અમદાવાદઃ હમણાં અમદાવાદમાં જાણીતા મહિલા ઉદ્યોગ સાહસિક રુઝાન ખંભાતાની આગેવાની હેઠળ જોધપુર આર્ટ ગેલરી રામદેવનગર ખાતે વજ્ર ઓ ફોર્સ એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન દ્વારા આયોજિત જીવન કૌશલ્ય તાલીમ કાર્યક્રમના ભાગરુપે અમદાવાદની વિવિધ શાળાઓમાંથી 9 વર્ષથી 12 વર્ષ સુધીના બાળ કલાકારો દ્વારા રચિત કલાત્મક ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
અમદાવાદના મેયર બિજલ પટેલ, ડીડીઓ અરુણ મહેશ બાબુ, મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ચેરમેન ધીરેન્દ્રસિંહ તોમર, સહિતના લોકો હાજર આ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. મેયરે કહ્યું કે, આ પ્રસંગનો ભાગ બનવો તે ખૂબ સન્માનની વાત છે. મને ખુશી છે કે હું આ વિદ્યાર્થીઓના સપના પેઈન્ટિંગ રુપે જોવામાં સમર્થ બની કારણ કે તેઓએ તેમના સપના, વિચારો અને આકાંક્ષાઓ પણ આ અદભૂત પેઈન્ટિંગમાં દર્શાવી હતી.
આ શોમાં વજ્ર ઓ ફોર્સ એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયેલા જીવન કૌશલ્ય તાલીમના ભાગરુપે 1500 થી વધારે બાળકો દ્વારા બનાવવામાં આવેલા આર્ટવર્ક દર્શાવવામાં આવ્યા હતા. ગેલરી ડિસ્પ્લે પર 300 થી વધારે આર્ટવર્કનો સમાવેશ કરતી એક જૂથ પ્રવૃત્તિ તરીકે આર્ટ વર્ક્સ બનાવવામાં આવ્યા હતા. આ કાર્યો વિશેની સૌથી વિશેષ બાબત એ હતી કે તેઓ તેમના સપનાને પ્રતિબિંબિત કરવા માટે હતા.