પરમાત્મા માટેની ઝંખના

જ્યારે તમે કોઈ વસ્તુ કે વ્યક્તિ સાથે જોડાઓ છો, ત્યારે પ્રેમ જન્મે છે. પ્રેમ સાથે, વાસનાનો જન્મ થાય છે. આ ઝંખના તીવ્ર હોવી જોઈએ. જ્યારે ઝંખના એટલી તીવ્ર બની જાય છે કે પ્રેમ સિવાય બીજું કંઈ જ પરિપૂર્ણતા લાવી શકતું નથી. આ તીવ્રતા સાથે, ઝંખના બધા તણાવ, નકારાત્મકતા, ભાવનાઓ, બધું જ ઉત્પન્ન કરે છે અને ઉશ્કેરે છે. હવે આમાંથી બહાર આવવા માટે તમારે ખૂબ ધીરજ અને પ્રાર્થનાની જરૂર છે. ગંભીર પ્રાર્થના! બેચેની, ઝંખના, નિરાશા, હતાશા, નાભિથી ગળા સુધી આ બધું જ અનુભવ થાય છે. ધૈર્ય સાથે તમારે ખરેખર બીજા ચક્ર પર જવું પડશે અને ત્યાંથી પ્રાર્થના કરવી પડશે. નાભિ નીચે, ઊર્જા નાભિ નીચે જશે; ત્યાંજ જ નબળાઈ રહેલી છે.

જ્યારે તમે ખૂબ જ નબળા, સંપૂર્ણપણે લાચાર, શક્તિહીન અનુભવો છો, ત્યારે તમે બીજા ચક્ર પર છો. ત્યાંથી સમર્પણ ભાવ થી કહો, “ઠીક છે, હું બધું તમારા પર છોડી દઉં છું.” પછી તે તીવ્રતા સાથે એ પ્રાર્થના પૂર્ણ થાય છે. ઝંખનાના દુ:ખને દૂર કરવાનો આ એક રસ્તો છે. સામાન્ય રીતે લોકો કહે છે, “તમે સાચા હૃદયથી પ્રાર્થના કરો”, ત્યાં ફક્ત તે કામ કરતું નથી. જ્યારે તમે કૃતજ્ઞ હોવ છો ત્યારે તમે સાચા હૃદયથી પ્રાર્થના કરો છો, પરંતુ જ્યારે તમે ખૂબ દુઃખી હોવ છો ત્યારે તમે સાચા હૃદયથી પ્રાર્થના કરી શકતા નથી, તમે ફક્ત સર્વોચ્ચ સત્તા ને પ્રાર્થના કરી શકો છો. સર્વોચ્ચ સત્તા બીજા ચક્ર પર હોઈ છે, પહેલા અને બીજા ચક્રની વચ્ચે કશે. આ તમને ખૂબ જ મજબૂત અને શક્તિશાળી બનાવે છે કારણ કે તે દિવ્યતા નબળા સાથે હોઈ છે. તેથી જ મેં કહ્યું, ‘દીન-બંધુ’ જેનો અર્થ થાય છે ‘નબળાનો મિત્ર’. ‘દીન’ નો અર્થ એવો થાય છે જે નબળો, નમ્ર, સંપૂર્ણપણે શક્તિહીન અને લાચાર છે. અને, બંધુ શું છે? એક મિત્ર. તમે મિત્ર છો, સગા છો, લાચાર લોકોના તારણહાર છો. તો તમે તેમની પાસે જાઓ અને ત્યાં બેસીને પ્રાર્થના કરો, તમે કહો , “હું તણાવ ઓછો કરવાનો કોઈ ઉપાય નથી કરી શકતો નથી, મને મદદની જરૂર છે.” પછી તમે તરત જ ફેરફાર થતા જોશો.

પરમાત્મા માટેની આ ઝંખના કોઈ પણ ભૌતિક વસ્તુથી ઓછી ના થવી જોઈએ. બીજી વસ્તુઓની ઝંખના, જ્યારે ઊભી થાય છે, ત્યારે જુઓ કે તે કેટલી તીવ્ર હોય છે? તમે જીવનસાથી માટે ઝંખો છો, કોઈ પદ, પૈસા અથવા જે કંઈ પણ હોય તેની ઝંખના કરો છો. પરમાત્માની ઝંખના આના કરતાં લાખ ગણી વધારે હોવી જોઈએ. તો જ્યારે પરમાત્મા પ્રત્યે ની ઝંખના જેટલું વધુ હશે, તો દુઃખ પણ વધારે હોવું જોઈએ. તીવ્ર વેદના પણ વધુ હશે, પરંતુ તે એટલું ખરાબ પણ નહીં હોય. કારણ કે પછી ખુશી અનેક ગણી વધારે હશે. કેટલીક નાની ઇચ્છાઓ પૂર્ણ થવાનો કે કેટલીક વસ્તુઓ મેળવવાનો સંતોષ એ ખૂબ જ તુચ્છ હોય છે, તે ખરેખર તમને સંતોષ આપતું નથી. પણ પરમ પ્રેમ, તમને પૂર્ણપણે સંતુષ્ટ કરે છે, તમને સંપૂર્ણ બનાવે છે!

દુનિયા લાખો તરંગોથી ભરેલી છે. તે બધાને નવ મુખ્ય તરંગો તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. અને તેઓ નવ ગ્રહ સાથે પણ સંબંધિત છે. બધું જોડાયેલું છે. સમગ્ર બ્રહ્માંડ! આ એક જાળ છે. તો જ્યારે તમે કોઈ સેવા કરો છો, ત્યારે તમે ઘણું પુણ્ય કમાઈ રહ્યા છો. જ્યારે તમે સેવા કરો છો, ત્યારે તે સારા કર્મ માં ગણાય છે અને તે સારા કર્મ તમને ખુશી આપે છે. બેંક બેલેન્સ વધે છે. પછી તે ખુશી પણ લાવે છે.

ભારતમાં સામાન્ય રીતે જ્યારે લોકો તમારી અથવા તમે કરેલા કોઈ કાર્યની પ્રશંસા કરે છે, ત્યારે તેઓ કહે છે કે, “અરે, એ કંઈ જ નથી, મેં કંઈ વિશેષ કર્યું નથી, એ બધા મારા માતાપિતા કે વડીલોના સારા કર્મો નું ફળ છે. તેમણે કંઈક સારું કર્યું હશે અને તેથી જ આપણે હવે તેનો આનંદ માણી રહ્યા છીએ. કોઈએ આંબાના ઝાડ વાવ્યા હશે અને આપણે તેના ફળનો આનંદ માણી રહ્યા છીએ.”

આજે પણ, કેટલાક આશ્રમ એવા છે જ્યાં લોકોને સેવા આપવા માટે એક વર્ષ અગાઉથી બુકિંગ કરાવવું પડે છે. તેઓ એક વર્ષ અગાઉથી પોતાના નામ બુક કરાવે છે અને આખા અઠવાડિયા માટે તેઓ ત્યાં જાય છે અને રસોઈથી લઈને સફાઈ અને સેવા આપવા સુધી, આશ્રમમાં બધું જ કરે છે. તેઓ તેમના સહપરિવાર સાથે જાય છે; તેઓ ત્યાં એક અઠવાડિયા સુધી રહે છે, રસોઈ બનાવે છે, લોકોને પીરસે છે અને જમાડે છે, બધું જ કરે છે. આ રીતે જૂના કર્મોનું ધ્યાન રાખવામાં આવે છે. સેવા ચોક્કસપણે દુઃખ ઘટાડે છે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)