નવી દિલ્હીઃ પંજાબમાં ખેડૂત સંગઠનો તરફથી આજે વિવિધ માગ માટે ખેડૂતોએ પંજાબ બંધનું એલાન આપ્યું છે. ખેડૂતોનું આંદોલન હેઠળ આ બંધ સવારે સાત વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી રહેશે. બંધની અસર અમૃતસર, ભઠિંડા, લુધિયાણા અને પટિયાલા જેવાં મોટાં શહેરોમાં દેખાઈ રહી છે. 200થી વધુ ટ્રેનો પ્રભાવિત થઈ છે.
PRTC વર્કર યુનિયનના કર્મચારીઓ તેમ જ અન્ય ખેડૂત સંગઠનોએ પણ પંજાબ બંધને સમર્થન આપ્યું છે. આ ઉપરાંત પંજાબમાં આજે ખેડૂતોનું રેલ રોકો આંદોલન છે. આ વિરોધને કારણે 200 ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે જ્યારે 19 ટ્રેનોને ટૂંકાવી દેવામાં આવી છે. આ સાથે સરકારી બસો દોડશે નહીં, દૂધ-શાકભાજી પુરવઠો, તમામ બજારો, ગેસ એજન્સીઓ, પેટ્રોલ પંપ અને ખાનગી વાહનો પણ બંધ રહેશે. SGPCએ પણ બંધને સમર્થન આપ્યું છે.
STORY | Punjab bandh: Farmers block roads at many places, traffic hit
READ: https://t.co/pVCQvcB6A9
VIDEO: pic.twitter.com/Z98BTYNRpO
— Press Trust of India (@PTI_News) December 30, 2024
ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે કહ્યું કે તેમને તમામ વર્ગોનું સમર્થન છે. દુકાનો અને વેપારી સંસ્થાઓ બંધ રહેશે. ટ્રેન અને બસ સેવાને પણ અસર થશે. જોકે બંધમાં કોઈ પણ ઇમરજન્સી સેવાઓ ખોરવાશે નહીં. બંધ શાંતિપૂર્ણ રીતે પાર પાડવામાં આવશે. SGPCએ પણ ખેડૂતોની હડતાળના સમર્થનમાં તેની ઓફિસો અને સંસ્થાઓમાં રજા જાહેર કરી છે. ખેડૂત આગેવાનોએ તેમના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકોને ખન્નૌરી અને શંભુ બોર્ડર પહોંચવા હાકલ કરી હતી. ખેડૂત નેતા પંઢેરે જણાવ્યું હતું કે તેમના વતી ઉપ રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને સુપ્રીમ કોર્ટના જજને છેલ્લા 34 દિવસમાં પત્રો લખવામાં આવ્યા છે, પરંતુ કોઈએ તેમની માગ પર ધ્યાન આપ્યું નથી અને વાટાઘાટો કરવાનો કોઈ પ્રયાસ કર્યો નથી.