ગુજરાતમાં નવરાત્રિ દરમ્યાન શક્તિ સ્વરૂપા દીકરીઓ પર હેવાનોના વધતા કહેરના એક પછી એક સમાચાર સામે આવી રહ્યા છે. સૌથી સુરક્ષિત ગણતા ગુજરાતમાં જ લગભગ 15 દિવસમાં 10 દુષ્કર્મના કેસ નોંધાયા હોવાનું જાણવા મળે છે.
સવાલ એ છે કે, શું આપણો કાયદો અને વ્યવસ્થા એટલા નબળા પડે છે કે નરાધમોને આવા કૃત્ય કરવાની છૂટ મળે? દીકરીની સુરક્ષા શું માત્ર પોલીસના હાથમાં જ હોય? કે પછી શું દીકરાને મળેલી છૂટનો ભોગ બીજાની દીકરી બને?
આ વખતે ઓપિનિયન વિભાગમાં અમે પૂછ્યું કે દુષ્કર્મના કિસ્સામાં શું છે આપણા સમાજની જવાબદારી? આ દૂષણનું નિવારણ ફક્ત કાયદાથી જ થઇ શકે કે સમાજે પણ આ મુદ્દે વિચારવું પડશે?
અર્જુન સાંબડ, PSI, ઉમરપાડા પોલીસ સ્ટેશન
જ્યારે દીકરીઓ ગરબા રમવા જતી હોય ત્યારે સમૂહમાં જવું જોઈએ. ગરબા રમવા જતી વખતે પોતાના માતા પિતાને દીકરીના આયોજનનો ખ્યાલ હોવો જોઈએ. દીકરી હોય કે દીકરો માતા પિતાએ પોતાના સંતાનો પર સમય સીમાનો અંકુશ લગાવવો જોઈએ. પહેલાના સમયમાં જાગૃતિના અભાવને કારણે આવા કિસ્સા બનતા હતા. પરંતુ હાલના સમયમાં પોલીસ દ્વારા સુરક્ષા નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેના દ્વારા પણ દીકરી પોતાની સુરક્ષા કરી શકે છે. બીજી બાજુ આજકાલ સોશિયલ મીડિયાનો ઉપયોગ વધ્યો છે. ત્યારે દીકરા ફોનનો શું ઉપયોગ કરી રહ્યો છે તેના પર પણ માતા પિતાએ ધ્યાન રાખવું જોઈએ. આ ઉપરાંત, પોતાના દીકરા સાથે મિત્રતા ભર્યું વાતાવરણ ઊભું કરવું જોઈએ, અને તેને દીકરી સાથે કેવું વર્તન કરવું તેની સમજ આપવી જોઈએ, જેથી છોકરામાં આવતી વિકૃતતાને અટકાવી શકાય.
સોનલ સોની, યો વુમનિયા ગ્રુપ, અમદાવાદ
સરકાર રેપ કેસને લઈ પુરતા કાયદા બનાવે જ છે. આપણે આપણા બાળકો પર ધ્યાન આપવાની જરૂર છે. બાળકોમાં જાગૃતિ લાવવાની જરૂર છે. માતા પિતા પોતાના છોકરા સાથે ફ્રેન્ડલી બનીને માર્ગદર્શન પુરૂ પાડે તો આવા કિસ્સામાં ઘટાડો થઈ શકે. લેટ નાઈટ આઉટ પર પણ થોડા કાયદા આવે તો વધુ સારું. સામાન્ય રીતે દીકરીઓને આપવા આવતી સૂચનાનું પાલન થાય છે, જ્યારે બીજી બાજુ કેટલીક વખત દીકરાઓ એ સૂચનાનુ પાલન કરતા નથી. આ ઉપરાંત દીકરો કોની સાથે જાય છે. ક્યા જાય અને શું કરે છે. તેના પર પણ ધ્યાન રાખવાની માતા પિતાની ફરજ બને છે.
પ્રીતિ જોશી, વિંગ્સ વુમન ફાઉન્ડેશન, અમદાવાદ
સૌથી પહેલાં આપણે આપણી દીકરીને આવી કપરી પરિસ્થિતિમાં લડતા શીખવાડવું જોઈએ. બીજા દેશોમાં દુષ્કર્મની ઘટનાના આરોપીઓને મોતની સજા આપવામાં આવે છે, જેની સામે આપણા દેશમાં આપવામાં આવતી સજાની નકોઇ નિશ્ચિત જોગવાઇ નથી. અદાલત બધું જોઇને સજા નક્કી કરે છે. મારા મત અનુસાર આરોપીને ચાર રસ્તા પર ફાંસી લગાવી દો અથવા તો ગોલી મારી દો. એક કેસમાં જ્યારે આરોપીની ઓળખ થઈ ચૂકી હોય, તે મુદ્દે પછી કેસ ચાલ્યા જ કરે છે. વિકૃત મગજના લોકોને જીવવાનો હક જ નથી. આપણે દીકરાને ખોટા સાચાની સમજ આપવાની જરૂર છે.
દિપ્તી જોશી, દીકરીની માતા, અંકલેશ્વર
મારા મત પ્રમાણે આપણા કાયદા એટલા કડક હોવા જોઈએ કે કોઈ આવું કૃત્ય કરી જ ન શકે. દીકરાને નાનપણથી જ માણસ તરીકે કોને કઈ નજરથી જોવાનું એ સમજ આપવી જોઈએ. દીકરો અને દીકરી બંનેની આજુબાજુ એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ, જેથી છોકરાઓનો છોકરીઓ તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલે. માતાપિતાએ દિવસમાં એક એવો સમય જરૂર રાખવો જોઈએ કે, જ્યારે તેઓ બાળક સાથે ચર્ચા કરી શકે. જ્યારે દીકરાને ઘરની સ્ત્રીનું મૂલ્ય સમજાવવું જોઈએ. કોલકતા કેસ બાદ હું મારી દીકરીને જલ્દી કોઈની ઉપર ભરોસો ન કરવાની સલાહ આપીશ. ફોન પર સોશિયલ મીડિયા કે ફોન પરથી કોઈ એપ્લીકેશનથી સાવધાન રહેવાની સલાહ આપીશ. આ ઉપરાંત, કોઈપણ ખોટી વાત પર અવાજ ઉઠાવતા હું મારી દીકરીનો જરૂરથી શીખવાડીશ.