દર્દના મૂળભૂત કારણને દૂર કરીએ

આ દુનિયામાં દરેક સ્વરૂપ ચેતનાની અભિવ્યક્તિ છે. આ દુનિયામાં બધું ગતિશીલ છે. પર્વત પણ સ્થિર નથી. દરેક અણુ સ્વભાવે ગતિશીલ છે. આ તમામ ઉત્ક્રાંતિના અમુક તબક્કામાંથી પસાર થાય છે. સમસ્ત સર્જન પંચમહાભૂત અને દસ ઈન્દ્રિયો-પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયોનું બનેલું છે. આ સમસ્ત સર્જન તમને આનંદ અને રાહત આપવા સર્જાયું છે. જે કંઈ તમને આનંદ આપે છે તે તમને રાહત પણ આપતું હોવું જોઈએ. નહીંતર એ જ આનંદ દર્દ બની જાય છે. હું તમને એક ઉદાહરણ આપું: તમને એપલ પાઈ ભાવે છે, પરંતુ એક સાથે પાંચ ખાવી એ તમારા માટે થોડું અઘરું પડી શકે છે. જે વસ્તુ તમને આનંદ આપતી હતી તે જ હવે તમને અકળાવે છે. સમસ્ત સર્જન તમને આનંદ અને મુક્તિ આપે છે. તમારે ક્યારેક તો આ બધાથી મુક્તિ મેળવવી જોઈએ નહીંતર આનંદ દર્દ બની જાય છે.

આત્મ સાક્ષાત્કાર પામેલી વ્યકિત માટે આ દુનિયાનું એવું અસ્તિત્વ નથી હોતું જેવું સાક્ષાત્કારના પામેલી વ્યકિત માટે હોય છે, દુનિયાનું અસ્તિત્વ તેના વિરોધાભાસી સ્વરુપોમાં ચાલુ રહે છે. જે વ્યકિત જ્ઞાન થકી જીવે છે તેને હવે કશું પીડાકારક રહેતું નથી. તેને દુનિયા એકદમ અલગ જણાય છે. તેને માટે આ સર્જનનો દરેક ઈંચ પરમાનંદથી ભરેલો છે અથવા પોતાનો એક હિસ્સો લાગે છે. પરંતુ અન્યો સર્જનને જે રીતે જુએ છે તેવું તેમને જણાય છે.

તમારું શરીર ત્રણ ગુણોનું બનેલું છે-સત્વ, રજસ અને તમસ-અને તમારા વિચારો તથા વર્તણૂકની ઢબ એ પ્રમાણે બદલાય છે. તમસ મંદપણું, નિંદ્રા, સુસ્તીમાં વૃદ્ધિ કરે છે. રજસ અજંપો, ઈચ્છાઓ અને વેદના આપે છે. જ્યારે મનમાં સત્વનો પ્રભાવ હોય છે ત્યારે તે આનંદિત, ચપળ અને ઉત્સાહી હોય છે. જ્યારે આ ત્રણ ગુણો તમારા શરીરમાં તેમની પ્રકૃતિ પ્રમાણે કાર્ય કરે છે ત્યારે આ જુદા જુદા લક્ષણોનો પ્રભાવ હોય છે. તમારામાં ઉઠતી માનસિક વૃત્તિઓનું અવલોકન કરો અને એવું ના માનશો કે તમે એ વૃત્તિઓ છો.

એક વાર્તા છે. એક મહાન સાધુ હતા,જે હિમાલયમાં રહેતા હતા. તેઓ કોઈ પ્રતિબંધ વગર ક્યાંય પણ જઈ શકતા. લોકો તેમને પ્રેમ કરતા અને આવકારતા. દરરોજ આ સાધુ રાજાના મહેલમાં સવારના ભોજન માટે જતા. રાણી તેમને સોનાના થાળી વાટકીમાં ભોજન પીરસતી. તેઓ જમીને નીકળી જતા. એક દિવસ જમ્યા પછી તેઓએ ચાંદીના પ્યાલા અને સોનાની ચમચીની ઉઠાંતરી કરી અને ચાલી નીકળ્યા. તેમણે કોઈને કહ્યું પણ નહીં કે તેમને એ જોઈતા હતા.

મહેલમાં લોકોને આશ્ચર્ય થયું. “સાધુને શું થઈ ગયું છે? તેમણે ક્યારેય આવી રીતે કોઈ વસ્તુ નથી લીધી, તો આજે શું થઈ ગયું હશે કે કોઈને કહ્યા વગર વસ્તુઓ લઈ ગયા?”તેઓને અચંબો લાગ્યો. ત્રણ દિવસ પછી સાધુ એ વસ્તુઓ પાછી લાવ્યા એનાથી લોકોને વધારે મુંઝવણ થઈ.

રાજાએ સાધુના વર્તનને સમજવા બધા જ્ઞાની લોકોને બોલાવ્યા. પંડીતો અને જ્ઞાનીઓએ તે દિવસે સાધુને શું જમાડવામાં આવ્યું હતું તેની તપાસ આદરી. તેઓએ જાણ્યું કે કોઈ લુંટારાઓ પાસેથી જપ્ત કરેલા અનાજથી રસોઈ કરવામાં આવી હતી અને સાધુને પીરસાઈ હતી તેને લીધે તેમણે ઉઠાંતરી કરી હતી!

આમ, દર્દના મૂળભૂત કારણને દૂર કરવા માટે એક ચોક્કસ સમજની જરૂર હોય છે. શરીર, મન અને સમસ્ત દુનિયા હર સમયે બદલાતા રહે છે. સમસ્ત વિશ્વ તરલ સ્વરુપમાં છે. નક્કર જ્ઞાન એ છે કે, ‘હું શરીર નથી, હું આત્મા છું, હું અવકાશ છું, હું મારી આસપાસની દુનિયાથી અવિનાશી, અલિપ્ત અને અવિચલ છું. આ શરીરનો દરેક કણ બદલાયા કરે છે અને મન પણ બદલાયા કરે છે.’દુનિયાના ચક્રમાંથી બહાર આવવા માટે આ નક્કર જ્ઞાન એક માત્ર માર્ગ છે.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)