વિશ્વના સૌથી ઝડપી પક્ષીને જોવા કચ્છના નાના રણની મુલાકાત લેવી જ રહી

શિયાળાની સવારે જ્યારે તમે કચ્છના નાના રણની મુલાકાતે જાવ ત્યારે સફારીમાં ઘુડખર અને અન્યપ્રાણીઓ સામે દેખાતા હોય. એક તરફ મોટા લેન્સ વાળા ફોટોગ્રાફરની ગાડીઓ આમ તેમ આકાશમાં નજર રાખી દોડયા જ કરે. ક્યાંક રણમાં મોટા પત્થર પડયો હોય ત્યાં જઈએ અટકે.

આ નજારો નજીક જઈને જોઈએ તો ખબર પડે કે આ તો “પેરેગ્રિન ફાલ્કન” (શાહીન / કાળો શાહીન) ને જોવા માટેની દોડાદોડી છે. ધીરે ધીરે ફોટોગ્રાફર “પેરેગ્રિન ફાલ્કન”ની નજીક આવી જાય. ફાલ્કન એના શિકાર પર નજર રાખવામાં એટલુ મશગુલ હોય કે ફોટોગ્રાફરની દરકાર પણ ન કરે અને ઉડે નહીં.

પેરેગ્રિન ફાલ્કનને આકાશમાં ઉડતુ જોવું અને અત્યંત ઝડપ થી શીકાર કરતું જોવું તે એક અદભુત અનુભવ છે. કચ્છના નાના રણમાં સારી એવી સંખ્યામાં “પેરેગ્રિન ફાલ્કન” દર શિયાળામાં આવે અને ઉનાળો આવે તે પહેલા પરત ફરે.  શિયાળામાં પેરેગ્રિન ફાલ્કનના એક ફોટો માટે મોટા-મોટા લેન્સ સાથે વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર ધાડા પાડી પ્રવાસી તરીકે કચ્છના નાના રણના મહેમાન બને છે.