ભારતમાં એક કહેવત છે “કામ સત્વને લીધે ફળીભૂત થાય છે નહીં કે સાધન-સામગ્રીથી”. કોઈ કામને સફળ બનાવવા માટે સત્વગુણ વધવો જોઈએ. સત્વગુણમાં વૃધ્ધિ કેવી રીતે થઈ શકે? યોગ્ય આહારથી, યોગ્ય આચરણથી તમારા મનને થોડી વાર વિશ્રાંત કરવાથી. આમ કરવા છતાં જો તમને નિષ્ફળતા મળે તો સત્વગુણ તમારા ઉત્સાહને ફીકો પડવા દેતો નથી. જ્યારે પ્રેરકબળ હોય છે ત્યારે કામ પડતું મુકવાનો તમને વિચાર જ ના આવે.
કેટલીક નિષ્ફળતાઓ વખતે પણ કંઈક સાર્થક હાંસલ થશે એ પ્રતીતિ રહે છે અને જ્યારે તમે તમારા કામ માટે સમર્પિત હોવ તો એ ખાતરી ટકી રહે છે. ઉદાહરણ તરીકે કાર્યમાં ઉત્સાહ અને હ્રદયમાં શાંતિ રાખી તો લોકો સ્વતંત્રતા માટે બે સદી સુધી ઝઝુમી શક્યા હતા. જે લોકો સ્વતંત્રતા માટે સંઘર્ષ કરતા હતા તેમને કોઈ આર્થિક વળતર નહોતુ મળતું છતાં તેમણે ચળવળ છોડી? ત્રીજું પરિબળ એ છે કે નિષ્ફળ થવાના કારણો શોધવા.
એક કારણ પોતાની કોઈ નબળાઈ અથવા પધ્ધતિ કે તૈયારીમાં કોઈ અપૂર્ણતા હોઈ શકે છે. પોતાની અપૂર્ણતા –જેમ કે કોઈ વ્યક્તિ પોતાના કાર્યની રજુઆત યોગ્ય રીતે કરી શકતા નથી. દા.ત.,જો તમે કોઈ ઈન્ટરવ્યૂ માટે ગયા હોવ અને થોડું આમતેમ બોલી કાઢો તો ઈન્ટરવ્યૂ લેનારને શંકા થાય કે તમે નોકરી કરી શકશો કે નહીં. આમ, વ્યક્તિ પોતાની અપૂર્ણતાને લીધે પસંદગી પામતા નથી. પોતાની અપૂર્ણાતામાંથી બહાર આવવા માટે પોતાની ક્ષમતામાં વધારો કરો. દરેક નિષ્ફળતા સફળતા તરફનું એક સોપાન છે.
વિશ્લેષણ કરો કે તમે નિષ્ફળતામાંથી શું શીખ્યા. તમે લાગણીઓમાં તણાઈ ગયા? જે લોકો એ વ્યવસાયમાં પહેલેથી છે તેમની તમે સલાહ નહોતી લીધી? તમને તેમની પર વિશ્વાસ નહોતો કે તમે ભરોસાપાત્ર લોકોને તમારી સાથે નહોતા રાખ્યા. આ બધા કારણો હોઈ શકે છે. કોઈ પણ અપૂર્ણતામાંથી મુક્ત થવા માટે તમારી ક્ષમતા વધારો તથા તમે જે ક્ષેત્રમાં આગળ વધવા માંગો છો તે વિષયક જ્ઞાનમાં ઊંડા ઉતરો.
આ ઉપરાંત જે પગલું ભરવું જોઈએ તે છે પધ્ધતિ કે વ્યવસ્થામાં સુધારા કરવા. આ બાબત કોઈ એક વ્યક્તિના હાથની વાત નથી. દા.ત.,જો ભ્રષ્ટાચાર નિયંત્રિત કરવો હોય તો શું તમે એકલા સંઘર્ષ કરી શકો? તે માટે તમારે તમારા જૂથની સાથે રહેવું પડે. લોકોમાં જરુરી જાગૃતિ જગાવી પડે. તમારી સાથે લોકો આગળ વધે તેમ કરવું પડે. “સંઘે શક્તિ કલિયુગે” એટલે કે કળિયુગમાં સમુદાયમાં તાકાત જોવા મળે છે. લોકો કહે છે કે આ કળીયુગની પરાકાષ્ઠા છે અને એવું લાગે છે કે જાણે સત્ય કોરે મુકાઈ ગયું છે. જો તમને આવું લાગતું હોય તો જૂથમાં કાર્ય કરો. કેટલાક લોકોને સાથે રાખીને આગળ વધો અને જુઓ કે કામ પાર પડે છે કે નહીં.
ક્ષમતા વધારવા તમારે પોતે કંઈક કરવું પડે, પોતાની અંદર ઉતરવું પડે. વધારે લોકોને પોતાની સાથે કરી શકો તે માટે દુનિયામાં હળો મળો અને ક્ષમતાઓ પ્રાપ્ત કરવા પોતાની જાત સાથે રહો.
આ બન્ને બાબતોનું ધ્યાન રાખવાથી તમને ચોક્કસ તમારા કાર્યમાં સફળતા મળશે. જો તમે તમારા બધા વિકલ્પો અજમાવી જોયા હોય તો તમારા 100% સમર્પિત કરો અને તેમ છતાં પણ જો સફળતા ના મળે તો ઠીક છે. બીજું કોઈ કાર્ય તમારા હાથમાં લો. પરંતુ એક કે બે વાર નિષ્ફળતા મળે તો પલાયન ના થશો. દરેક વિમાસણ વિકાસની નિશાની છે. વિમાસણ થાય ત્યારે માત્ર વિશ્રામ કરો. વિશ્રામ દરમ્યાન તમારું અંતર્જ્ઞાન કાર્યરત થાય છે. તેના પર ભરોસો રાખો.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)