આપણે સહુ એક અદ્રશ્ય, તેજોમય શક્તિની જ્યોતિનાં પ્રવાહમાં વહી રહ્યાં છીએ. આ શક્તિને “દેવી” કહેવાય છે. દેવી સર્વ પ્રકારના સર્જનનું ઉદગમસ્થાન છે. દેવી ગતિશીલતા, દીપ્તિ, સૌન્દર્ય, ધૈર્ય, શાંતિ અને પોષણનો સ્ત્રોત છે. દેવી પ્રાણ ઉર્જા છે. જેમ માતા પોતાના શિશુને ચાહે છે, તેમ દેવી પોતાનાં સંતાનો, અર્થાત્ સમસ્ત જગતનાં સર્વ જીવોને અસીમ પ્રેમ કરે છે.
નવરાત્ર પર્વની નવ રાત્રીઓ દરમ્યાન દેવીના સર્વે નામ-રૂપોની આરાધના કરવામાં આવે છે. નામનું એક વિશિષ્ટ મહત્વ હોય છે. ચંદનના વૃક્ષને, આપણે તેની સુગંધ દ્વારા યાદ કરીએ છીએ, તે જ રીતે દેવીનું પ્રત્યેક નામ અને સ્વરૂપ, દૈવી તત્વનાં આગવા અને વિલક્ષણ ગુણનું પ્રતિક છે. દેવીના નામ-રૂપના ઉચ્ચારણ અને સ્મરણ દ્વારા આપણે એ દિવ્ય ગુણોનું આપણી ચેતનામાં આહવાન કરીએ છીએ, જે ગુણોનું પ્રકટીકરણ આવશ્યકતા પ્રમાણે આપણી અંદર સ્વયંભૂ થતું રહે છે.
નવરાત્રી એ, નામ-રૂપ આધારિત સ્થૂળ જગતથી, ઉર્જાનાં સૂક્ષ્મ જગત સુધી જવાની યાત્રા છે. વિભિન્ન યજ્ઞો દ્વારા સૂક્ષ્મ જગતની આ ઉર્જા આપણા અંત:કરણમાં સ્ફુરિત થાય છે.
નવરાત્ર પર્વના પ્રથમ ત્રણ દિવસોમાં “દુર્ગા” સ્વરૂપમાં દેવીની આરાધના કરવામાં આવે છે. દુર્ગાનો એક અર્થ પર્વત થાય છે. કઠીન કાર્યને પ્રાય: “દુર્ગમ” કાર્ય કહેવાય છે. દુર્ગાની ઉપસ્થિતિમાં નકારાત્મક તત્વો ક્ષીણ પડી જાય છે. દુર્ગાની ઉપસ્થિતિમાં, મુશ્કેલીઓને પોતાનું અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ પડે છે. દેવીને સિંહ અથવા વાઘ પર સવારી કરતાં દર્શાવાય છે, જે સાહસ અને વીરતાનું પ્રતિક છે, અને આ ગુણો જ દૈવી તત્વનો અર્ક છે.
નવ દુર્ગા એ દૈવી શક્તિના નવ પરિમાણો છે, જે સર્વે નકારાત્મકતાઓની સામે ઢાલની જેમ રક્ષણ આપે છે. દેવીનું નામસ્મરણ અવરોધો અને માનસિક બંધનોમાંથી મુક્તિ અપાવે છે. વિશેષ કરીને જયારે મનુષ્ય ચિંતા, આત્મસંશય, સ્વ-યોગ્યતા પર શંકા, અભાવની ભાવના, શત્રુ-ભય તેમ જ નકારાત્મકતા થી પીડિત હોય ત્યારે દેવીના નામોનું ઉચ્ચારણ કરવું જોઈએ. આ મંત્રોથી આપણી ચેતનાનું ઉર્ધ્વીકરણ થાય છે, જે આપણને કેન્દ્રસ્થ, સાહસિક અને સ્થિર બનાવે છે. દૈવી શક્તિના દુર્ગા સ્વરૂપનું આ જ મહાત્મ્ય છે.
દેવી દુર્ગા, મહિષાસુરમર્દિની સ્વરૂપમાં “મહિષ” નો વિનાશ કરે છે. મહિષ શબ્દનો અર્થ ભેંસ થાય છે, જે પ્રમાદ, શિથિલતા અને જડત્વનું પ્રતિક છે. આ દુર્ગુણો આધ્યાત્મિક તેમ જ ભૌતિક પ્રગતિમાં બાધક બની રહે છે. દેવી સકારાત્મક ઉર્જાનો ભંડાર છે અને તેમની ઉપસ્થિતિમાં પ્રમાદ તથા જડત્વ સંપૂર્ણતયા: વિલીન થઇ જાય છે.
નવરાત્રીનો દ્વિતિય ત્રણ દિવસનો ખંડ, દેવી લક્ષ્મીની આરાધના માટે નિશ્ચિત કરેલો છે. દેવી લક્ષ્મી સંપતિ અને વૈભવના દેવી છે. આપણા જીવનના નિર્વાહ અને પ્રગતિ માટે, સંપત્તિ એ એક આશીર્વાદ સ્વરૂપ પરિમાણ છે. સ્થૂળ ધન કરતાં તે અધિક છે. આ સંપત્તિનો અર્થ છે જ્ઞાન, કૌશલ્ય તેમ જ યોગ્યતાની પ્રચુરતા. લક્ષ્મી એક એવી ઉર્જા છે જેનું પ્રકટીકરણ મનુષ્યના સંપૂર્ણ આધ્યાત્મિક અને ભૌતિક વિકાસના સ્વરૂપમાં થાય છે.
નવરાત્રીના અંતિમ ત્રિદિવસીય ખંડમાં દેવી સરસ્વતિની આરાધના કરવામાં આવે છે. સરસ્વતિ જ્ઞાનના દેવી છે. દેવી કે જે “સ્વ” ના “સાર” નું જ્ઞાન આપે છે. દેવી સરસ્વતિને પ્રાય: શિલા પર બિરાજમાન દર્શાવાય છે. જ્ઞાન એ શિલા જેવો દ્રઢ આધાર છે. જ્ઞાન આપણી સાથે નિરંતર રહે છે. દેવી સરસ્વતિ વીણા-વંદન કરે છે. વીણાનાં મધુર સ્વરો મનમાં શાંતિ અને સંવાદિતાનું સિંચન કરે છે. એ જ રીતે, આધ્યાત્મિક જ્ઞાનથી જીવનમાં પ્રસન્નતા અને ઉત્સવનો આવિર્ભાવ થાય છે.
દેવી સરસ્વતિ એ પ્રજ્ઞાનો સાગર છે. એક એવી ચેતના છે જે વિવિધ વિદ્યાઓ સાથેના સંધાનથી આંદોલિત થાય છે. દેવી સરસ્વતિ આધ્યાત્મિક જ્યોતિનો સ્ત્રોત, અજ્ઞાન વિનાશિની તેમ જ જ્ઞાનનું ઉદગમસ્થાન છે.
દેવીનાં વિવિધ નામ-રૂપની પૂજા-અર્ચનામાં આપણે વિવિધ પ્રકારના પુષ્પો અને સુગંધનો ઉપયોગ કરીએ છીએ. આપણે જયારે બાહ્ય સૌન્દર્યથી યાત્રા શરુ કરીને અંતર્મુખી થઈએ છીએ, ત્યારે દિવ્યતા થી સભર થઈએ છીએ અને ત્યારે આપણી ચેતના ખીલી ઉઠે છે. આ પૂર્ણ વિકસિત ચેતના આપણે દેવીને અર્પણ કરીએ છીએ આ અર્પણવિધિ એ જ સંપૂર્ણ પૂજા છે.
દેવી એ ગહન, અનંત, પરમ, શુદ્ધ ચૈતન્ય છે. બાળક ક્યારેય માતાને જાણવાનો પ્રયત્ન કરતું નથી. એ માત્ર માતામાં શ્રદ્ધા જ રાખે છે. એ જ રીતે, દેવી પ્રત્યેની શ્રદ્ધા એ પૂર્ણ શક્તિનો સ્ત્રોત છે. એક મહા વૈભવ અને આશિષ છે. નવરાત્રી એ અસીમ આશિષની વર્ષામાં ભીંજાવાનું, અસ્તિત્વની ગહનતામાં વિશ્રામ કરવાનું તથા આપણા જીવનમાં ખીલેલાં સૌન્દર્ય અને પ્રચુરતા પ્રત્યે કૃતજ્ઞ થવાનું પર્વ છે.
લેખિકા: શ્રીમતી ભાનુમતી નરસિમ્હન
શ્રીમતી ભાનુમતી નરસિમ્હન, ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીનાં બહેન તથા આર્ટ ઓફ લિવિંગ- મહિલા અને બાલ કલ્યાણ વિભાગના ડાયરેક્ટર છે. તેમનાં નેતૃત્વ હેઠળ સમગ્ર ભારતમાં 650+ ફ્રી સ્કૂલ્સ ચાલે છે, જેમાં 85000+ બાળકોને નિઃશુલ્ક ભોજન, શિક્ષણ, પુસ્તકો, યુનિફોર્મ તથા બસ સુવિધા પુરી પાડવામાં આવી રહી છે.