સૌંદર્યનું એક પાસું છે લજ્જા. સૌંદર્ય લજ્જા સાથે સંકળાયેલું છે અને લજ્જા સૌંદર્યમાં વૃધ્ધિ કરે છે. તમે આની નોંધ લીધી છે? નાનું બાળક ઘણી વાર એકદમ શરમાળ ચહેરો બનાવે છે. જ્યારે બધા તેના વખાણ કરે છે ત્યારે તે પોતાનો ચહેરો સંતાડી દે છે. એ જ રીતે શરમ કુરૂપતાનો હિસ્સો છે. લજ્જા તમને સૌમ્ય બનાવે છે; શરમ તમને રુક્ષ બનાવે છે. જ્યારે વ્યક્તિને શરમ લાગે છે ત્યારે તે આંતરિક રીતે રુક્ષ બની જાય છે, હિંસક બને છે; પરંતુ જ્યારે વ્યક્તિને લજ્જા થાય છે ત્યારે તે વધુ મૃદુ અને સૌમ્ય બને છે.
દેવોની, જ્ઞાનીઓની કાર્ય કરવાની પધ્ધતિ હંમેશા પરોક્ષ હોય છે. સંસ્કૃતમાં ઉક્તિ છે, “પરોક્ષ પ્રિહા હિવયી દેવા” એટલે કે,”દેવોને પરોક્ષ માર્ગ પ્રિય હોય છે. “આ મજાનું છે. કાવ્ય પરોક્ષ હોય છે; તેમાં અતિશયોક્તિ હોય છે. હ્રદય હંમેશા અતિશયોક્તિ કરે છે; મન હકીકતને લક્ષમાં લે છે. હકીકત બૌધિક હોય છે; પરંતુ હ્રદય હકીકતને શ્રૃંગાર કરે છે. હ્રદયને શણગાર આવડે છે. તે અલંકૃત કરીને ઉપર આવરણ ઢાંકી દે છે,પછી તે વસ્તુ બમણી સુંદર લાગે છે.
તમારે કઈ વસ્તુ કરવી જોઈએ કે કઈ ના કરવી જોઈએ. દરેક બાબતનું એક સ્થાન હોય છે અને સમય હોય છે,કારણ કે દુનિયા બધી વસ્તુઓથી ભરપૂર છે. ગુહ્ય સૌંદર્ય હ્રદયને ખીલવે છે. અંશતઃ વ્યક્ત થયેલું સૌંદર્ય હ્રદયને ખીલવે છે. સંપૂર્ણ નિરાચ્છાદન એ હ્રદયની ભાષા નથી. સંપૂર્ણ નિરાચ્છાદન ઉશ્કેરણી કરે છે; ગુહ્ય સૌંદર્ય આહ્વાન કરે છે. હું શું કહું છું તમને સમજાય છે? એટલા જ માટે કુદરત સમસ્ત સર્જનને રાત્રે પોતાનામાં છુપાવી દે છે,અને બીજા દિવસે સવારે તેને પ્રગટ કરે છે. જેમ જેમ સૂર્યનો ઉદય થાય છે તેમ તેમ તમે તમામ હરિયાળી અને પુષ્પો જોઈ શકો છો અને સમગ્ર દુનિયા એટલી રંગબેરંગી દેખાય છે. રાત્રે તે દુનિયાને પોતાના ઉદરમાં લઈને સંતાડી દે છે.
સર્જન ખૂબ રહસ્યમય છે. સર્જન ગુપ્તતાથી થાય છે, એવું નથી? જ્યારે તમે કોઈને ઉપહાર આપો છો ત્યારે તમે તેને જુદા જુદા રંગના કાગળમાં વીંટાળો છો. તમે ઉપહાર એમ જ સીધેસીધો કેમ નથી આપી દેતા? તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે તમે તેને વીંટાળો છો, શા માટે તમે રંગબેરંગી કાગળો લાવીને તેને વીંટાળો છો? ઘણી વાર તો ઘણા કાગળો! અને પછી ઘણી વાર તમે તે ઉપહારને, તમારા પ્રેમને સંતાડી દો છો. જ્યારે તમે કંઈ આપો છો ત્યારે તેને પરોક્ષ રીતે આપો છો.તમને તેવું કરવું ખૂબ ગમે છે.એ દિવ્યતા છે.તમે આવું આખા જીવન દરમ્યાન કરતા આવ્યા છો,તમે યુવાન હતા ત્યારથી ઉપહાર આપતા આવ્યા છો; ઉપહાર મેળવતા આવ્યા છો;પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે એ પાછળ પ્રયોજન શું છે?તમને સંતાડીને આપવું ખૂબ ગમે છે,અંશતઃ પ્રગટ થયેલું અથવા અપ્રગટ.
જ્યારે પ્રેમની અભિવ્યક્તિ માટે કોઈ જ પ્રયત્ન કરવામાં નથી આવતો ત્યારે તે તેની પરાકાષ્ઠાએ હોય છે. જ્યારે તમે તેને અનેક શબ્દોમાં મઠારીને વ્યક્ત કરવાનો પ્રયત્ન નથી કરતા ત્યારે તમારું સમગ્ર અસ્તિત્વ એ પ્રેમ દર્શાવે છે. હું એવું નથી કહેતો કે તમારે એ વ્યક્ત જ ના કરવો જોઈએ, ક્યારેક કરો; નહીંતર તમે આવેશમાં આવી જઈ શકો છો! હું માત્ર એટલું કહું છું કે આમ કરવામાં મીઠાશ બની રહે છે. આમ,આપણે ઉપહારોને ઘણા રંગોના કાગળોમાં વીંટાળીએ છીએ,અને તેમને યોગ્ય ક્ષણ સુધી આશ્ચર્ય આપવા માટે રાખી મુકીએ છીએ. અને તે ગોપનીયતામાં તથા તેને અનાવૃત કરવામાં જ્ઞાન સમાયેલું છે,તેમાં ખીલવાની એક પ્રક્રિયા છે,આનંદ છે,મીઠાશ છે. આ દૈવી લક્ષણ છે. ઈશ્વર આ સમગ્ર સર્જનમાં એ જ રીતે કાર્યરત છે. દરેક ડગલે ને પગલે એ તમને આશ્ચર્ય આપતા હોય છે.
હ્રદય સત્યને એટલી હદે અલંકૃત કરે છે કે સત્ય ઢંકાઈ જાય છે અને શ્રૃંગાર ખૂબ મોટો થઈ ગયેલો હોય છે. બુધ્ધિ તમામ આવરણોશકાઢી નાંખે છે,તેમને નષ્ટ કરે છે અને નક્કર સત્યને જુએ છે.સમજો, હું એવું નથી કહેતો કે આવું જ હોવું જોઈએ કે આવું ના હોવું જોઈએ.બુધ્ધિનું પોતાનું એક સ્થાન છે અને કાવ્યનું પોતાનું. સત્યનું પોતાનું એક સ્થાન છે અને શ્રૃંગારનું પોતાનું.અને આ બન્ને જીવનને સંતૃપ્ત બનાવે છે,એ મજાનું છે. દિવસ દરમ્યાન સૂર્ય પ્રકાશના ઉજાસમાં બધું સ્પષ્ટ દેખાય છે; અને ચંદ્રના પ્રકાશમાં તમને સર્જનના અપ્રગટ સૌંદર્યનો, અંશતઃ વ્યક્ત થયેલાનો માત્ર અણસાર આવે છે. અસ્તિત્વની આ ભાષા છે.
કોઈએ પૂછ્યું,”અરે, હું લજ્જા અનુભવું છું. હું તેને કેવી રીતે ત્યજી શકું?” મેં જણાવ્યું, “તેને ત્યજશો નહીં, એ સારું છે. તેને જાળવો.”તમારી એ લજ્જા તમારા સૌંદર્યમાં વૃધ્ધિ કરે છે. તે તમને કંઈ વિશેષ પ્રદાન કરે છે. એ લજ્જા તમારો શ્રૃંગાર છે. જો તમને કોઈ બાબતની શરમ આવતી હોય તો તેને તરત જ ત્યજી દો!
લોકોને તેમની અભિવ્યક્તિ કરતાં વિશેષ જુઓ. વ્યક્તિ જે વ્યક્ત કરે છે તેટલો જ તે સીમિત નથી હોતો. દરેક જીવમાં પુષ્કળ અવ્યક્ત પ્રેમ હોય છે. આ હકીકત સમજશો તો તમારો દ્રષ્ટિકોણ વિસ્તૃત થશે, તમારું હ્રદય વિસ્તૃત થશે; અને તમે એ પછી કોણે શું કહ્યું કે કોણે શું કર્યું એમાં અટકશો નહીં. કોઈ વ્યક્તિ જે કહે છે તે તુચ્છ હોય છે, અને કોઈ વ્યક્તિ શું કરે છે એ માત્ર પેકેટ પરની રીબીન જેવું છે. તમને મળેલા પેકેટ પરની રીબીન જો તમને ના ગમે તો કોઈ ફર્ક પડતો નથી. તમે પેકેટને જુઓ છો,રીબીન કાઢી નાંખો છો અને અંદર જે ઉપહાર હોય છે તે જુઓ છો. દરેક વ્યક્તિ એક ઉપહારના પેકેટ જેવી છે. માત્ર બહાર વીંટાળેલો કાગળ જ જોવાનું ના રાખો. અંદરથી દરેક વ્યક્તિ એક કિંમતી ઉપહાર છે.
(શ્રી શ્રી રવિશંકરજી)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)
