય જીવનમાંથી પ્રેરણા લેવાને નકારવાની નથી, પણ માત્ર કોઈનાં પદ-પ્રતિષ્ઠા-માન-મરતબો જોઈ, તેના વ્યક્તિત્વને પોતાના અસ્તિત્વ પર સવાર ન થવા દેવાની વાત છે.
ભગવાને દરેક વ્યક્તિને અજોડ બનાવી છે. દુનિયાની સાત અજબથી વધુ વસ્તીમાં કોઈ બે વ્યક્તિના ફિંગરપ્રિન્ટસ સમાન નથી, આંખોની આઈસીસ સમાન નથી, કે અવાજના આરોહ-અવરોહ સરખા નથી. વ્યક્તિ-વ્યક્તિની પ્રકૃતિ, સ્વભાવ, બુધ્ધિક્ષમતા, કળા, આવડત, રસ, મૌલિકતા, યાદશક્તિ વગેરેનું વૈવિધ્ય તો ખરું જ.
આ પૃથ્વી પર પ્રત્યેક વ્યક્તિને ભગવાને એક પોતીકી ઓળખ આપી છે. તો શા માટે આપણે ભગવાનની આ અજોડ બક્ષિસને અવગણીને બીજાની જિંદગી જીવવા માંગીએ છીએ? આપણે જે છીએ, જેવા છીએ એની ઉપર આપણને ગર્વ હોવો જોઈએ.
21મી સદીના મહાન ટેકનોક્રેટ એપલ કંપનીના સ્થાપક સ્ટિવ જોબ્સે એક વાર કહેલું, ‘તમારો સમય મર્યાદિત છે. માટે બીજાની જિંદગી જીવવામાં તેને વેડફશો નહીં.’
બીજાની નકલ કરવામાં દંભ છે અને એવા દંભ ભરેલા જીવનમાં પોકળતા છે.
પોતાના ગુરુ યોગીજી મહારાજના દેહત્યાગ પછી સંસ્થાના ગુરુપદે અને પ્રમુખપદે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ આવ્યા તે અરસાની વાત છે. પ્રમુખસ્વામી મહારાજની સહજ ગંભીર પ્રકૃતિ, શાંત અને સ્થિર. એક વ્યક્તિએ તેઓને સૂચન કરતાં કહ્યું. ‘તમે યોગીજી મહારાજના સ્થાને આવ્યા છો તો તમારે હવે તેમની નકલ કરવી પડશે. તે સમયે સ્વામીજીના નિર્દંભ વ્યક્તિત્વમાંથી નીકળેલો પ્રત્યુત્તર આપણા સૌ માટે પ્રેરણાદાયક છે. ‘એ તો યોગીજી મહારાજની રીત હતી. મારી તેવી રીત નથી એટલે હું શું એમની નકલ કરું? હું જેવો છું તેવો છું, મને કોઈની નકલ કરતા નથી આવડતું, મારામાં જે ન હોય તે ઉપજાવીને કરવાનું મને ન ફાવે.”
અમેરિકાનાં તમામ વર્તમાનપત્રોની રવિવારની આવૃત્તિ (સન્ડે એડિશન) એસોસિએસનનાં અધ્યક્ષ અને ‘ફિલાડેલ્ફિયા ઇન્કવાયરર’ના તંત્રી રોનાલ્ડ ‘રોન’ પટેલે ૧૯૯૮માં ન્યુ જર્સીના એડિસનમાં સત્સંગ સભાને સંબોધતાં કહ્યુંઃ “પત્રકાર તરીકે મેં પ્રમુખસ્વામી મહારાજને કેટલાય અટપટા પ્રશ્નો પૂછ્યા, પરંતુ બધા જ પ્રશ્નોના ઉત્તરમાં જે વસ્તુ બહાર ઊઠીને આવી છે, તે છે પ્રમુખસ્વામીના આત્માની પવિત્રતા, નિર્મળતા. તમે એમને ગમે ત્યારે પ્રશ્ન પૂછો, ગમે તે પ્રશ્ન પૂછો, ઉત્તર એકદમ પવિત્ર! ઉત્તરમાં પ્રસિદ્ધિનો આશય નહીં, વર્તનમાં કે વાણીમાંય આડંબરનો અંશ નહીં. બનાવટનું મહોરું નહીં એટલે જ એમના જીવનનું સત્ય સૌને પ્રભાવિત કરે છે.”
જેમને સત્ય અને અસત્ય એવા બે મહોરાં નથી, એમને ખાનગી કે જાહેર જીવનની ચિંતા નથી. તે નિર્ભય અને નિ:શંક થઈને જિંદગીનો ઉલ્લાસ માણી શકે છે. અને કોઈનો મહોરું પહેરવાનો પ્રયત્ન કરનારની દશા કરુણ થઈ જાય છે. માટે ભગવાને આપણને જે અજોડ ઓળખ આપી છે તેને શોધીએ, જાણીએ અને તે અનુસાર આગળ વધીએ તેમાં શાણપણ રહેલું છે.
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)