રાજકોટ ક્રાઈમ રિપોર્ટ: વર્ષ 2024માં આત્મહત્યા અને હત્યાના આંકડામાં ઘટાડો નોંધાયો

ગુજરાતમાં રાજકોટ સૌથી વધું સલામત શહેર માનવામાં આને છે. વર્ષ 2022 અને 2023ની સરખામણીએ વર્ષ 2024માં ક્રાઇમ રેટમાં ઘટાડો નોંધાયો છે. રાજકોટ શહેરમાં ગતવર્ષે આત્મહત્યાના 445, હત્યાના 33, દુષ્કર્મ અને પોક્સોનાં 91 તેમજ 509 ચોરીના બનાવ પોલીસ ચોંપડે નોંધાયા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં 519 લોકોએ, જ્યારે 2023માં 495 લોકોએ આપઘાત કર્યો હતો. જેની સામે 2024માં આ આંકડો 445 સુધી પહોંચ્યો છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આપઘાતના મોટાભાગના બનાવોમાં ગૃહકલેશ, ત્રાસ, આર્થિક ભીંસ, ભણતરનો ભાર, માવતર કે પતિનો ઠપકો અથવા એકલવાયા જીવનથી કંટાળી લોકો જીવાદોરી કાપી રહ્યાં હોવાનું સામે આવ્યું છે. આ સાથે રાજકોટમાં પાછલા વર્ષે નોંધાયેલ 445 આપઘાતના કિસ્સાઓમાં 12થી 15 વર્ષના 7, 11થી 20 વર્ષના 59, 21થી 30 વર્ષની યુવાવસ્થા ધરાવતા 141, જ્યારે 31થી 40 વર્ષના 101, 41થી 50 વર્ષના 62, 51થી 60 વર્ષના 34, 61થી 70 વર્ષના 22, 71થી 80 વર્ષના 9 અને 81થી 90 વર્ષના 4 વ્યક્તિનો સમાવેશ થાય છે. જેમાં 149 મહિલાઓ અને 296 પુરૂષો સમાવેશ થાય છે. રાજકોટ શહેરમાં નજીવી બાબત, કૌટુંબિક ઝઘડા, શંકા, પૈસાની લેતીદેતી મુદે વર્ષ 2024માં હત્યાના 33 બનાવોથી રાજકોટ રક્તરંજિત બન્યું હતું. આ 33 બનાવમાં 69 શખસોના હાથ લોહીથી રંગાયા હતા, જ્યારે મર્ડરના 2 બનાવો હજુ પણ અનડિટેકટ હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં 108 હત્યાના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં વર્ષ 2022માં હત્યાના 33 અને વર્ષ 2023માં 42 હત્યાના કેસ નોંધાયા હતા. રાજકોટમાં ચોરીના કુલ 96 બનાવો નોંધાયા છે. શહેરમાં ચોરાની બનાવની વાત કરીએ તો, 12 પોલીસ સ્ટેશનમાં કુલ 509 બનાવ નોંધવામાં આવ્યા છે. ચોરીના બનાવમાં સૌથી વધુ યુનિવર્સિટી પોલીસમાં જ નોંધાયા છે. જેમાં કુલ 96 બનાવો ચોરીના નોંધાયા છે. જ્યારે આજીડેમ અને તાલુકા પોલીસ સ્ટેશનમાં 88-88 બનાવ તેમજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 84 બનાવ ચોરીના પોલીસ ચોપડે નોંધાયા છે.