દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે; એક પ્રકારના ભાવ-પ્રધાન કહેવાય છે–આ લોકો માત્ર તેમની લાગણીઓ દ્વારા દોરવાય છે. બીજો પ્રકાર છે જ્ઞાન-પ્રધાન –આ લોકો હકીકત અને તર્ક દ્વારા દોરવાય છે, અને જ્ઞાન/માહિતી પર આધારિત રહીને નિર્ણય લે છે. તમારે મસ્તિષ્ક અને હ્રદય બન્નેની જાળવણી કરવી જોઈએ. તમારે જીવનમાં આગળ વધવા એ બન્નેનો સમન્વય સાધવો જોઈએ. એ રીતે તમે જીવનમાં પરિપૂર્ણતા લાવી શકો છો. કેટલાક લોકોની લાગણીઓ બહુ પ્રબળ હોય છે,અને તેઓ બધી બાબતોમાં બહુ લાગણીશીલ હોય છે. જ્યારે બીજી બાજુએ કેટલાક લોકો કુદરતી રીતે વિચારશીલ હોય છે.
જો તમે માત્ર તમારી લાગણીઓ પર આધાર રાખો છો,અને જ્ઞાન/માહિતી પર નહીં,તો તમે ઝડપથી ગેરમાર્ગે દોરવાઈ શકો છો અને લાગણીમાં ખેંચાઈ જઈ શકો છો. જ્યારે બીજી બાજુએ,જો તમે માત્ર વિચાર જ કરો છો અને તમારી લાગણીઓને લક્ષ્યમાં લીધા વગર નિર્ણાયક થાવ છો તો તમારા જીવનમાંથી ઉત્સાહ જ તો રહે છે અને શુષ્ક બની જાય છે. પછી તમારા જીવનમાં કોઈ રસ બચતો નથી. માટે તમારે મસ્તિષ્ક (તર્ક,બુધ્ધિ અને જ્ઞાન/માહિતીનું સ્થાન) અને હ્રદય(લાગણીઓનું કેન્દ્ર) બન્નેની જાળવણી કરવી પડે.
જીવનમાં આગળ વધવા માટે તમારે એ બેયનું સંયોજન કરવું પડે. આ રીતે તમે તમારા જીવનમાં પરિપૂર્ણતા લાવી શકો છો. જો તમે પોતાની લાગણીઓથી દોરવાતા લોકોના સંસર્ગમાં આવો અને તેમની સાથે શરણાગતિ તથા પ્રેમની વાતો કરો તો તેની તેમના પર બહુ સરસ અસર થશે. પરંતુ જો તમે કોઈ વૈજ્ઞાનિક પાસે જઈને (એવી વ્યક્તિ કે જે બૌધિક છે,જે હકીકત તથા તર્ક દ્વારા દોરવાય છે ) પ્રેમ અને શરણાગતિની વાતો કરશો તો તે તેને નહીં સમજી શકે. તે એવું કહેશે કે તમારા મગજમાં કંઈક ભાવનાત્મક કે રાસાયણિક અસંતુલન થયું લાગે છે! આમ આ પ્રકારના લોકો દરેક બાબતને જ્ઞાનના કાચ થકી જોતા હોય છે છતાં, એ લોકો પણ એ જ તત્વ (એ જ શુધ્ધ ચેતના)ને સમર્પિત હોય છે. એક વૈજ્ઞાનિક તમને કહેશે કે આ દુનિયાની તમામ વસ્તુઓ એક જ ચીજની બનેલી છે. તે બધી માત્ર એકના એક જ તત્વ કે સિધ્ધાંતની બનેલી છે. આ એ જ સિધ્ધાંત છે જે આ સર્જનના અનેક વિવિધ સ્વરૂપોમાં વ્યાપ્ત છે.
આ સમજવા માટે આપણે કેળાનું એક સાદું ઉદાહરણ જોઈ શકીએ. તમને ખબર છે દુનિયામાં કેટલા પ્રકારના કેળા અસ્તિત્વ ધરાવે છે? દક્ષિણ ભારતમાં લાલ રંગના પણ કેળા મળે છે. તમે ક્યારેય લાલ કેળું જોયું છે? લીલા રંગના કેળા પણ મળે છે જે નાના કદના હોય છે. તેમને ઈલાયચી કેળા કહેવાય છે. આ બધા કેળા જ છે. પરંતુ દરેકના કદ, રંગ અને સુગંધ અલગ અલગ હોય છે. આ જ રીતે સફરજનમાં હોય છે. સફરજનની પણ અનેકવિધ જાત જોવા મળે છે. પીળા, લીલા, લાલ, વિગેરે. સિમલામાં જોવા મળતા સફરજન કાશ્મીરના સફરજન કરતાં અલગ હોય છે. આ રીતે તમને તમારી આસપાસના પુષ્પો, ફળો અને શાકભાજીઓમાં ઘણું વૈવિધ્ય જોવા મળશે. માણસોની બાબતમાં પણ આ જ પ્રમાણે હોય છે.
માણસોના અનેક પ્રકાર છે. કોઈ બે વ્યક્તિ સરખી નથી હોતી. દરેક વ્યક્તિ વિશિષ્ટ અને અન્યોથી અલગ હોય છે. અને તેમના રીતભાત તથા લાગણીઓ પણ અલગ અલગ હોય છે. એ જ રીતે તે સૌ અલગ પ્રકારનું જ્ઞાન અને વિચારો ધરાવે છે. કેટલાક લોકોની લાગણીઓ પ્રબળ હોય છે અને તેઓ તેમની આસપાસની બધી બાબતો માટે એકદમ લાગણીશીલ હોય છે. બીજી તરફ, કેટલાક લોકો કુદરતી રીતે વિચારશીલ હોય છે. તેઓ વિચારે છે, દરેક બાબતના સારા-નરસા પાસા જુએ છે અને પછી સંજોગો પ્રમાણે નિર્ણાયક બને છે. આ બન્ને(લાગણીઓ અને જ્ઞાન/માહિતી) કોઈ પણ વ્યક્તિના જીવનના ખૂબ અગત્યના પાસા છે, અને બન્ને જરૂરી છે.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)