અમરેલીના લેટરકાંડ કેસમાં ધરપકડ કરાયેલી પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય આપાવવા માટે રાજકિય અને સામાજિક આગેવાનો હવે મેદાને ઉતર્યા છે. 24 કલાકના અલ્ટિમેટમ બાદ આજથી અમરેલીના રાજકમલ ચોક ખાતે પરેશ ધાનાણી 24 કલાક માટે ‘નારી સ્વાભિમાન આંદોલન’ પર બેઠા છે. પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. તેમની સાથે આ આંદોલનમાં પૂર્વ ધારાસભ્ય લલીત વસોયા, પૂર્વ ધારાસભ્યો સહિતના કોંગ્રેસ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા છે. આ દરમિયાન કોઇ અઇચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
લેટરકાંડ કેસમાં પોલીસ દ્વારા ભાજપના પૂર્વ હોદ્દેદાર અને પાટીદાર દીકરી સહિત 4ની ધરપકડ કરવામાં આવી હતી. પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદ યોજી પાટીદાર યુવતીને ન્યાય આપવા માંગ કરી છે. તેમણે બનાવટી લેટર કાંડમાં ફસાયેલી યુવતી પાયલ ગોટી નિર્દોષ હોવાની પણ વાત કરી હતી. પરેશ ધાનાણીએ કહ્યું હતું કે પાયલ ગોટીને પોલીસે 16 કલાક સુધી ગેરકાયદેસર રીતે ગોંધી રાખી ઢોર માર માર્યો હતો. પાટીદાર યુવતી પાયલ ગોટીનો જાહેર વરઘોડો કાઢનાર લોકોને જો આજે છોડી મૂકવામાં આવશે તો આવતીકાલે મારી કે તમારી દીકરી સલામત નહીં રહે. આગામી 24 કલાકમાં જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓની હકાલપટ્ટી કરવામાં આવે. દીકરીને પટ્ટા મારનારના પટ્ટા ઉતારી દીકરીને ન્યાય આપો. જો 24 કલાકમાં પગલાં નહી લેવાય તો ગુરૂવારે સવારે 10:00 વાગ્યાથી અમરેલી પોલીસ જિલ્લા પોલીસ વડા સામે 24 કલાકના ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી.
શું છે લેટરકાંડ મામલો?
અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો જેને લઈ પોલીસ ફરિયાદ નોંધાય હતી. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપવામાં આવી હતી. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા પર ગંભીર આરોપો મૂકાયા હોવાથી વેકરિયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. લેટરકાંડ મામલે લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ સહિતની પોલીસની ટીમે દ્વારા તપાસના ધમધમાટ શરૂ થયા હતા. જેમાં પોલીસે ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારાના કેસમાં ભાજપના પૂર્વ હોદ્દેદાર અને પાટીદાર દીકરી સહિત 4ની ધરપકડ કરી હતી.