રિલાયન્સની AGM: અરામકો ડીલ સહિત અનેક મહત્ત્વની જાહેરાતો
મુંબઈઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આજે 44મી વાર્ષિક સામાન્ય બેઠક છે. આ બેઠક વર્ચ્યુઅલ થઈ હતી. કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ આ મીટિંગમાં અનેક મહત્વની જાહેરાતો કરી હતી. તેમણે એલાન કર્યું હતું કે તેમણે કંપનીના બોર્ડમાં સાઉદી અરામકોના ચેરમેન યાસિર અલ-રુમાયનને સામેલ કર્યા છે. યાસિર સ્વતંત્ર ડિરેક્ટર તરીકે બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કંપની સસ્તા સ્માર્ટફોન JioPhone Next ગણેશ ચતુર્થી 10 સપ્ટેમ્બરે લોન્ચ કરશે. કંપનીએ ગૂગલ ક્લાઉડ અને જિયો 5G માટે હાથ મિલાવ્યા છે. કંપનીની રિલાયન્સ રિટેલ આગામી ત્રણ વર્ષમાં 10 લાખ નોકરીઓ આપશે, એવી કંપનીએ ઘોષણા કરી હતી.
કંપનીના ચેરમેને વાર્ષિક સામાન્ય સભામાં નીચે મુજબની મહત્ત્વની જાહેરાતો કરી હતી
સાઉદી અરામકોના ચેરમેન યાસિર અલ-રુમાયન અને PIFના ગવર્નર રિલાયન્સના બોર્ડમાં સ્વતંત્ર ડિરેક્ટર તરીકે જોડાશે, જ્યારે YP ત્રિવેદી બોર્ડમાંથી નિવૃત્ત થશે.
કંપની ઓઇલ-ટુ કેમિકલ (O2C) બિઝનેસમાં અરામકોને વ્યૂહાત્મક ભાગીદાર બનાવશે, એમ મુકેશ અંબાણીએ કહ્યું હતું.
રિલાયન્સનું આંતરરાષ્ટ્રીકરણની આ શરૂઆત છે, આવનારા સમયમાં કંપની આંતરરાષ્ટ્રીય યોજના સાથે આવશે.
ગૂગણ ક્લાઉડ અને જિયોએ 5G માટે ભાગીદારી કરીને ભારતના ડિજિટાઇઝેશનનો પાયો નાખશે.
કંપની નવા એનર્જી બિઝનેસમાં રૂ. 75,000 કરોડનું મૂડીરોકાણ કરશે.
કંપની એનવાયર્નમેન્ટ ફ્રેન્ડલી પહેલ હેઠળ ચાર ગિગા ફેક્ટરી લગાવશે.
રિલાયન્સ રિટેલ આગામી ત્રણ વર્ષમાં 10 લાખ લોકોને જોબ આપશે. રિલાયન્સ રિટેલે છેલ્લા એક વર્ષમાં 65000 નવી જોબ્સનું સર્જન કર્યું છે અને કંપનીના કર્મચારીઓની સંખ્યા બે લાખથી વધુ થઈ ગઈ છે.
કંપનીએ કોરોના રોગચાળો હોવા છતાં 1500 નવા સ્ટોર ખોલ્યા છે, જેથી સ્ટોરની સંખ્યા 12,711 થઈ ગઈ છે.
કંપનીના બધા ડિરેક્ટરો, CFOs, કંપની સેક્રેટરી અને પ્રતિનિધિઓ આ મીટિંગમાં હાજર રહ્યા હતા. આ ઉપરાંત લાખો શેરહોલ્ડરોએ વર્ચ્યુઅલ AGM ઘેરબેઠા નિહાળી હતી.