નવી દિલ્હીઃ સાઉથના સુપરસ્ટાર રજનીકાંત Man VS Wild ના શૂટિંગને લઈને વિવાદમાં ફસાયા છે. છેલ્લા થોડા દિવસથી અટકળો વહેતી થઈ હતી કે બેયર ગ્રિલ્સની સાથે શૂટિંગ સમયે સુપરસ્ટાર રજનીકાંત ઘાયલ થયા હતા. જો કે બાદમાં બેયર ગ્રિલ્સે આ મામલે પોતાની સ્પષ્ટતા રજૂ કરી હતી. આ સિવાય રજનીકાંત શૂટિંગના કારણે એક અન્ય સમસ્યામાં ફસાતા દેખાઈ રહ્યા છે. હકીકતમાં કેટલાક લોકોએ રજનીકાંતની ધરપકડની માંગ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રજનીકાંતે બેયર ગ્રિલ્સ સાથે શૂટિંગ બાંદીપુર ટાઈગર રિઝર્વ પાર્કમાં કર્યું. ત્યારે કેટલાક લોકોએ ત્યાં રહેતા જાનવરોની ચિંતા વ્યક્ત કરતા રજનીકાંત વિરુદ્ધ આંદોલન પણ કર્યું.
રજનીકાંત અને બેયર ગ્રિલ્સના શોના શૂટિંગ પર ચિંતા વ્યક્ત કરતા કાર્યકર્તાઓએ કહ્યું કે, શૂટિંગ માટે જે ક્રૂ ટાઈગર રિઝર્વ પાર્કમાં ઉપસ્થિત છે, તેમનાથી જાનવરોને મુશ્કેલીઓ થઈ શકે છે. આ સાથે જ જંગલમાં આગ લાગવાની શક્યતાઓ પણ તેમણે વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે ત્યાં આગ લાગે તો તેના પર કાબૂ મેળવવો મુશ્કેલ થઈ શકે છે. એક કાર્યકર્તાએ જણાવ્યું કે, મેન વર્સિસ વાઈલ્ડનું શૂટિંગ ચોમાસાના સમયગાળા દરમિયાન પણ થઈ શકતું હતું.