સમુદ્રમાં અવિરતપણે મોજા આવ્યા કરે છે, તેનાથી તેને કંટાળો નથી આવતો! પક્ષીઓ દરરોજ સવારે, તેમની આખી જિંદગી, એકનું એક ગીત ગાય છે, તેમને કંટાળો નથી આવતો! માણસો જ એવા છે જેમને કંટાળો આવે છે! ‘અરે! ફરીથી એનું એ.’ પણ તમને કંટાળો શા માટે આવે છે? તેમ થવાનું કારણ યાદ શક્તિ છે. તમે પહેલા જે કંઈ કર્યું છે તે તમને યાદ છે, આથી તમે કંટાળો છો. યાદ શક્તિ આશીર્વાદ અને શાપ બન્ને છે. તમને કંટાળો આવે છે માટે તમને કંઈક અલગ, કંઈક નવીન શોધવાની જરૂર લાગે છે અને એનાથી સર્જનાત્મકતા જન્મે છે;તમે સર્વશ્રેષ્ઠ ઈચ્છો છો. નહીંતર તમે,દરરોજ એકનું એક કરીને, એક પ્રાણી જેવા રહ્યા હોત. તમે આવું કરી શકતા નથી કારણ કે તમને તેનો કંટાળો આવે છે!
આમ, એ અર્થમાં કંટાળો એ આશીર્વાદ છે. તમને કંટાળો આવે છે એટલે તમે નવું નવું કર્યા કરો છો, તમને જિજ્ઞાસા થાય છે, તમે એક સાધક બનો છો અને ઉન્નતિ કરો છો. સાથે સાથે, કંટાળો એ શાપ પણ છે કારણ કે તે તમને કેન્દ્રિત કે એક જગ્યાએ સ્થિર નથી રહેવા દેતો.આથી તમારું મન એક જગ્યાએથી બીજીએ કોઈ ઉદ્દેશ વગર કૂદાકૂદ કરે છે. તમને દરેક બાબતનો કંટાળો આવે છે,એથી તમે કોઈ વસ્તુ માણી શકતા નથી. કંટાળો તમને બે જુદા જુદા માર્ગ પર દોરી જાય છે. જ્યારે કંટાળો તમને જ્ઞાન તરફ લઈ જાય ત્યારે તે આશીર્વાદ છે. કંટાળો જ્યારે તમને હતાશા અને નિરાશા તરફ લઈ જાય ત્યારે તે શાપ સમાન છે. કંટાળો આવવાથી તમે આનંદ માણી શકતા નથી,અને આનંદના અભાવે તમે હતાશા અને નિરાશામાં પડી જાવ છો. અથવા,તમને કંટાળો આવે છે તેથી તમે સજગ થઈ જાવ છો અને કંઈક નવું ખોળો છો.
જ્યારે જીવન નીરસ લાગે છે ત્યારે એક જાદુઈ ક્ષણ આવે છે જેમાં બધું જીવંત થઈ જાય છે. તમે એકની એક વસ્તુ અનેકવાર કરી શકો છો, છતાં તે તમને માનસિક ત્રાસ નહીં આપે. આ જીવનનું ઝરણું પ્રાપ્ત કરી લીધું હોય તેના જેવું છે. બસ,ભૂતકાળને ભૂલી જાવ,એક નચિંત બાળક જેવા બની જાવ,તો દરેક ક્ષણ કિંમતી બની જશે.
તમે માર્ગ ઉપર આગળ વધો છો અને ચેતનામાં ડોકીયું કરો છો તો હર સમયે તે તરોતાજા લાગે છે! ચેતના હંમેશા નવી હોય છે. તમે અલ્પજીવી વસ્તુઓથી, ઉપરછલ્લી બાબતોથી કંટાળી ગયા છો, માટે તમે પોતાના માંહ્યલામાં ઊંડા ઉતરો છો. માટે,કંટાળો એ આશીર્વાદ અને શાપ બન્ને છે. આશીર્વાદ,કારણ કે તે તમને રોજિંદા એકધારા જીવનથી અલગ કરે છે,તમને જાગૃત કરે છે અને તમારામાં જીવન ભરી દે છે. અને કંટાળો એ શાપ છે કારણ કે તે તમને સ્થિર રહેવા દેતો નથી. જે લોકો પ્રેમમાં પડેલા છે તે કંટાળતા નથી. હ્રદયને કંટાળો એટલે શું એની ખબર નથી. મસ્તિષ્ક કંટાળાને જાણે છે.
જીવનમાં બન્ને જરૂરી છે, હ્રદય અને મસ્તિષ્ક. તમે માત્ર હ્રદયથી જીવો છો તો તે સારું નથી. જો તમે માત્ર મસ્તિષ્કમાં અટવાયેલા છો તો તે પણ સારું નથી. એ બન્નેનું સમતોલન કરવું એ યોગ છે. આધ્યાત્મિકતા એટલે હ્રદય અને મસ્તિષ્ક બન્નેને એક સાથે સંતુલિત કરવા. કોઈને એમ લાગતું હોય કે તેઓ નિષ્ફળ છે,તો જાગૃત બનો! તેમાં શું થઈ ગયું? જીવન શાશ્વત છે.
ધ્યાન તમારા મસ્તિષ્ક અને હ્રદયને સાંકળતા એક સેતૂનું કામ કરે છે. થોડો સમય ફાળવીને બેસો,કંટાળાને આવવા દો,અને તમે પ્રયત્ન વગર ઊંડા ધ્યાનની અવસ્થામાં સરી પડશો.નહીંતર એ કંટાળો તમને ઊંઘ લાવી દેશે. તમારે પસંદગી કરવાની છે–તમે ઊંઘી જાવ અને વધારે સુસ્ત બનો અથવા કંટાળો ગહેરા ધ્યાનમાં પરિણમે એ તક ઝડપી લો.
વર્ષમાં ૩૬૫ દિવસો છે અને તમારા જીવનમાં ઘણા વર્ષો છે. જો એક-બે દિવસ તમને લાગે કે તમે નકામા થઈ ગયા છો,જીવન નિષ્ફળ છે,તો ઠીક છે,એને મનમાં ના લો!
જો પૂનમની રાતે વાદળછાયું હોય અને પૃથ્વી પર અજવાળું ના છવાય તો ચંદ્ર નાસીપાસ નથી થતો. જો કોઈ એક પૂનમની રાતે તમે ચંદ્રનો ઉદય થતો જોઈ શકતા નથી, તો શું થયું? ચંદ્ર તો ત્યાં જ છે.એ જ રીતે,તમારામાં ક્ષમતા છે, દિવ્યતા છે-જે એકદમ પૂર્ણ છે. જો એક દિવસમાં તે દ્રશ્યમાન નથી થતી તો મનમાં ના લો!તમારામાં બધા ઉત્કૃષ્ટ ગુણો છે.જો તેમાંનું કોઈ,કોઈ ચોક્કસ દિવસે વ્યક્ત નથી થતો તો મનમાં ના લો.
તમારી જાતને દોષ ના દો, તમારું પોતાનું વધારે પડતું વિશ્લેષણ ના કરો. આપણે પોતાની જાતનું ખૂબ વિશ્લેષણ કરવા માંડીએ છીએ;એટલી હદે કે આપણે વ્યાકુળ અને નિરાશ થઈ જઈએ છીએ. આપણે આપણી જાત સાથે સખત પણ થઈએ છીએ. આ હું એ લોકો માટે કહી રહ્યો છું જેઓને પોતાના વિશે સારો અભિપ્રાય નથી. મનમાં ના લો,જાગો! આટલા વર્ષો બરબાદ થયેલા લાગે છે,તો મનમાં ના લો. ભવિષ્ય ઉજ્જવળ છે અને હજી તમે ઘણું કરી શકો તેમ છો. તમે જ્યારે ભૂતકાળમાં જુઓ છો ત્યારે જ બધા રંજ થાય છે. જો તમે ચાલતી વખતે માથું પાછળની તરફ રાખો તો તેને રંજ કહેવાય. માથું ફેરવો અને આગળ તરફ જુઓ,અને તમને જણાશે કે ભવિષ્ય હંમેશા ઉજ્વળ છે.
(શ્રી શ્રી રવિશંકરજી)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)