ઘણા સાધકોએ પ્રશ્ન પૂછ્યો છે- જ્ઞાનોદય એટલે શું? એક વાર સમુદ્રની માછલીઓની સભા થઈ હતી જેમાં તેઓ કોણે સમુદ્ર જોયો છે એ વિશે ચર્ચા કરવા એકત્રિત થયા હતા. જ્ઞાનોદય એ આ દ્રષ્ટાંત કથાના સમુદ્ર જેવું છે. તે તમામ માછલીઓમાંથી કોઈ સ્પષ્ટપણે કહી ના શક્યું કે તેમણે સમુદ્ર જોયો છે. અંતે એક માછલીએ કહ્યું, “મને લાગે છે કે મારા પરદાદાએ સમુદ્ર જોયો હતો!” બીજી માછલી એ કહ્યું, “હા,હા,મેં આ વિશે સાંભળ્યું છે.” ત્યાં ત્રીજીએ કહ્યું,”હા ખરેખર તેના પરદાદાએ સમુદ્ર જોયો હતો.” પરિણામે માછલીઓએ એક વિશાળ મંદિર બાંધ્યું અને તેમાં પેલી માછલીના પરદાદાની પ્રતિમા મુકી જેમાં જણાવ્યું,” તેમણે સમુદ્ર જોયો હતો. તેઓ સમુદ્ર સાથે સંકળાયેલા હતા.”
જ્ઞાનોદય એ કોઈ એવો વિષય નથી જે બાબતે વાતો કરી શકાય કે તે અન્યને સમજાવી શકાય. તે તો આપણા અસ્તિત્વનું એકદમ હાર્દ છે; તે આપણી અંદર ઊંડે ઉતરવાના અને ત્યાંથી આપણું જીવન જીવવાનો અનુભવ સુચવે છે.
આપણે સૌ નિર્દોષપણાની બક્ષિસ સાથે આ દુનિયામાં આવીએ છીએ,પરંતુ ધીરે ધીરે જેમ જેમ આપણે બુધ્ધિશાળી થતા જઈએ છીએ તેમ તેમ નિર્દોષપણું ગુમાવીએ છીએ. આપણે મૌન સાથે જન્મીએ છીએ,પરંતુ જેમ જેમ મોટા થઈએ છીએ તેમ તેમ તે મૌન ગુમાવી દઈએ છીએ અને વાતોડીયા થઈ જઈએ છીએ. શરુઆતમાં આપણે હ્રદયથી જીવીએ છીએ,પરંતુ સમય જતાં આપણે મસ્તિષ્કથી જીવતા થઈ જઈએ છીએ.
આનાથી વિપરીત યાત્રા એટલે જ્ઞાનોદય. તે મસ્તિષ્કથી પાછા હ્રદય તરફની, શબ્દોથી પાછા મૌન તરફની યાત્રા છે. આપણી બુધ્ધિ વિકસી હોવા છતાં આપણું નિર્દોષપણું પરત મેળવવાની તે ક્રિયા છે. આ બાબત બહુ સરળ લાગે છે, પણ તે એક મહાન સિદ્ધિ છે. જ્ઞાન આપણને એ દિશામાં લઈ જવું જોઈએ કે જ્યાં ‘મને નથી ખબર’ એવું આપણે કહી શકીએ. જ્ઞાનનો આશય આપણી અજ્ઞાનતા વિશે સભાનતા લાવવાનો છે. જ્ઞાનની સંપૂર્ણતા આપણને આશ્ચર્ય અને અજાયબીની ભાવના તરફ લઈ જાય. તે આપણને આ અસ્તિત્વ વિશે સંપૂર્ણપણે સજાગ કરે છે.
રહસ્યોને જીવવાના હોય, સમજવાના ના હોય. વ્યક્તિ જીવનને તેની સંપૂર્ણતામાં એકદમ તાદાત્મ્યથી જીવી શકે છે.
જ્ઞાનોદય પુખ્તતાની એ અવસ્થા છે જેમાં આપણે કોઈ પણ પરિસ્થિતિથી વિચલિત નથી થતા. ગમે તે થાય તો પણ કોઈ પણ વસ્તુ આપણું સ્મિત છીનવી શકતું નથી. જ્યારે આપણે પોતાની જાતને મર્યાદિત સીમાઓથી પર રાખીએ છીએ ત્યારે આપણને જણાય છે કે ‘આ સૃષ્ટિમાં જે બધું અસ્તિત્વમાં છે તે મારું છે.’
જ્ઞાનોદય ના હોવો એની વ્યાખ્યા કરવી સહેલી છે. જ્યારે આપણે પોતાને ‘હું આ પ્રદેશનો છું’ અથવા ‘હું તે પ્રકારના રીત રિવાજ ધરાવું છું’ આવું કહીને પોતાની જાતને મર્યાદિત કરી દઈએ છીએ ત્યારે જ્ઞાનનો અભાવ પ્રતિપાદન થાય છે. આવું બાળકો કહેતા હોય તેવું લાગે જેમ કે,’મારા પિતાજી તારા પિતાજી કરતાં વધારે સારા છે’, કે ‘મારું રમકડું તારા રમકડાં કરતાં વધારે સારું છે’. દુનિયાભરમાં ઘણા લોકો એ માનસિક અવસ્થાના સ્તરે અટકી ગયેલા છે, માત્ર રમકડાં બદલાઈ ગયા છે. પુખ્તો કહે છે,’ મારો દેશ તારા દેશ કરતાં વધારે સારો છે’.
આપણે આપણા જાતિના સમુદાય,ધર્મ કે સંસ્કૃતિને માત્ર એટલા માટે ભવ્ય ગણાવીએ છીએ કે તે આપણા છે, નહીં કે તે જે માટે છે તેના લીધે. જો કોઈ વ્યક્તિ જે બધું યુગોથી અસ્તિત્વમાં છે તે તમામ માટે ગૌરવ અનુભવે છે અને તેને લાગે છે કે ‘આ તમામ મારું છે’ તો તે પુખ્તતાનું સૂચક છે.
આપણે એમ કહી શકતા હોવા જોઈએ કે, ‘આ બધી મારી સંપત્તિ છે કારણ કે હું ઈશ્વરનો છું’. ઈશ્વરે પોતાને, સ્થળ અને સમયના સંજોગો અનુસાર વિવિધ જ્ઞાનના પ્રકારોમાં વ્યક્ત કર્યા છે. વ્યક્તિ સમસ્ત બ્રહ્માંડને પામી શકે છે અને અનુભવે છે કે ‘તમામ સુંદર પુષ્પો મારા બાગના છે’. આવી અવસ્થામાં મન સંપૂર્ણપણે વર્તમાન ક્ષણમાં હોય છે. આપણા માટે જે કંઈ આવશ્યક છે તેની આપણને કુદરતી અને સ્વયંસ્ફૂરિત રીતે સમજ આપવામાં આવે છે. આપણે તો બસ બેસવાનું હોય છે અને આપણામાંથી ગીત ગુંજે છે.
મનુષ્યની આખી ઉત્ક્રાંતિ ‘હું કંઈક છું’ થી ‘હું કોઈ નથી’ -અને ‘હું કોઈ નથી’ થી ‘હું આ દરેક છું’ ની છે. આપણે નાના બાળક હતા ત્યારે આપણને અન્યો સાથે પોતાનાપણાંની ભાવના હતી. પરંતુ જેમ જેમ મોટા થયા તેમ તેમ આપણે તે નિર્દોષપણું ગુમાવી બેઠા અને વધારે કપટી બની ગયા. એક અજ્ઞાનીના નિર્દોષપણાંની જેમ એક બુધ્ધિશાળીના કપટીપણાંની કોઈ કિંમત નથી.
જ્ઞાનોદય એ નિર્દોષપણાં અને બુદ્ધિનો એવો વિરલ સમન્વય છે,એવી અવસ્થા છે જે અજ્ઞાનતા તથા કપટીપણાંને ત્યજી દેવાથી ઉપલબ્ધ થાય છે. આપણાં અંતરના ઊંડાણની અભિવ્યક્તિ માટે આપણી પાસે શબ્દો હોવા જોઈએ અને સાથે સાથે આપણે મૌનની કિંમત સમજતા હોવા જોઈએ.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)