લેટરકાંડ મુદ્દે પાયલને ન્યાય અપાવવા પરેશ ધાનાણીનું આંદોલન રહેશે યથાવત્

અમરેલીના લેટરકાંડ કેસમાં ધરપકડ કરાયેલી પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય આપવામાં રાજકીય ધમાસાણ ઉભો થયો છે. ગુરૂવાર સવારથી અમરેલીના રાજકમલ ચોક ખાતે પરેશ ધાનાણી ‘નારી સ્વાભિમાન આંદોલન’ અંતગર્ત 24 કલાક માટે બેઠા હતા, જેને વધુ 24 કલાક માટે લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત 11મી જાન્યુઆરી શનિવારે વેપારીઓને અમરેલી બંધ રાખવાની અપીલ સાથે કૌશિક વેકરીયા અને હર્ષ સંઘવીનો નાર્કો ટેસ્ટ કરાવવાની માંગણી કરી છે.

પરેશ ધાનીએ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે “ગુજરાતનું નાક વાઢ્યું છે ત્યારે નિર્દોષ દીકરીના ન્યાય માટે ગઇકાલે સવારે શરૂ થયેલું ‘નારી સ્વાભિમાન આંદોલન’ને આજે સળંગ 24 કલાક પુરા થયા છે. તેમછતાં રાજ્ય સરકાર દ્વારા જે કોઇ કાયદાનો ભંગ કરનારા છે તે લોકોને હજુ સુધી સજા આપવામાં આવી નથી. ત્યારે આ આંદોલનને પરિણામ સુધી આગળ ધપાવવા માટે પરેશ ધાનાણી વધુ 24 કલાક અન્નના દાણા વગર આ ધરણાને આગળ ધપાવવાની જાહેરાત કરે છે.” વધુમાં, તેમણે જણાવ્યું હતું કે આ બનાવ જેના કારણે બન્યો છે, જે રાજકીય સાઠમારીનો નિર્દોષ દીકરી ભોગ બની છે, તે સત્યને ઉજાગર કરવા માટે સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિ અને રાજ્યના નાયબ દંડક કૌશિકભાઇ વેકરીયાનો નાર્કો ટેસ્ટ કરવાની મુખ્યમંત્રીને વિનંતી કરું છું. આ શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી અને રાજ્યના ગૃહમંત્રી તાત્કાલિક ઉડીને ચાર્ટર્ડ પ્લેન દ્વારા અમરેલી આવવા રવાના થાય. શું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની આ પ્રકરણમાં સંડોવણી છે? તે ગુજરાત જાણવા માંગે છે. કૌશિકભાઇ, હર્ષભાઇ અને અમરેલી એસ.પી. વચ્ચે આ સમયગાળા વચ્ચે કેટલી વખત વાતચીત થઇ, શું વાતચીત થઇ એ જાણવાનો ગુજરાતને અધિકાર છે. એટલે હર્ષભાઇ સંઘવીનો પણ નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે તેવી આ મંચ પરથી સમિતિ માંગણી કરવામાં આવે છે.