નદીને વહેવા માટે બે કાંઠાની જરૂર હોય છે. પૂર અને નદીના વહેણ વચ્ચે એ તફાવત છે કે વહેણ એક ચોક્કસ દિશામાં વહે છે, જ્યારે પૂરમાં પાણી ડહોળું અને દિશાવિહીન હોય છે. એ જ રીતે આપણા જીવનમાં જો ઊર્જાને યોગ્ય દિશામાં વાળવામાં ના આવે તો અસ્વસ્થ સ્થિતિનું નિર્માણ થાય છે. જીવન ઊર્જાને વહેવા માટે કોઈ દિશા જોઈતી હોય છે. જ્યારે તમે ખુશ હોવ છો ત્યારે તમારામાં પુષ્કળ જીવન ઊર્જા હોય છે. પરંતુ જ્યારે આ જીવન ઊર્જાને ક્યાં જવું, કેવી રીતે જવું એની ખબર નથી હોતી ત્યારે તે કુંઠિત થઈ જાય છે અને સડવા માંડે છે! જેવી રીતે પાણીએ વહેતા રહેવું જોઈએ તેવી રીતે જીવન આગળ ધપતું રહેવું જોઈએ.
જીવન ઊર્જા યોગ્ય દિશામાં વળે તે માટે પ્રતિબધ્ધતા જરૂરી છે. જીવન પ્રતિબધ્ધતા પર ચાલે છે. વિદ્યાર્થી શાળા કે કોલેજમાં એક પ્રતિબધ્ધતા સાથે પ્રવેશ લે છે. તમે કોઈ ડોક્ટર પાસે એક પ્રતિબધ્ધતાથી જાવ છો કે તમે દવા લેવાના છો અને ડોક્ટર જે કાંઈ કહે તેને અનુસરવાના છો. બેંકો પ્રતિબધ્ધતાથી કામ કરે છે. સરકાર પ્રતિબધ્ધતાથી કામ કરે છે. કહેવાની જરૂર નથી કે પરિવાર પ્રતિબધ્ધતાથી ચાલે છે: મા બાળક પ્રત્યે પ્રતિબધ્ધ હોય છે, બાળક માતા-પિતા પ્રત્યે પ્રતિબધ્ધ હોય છે,પતિ પત્ની પ્રત્યે પ્રતિબધ્ધ હોય છે અને પત્ની પતિ પ્રત્યે. પ્રેમ હોય કે વેપાર કે મિત્રતા કે જીવનનું કોઈ પણ પાસું હોય દરેકમાં પ્રતિબધ્ધતા હોય છે.
તમને ખરેખર જો કંઈ સંતાપ કરતું હોય તો તે છે પ્રતિબધ્ધતાનો અભાવ. તમે જ્યારે કોઈની પાસેથી કંઈક પ્રતિબધ્ધતાની અપેક્ષા રાખો છો ત્યારે જો તેઓ તે પ્રમાણે કરતા નથી તો તમે દુખી થાવ છો. અથવા જ્યારે કોઈ વ્યક્તિ પ્રતિબધ્ધ રહી શકતી નથી ત્યારે તમે દુખી થાવ છો. પરંતુ તમે જુઓ કે તમારા જીવનમાં તમે કેટલા પ્રતિબધ્ધ રહ્યા છો?
આપણી ક્ષમતા કે સામર્થ્ય આપણી પ્રતિબધ્ધતાને અનુરૂપ હોય છે. જો તમે તમારા પરિવારની કાળજી લેવાની પ્રતિબધ્ધતા રાખો છો તો તમને તેટલા પ્રમાણમાં ક્ષમતા કે શક્તિ ઉપલબ્ધ થાય છે. જો તમારી પ્રતિબધ્ધતા સમાજ પ્રત્યે છે તો તમને તેટલા પ્રમાણમાં ઊર્જા, આનંદ અને શક્તિ ઉપલબ્ધ થશે.
તમે જેટલો મોટો સંકલ્પ લેશો તો તેને સાકાર કરવા માટે તેને અનુરૂપ શક્તિ ઉપલબ્ધ કરશો. નાના સંકલ્પોથી તમને ગુંગળામણ થશે કારણ કે તમારામાં ઘણી ક્ષમતા હોય છે પણ તમે નાના છીદ્રમાં અટવાઈ ગયેલા છો! જ્યારે તમારે દસ કામ કરવાના હોય અને જો એક પણ કામ બગડે તો તમે બાકીના કામ કરવાના ચાલુ રાખી શકો છો. પરંતુ જો તમારે એક જ કામ કરવાનું હોય અને તે જો બગડે તો તમે તેનામાં અટવાઈ જાવ છો.
સામાન્ય રીતે આપણે એવું વિચારીએ છીએ કે આપણી પાસે સંસાધનો આવશે પછી આપણે સંકલ્પબદ્ધ થઈશું. ખરેખર તો એનાથી વિપરીત હોવું જોઈએ. તમે જેટલો મોટો સંકલ્પ લેશો તો તેને અનુરૂપ વધુ સંસાધનો આપોઆપ તમને ઉપલબ્ધ થશે. જ્યારે તમે કંઈક કરવાનો ઈરાદો રાખો છો ત્યારે જરૂર પડે તેમ સંસાધનો આવ્યા જ કરે છે.
તમે જે કરી શકો છો તે કર્યા કરવામાં કોઈ વિકાસ થતો નથી. તમારી ક્ષમતાથી થોડું અધિક કરવાથી તમારો વિકાસ થાય છે. જો તમે તમારી કંપનીની એટલા માટે સંભાળ રાખી શકો છો કે તે તમારી ક્ષમતાના પ્રમાણમાં છે તો તેમાં કોઈ નવાઈ નથી. જો તમે તમારી ક્ષમતાને થોડી વિસ્તૃત કરો છો અને આખા નગરની સંભાળ લેવાનો સંકલ્પ કરો છો તો તમને તેટલી વધારે શક્તિ પ્રાપ્ત થાય છે. જો તમે મોટી જવાબદારી લો છો તો તમારા સામર્થ્યમાં વૃધ્ધિ થાય છે,તમારી કુશળતાઓ વિકસે છે, તમને વધારે આનંદ મળે છે અને તમે દિવ્ય શક્તિ સાથે એકરૂપ થાવ છો. તમે સમાજ માટે, પર્યાવરણ માટે, સર્જન માટે કોઈ પણ રીતે કંઈક કરો છો તેટલો તમારો ભૌતિક અને આધ્યાત્મિક વિકાસ (મુલ્યોની દ્રષ્ટિએ) થાય છે. તમે દરેક વ્યક્તિના એક હિસ્સા છો તેવી ભાવના સાથે હ્રદય ખીલે છે.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)