તહેવારોની સિઝન શરૂ થઈ ચૂકી છે. દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે. આનંદનો ઉત્સવ હોય અને મોઢું મીઠુ તો પહેલા કરાવવું જોઈએ. પણ શું આજના સમયમાં મોઢું કરવું વ્યક્તિના સ્વાસ્થ્ય માટે યોગ્ય છે. કેમ કે, તહેવાર ટાણે રાજ્યના ખૂણે ખૂણામાં અખાદ્ય સમાગ્રી વેચવાનો ગોરખધંધો શરૂ થઈ જતો હોય છે. ભેળસેળ જેવી ઘટના તો જાણે સામાન્ય બની ગઈ હોય, સામે પક્ષે તંત્ર તરફથી પણ એક્શન લેવાના ઢોંગ ધતિંગ થતા હોય એવું લાગી રહ્યું છે. ઘણી વખત એવું નજરે પડતું હોય કે, ખાદ્ય સામગ્રીના સેમ્પલ લઈ જવાતા હોય પણ તેના પરિણામ તો તહેવાર પછી આવે છે.
તો અખાદ્ય સામગ્રીના વેચાણ પર રોક ક્યારે લાગશે? આ ભેડસેડના ગોરખધંધા પર શું નક્કર પગલાં લેવા જોઈએ? જાણો અલગ અલગ વર્ગના લોકો શું કહે છે..
ડૉ.અનિંદિતા મહેતા, COO, CERC, અમદાવાદ
એવા કેટલાક વેપારીઓ જે ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરી ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે, તેની સાથે તંત્ર એક્શન તો લે છે, આવા લોકો પાસેથી FSSAI કાર્યવાહી પણ કરે છે, અને દંડ પણ વસૂલે છે. કોઈપણ સામગ્રીનો પહેલા સામાન્ય ટેસ્ટ થાય, જો તેમાં કમી વર્તાય તો તેને FSL માં મોકલવામાં આવે છે. આ રિપોર્ટ આવતા લાંબો સમય લાગે છે. જ્યાં સુધી આ રીપોર્ટ નથી આવતા ત્યાં સુધી વેપારી ખાદ્ય સામગ્રી વેચી શકતો નથી. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે વેપારી દંડ ભરી છૂટી જતા હોય છે. જ્યારે ઘણી વખત એવુ પણ બનતું હોય છે કે રાજ્ય સ્તરે વેપારીનું લાયસન્સ રદ કરવામાં આવ્યું હોય, પછી તે વેપારી કેન્દ્રીય સ્તરેથી લાયસન્સ મેળવી લેતો હોય છે. આ સ્ટેટ અને સેન્ટ્રલ વચ્ચે જે લાયસન્સનું તાલમેલ વેપારી બનાવે છે તેના માટે FSSAIએ કડક કાયદા લાવવા જોઈએ. કાયદા તો છે, પરંતુ ક્યાંકને ક્યાંક લોકો તેમાંથી છટકબારી શોધી નીકળી જતા હોય છે. એવા કડક કાયદા લાવવા જોઈએ જેથી લોકોને આવું કામ કરતા ડર લાગે.
સિમ્મી ખન્ના, ક્લિનિકલ ડાયેટિશિયન અને ડાયાબિટીસ એજ્યુકેટર, જામનગર
પહેલા તો આવી સમસ્યા પ્રોડક્ટ પર નિર્ભર કરતી હોય છે, કે તે પ્રોડક્ટમાં શું સામગ્રીનો વપરાશ થયો છે. ખાદ્ય સામગ્રીમાં વપરાતા મસાલામાં જે કલરનું મિશ્રણ થાય છે, તે આપણા શરીર માટે હાનીકારક હોય છે. કેટલીક એવી વસ્તુ જેના સામાન્ય ઘરે પણ ટેસ્ટ કરી શકાય છે, એ આપણે કરવા જોઈએ પછી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. બજારમાં મળતી મીઠાઇમાં કંદોઈ હંમેશા પામ ઓઈલ અને વનસ્પતિ ઘીનો ઉપયોગ કરે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનીકારક હોય છે. આ ઉપરાંત આપણે બહારનું ખાવાનું એક લીમીટમાં લેવું જોઈએ. ગ્રાહક જ્યારે પણ બજારની વસ્તુ ખરીદવા જાય ત્યારે પહેલા લેબલ ચેક કરવુ જોઈએ, કે પ્રોડક્ટમાં કઈ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આપણે ત્યારે ભ્રષ્ટાચારનું પ્રમાણે વધારે છે. જેથી આપણી સુરક્ષા આપણા જ હાથમાં હોય છે. કાયદાની કડક થતા પહેલા આપણે સજાગ થઈ જવું જોઈએ.
સચીન બારોટ, સામાજીક કાર્યકર કલોલ
આજના સમયમાં સારૂ ફૂડ મેળવવું થોડું મુશ્કેલ થઈ ગયું છે. કેમ કે દરેક દુકાનમાં નાની મોટી ભેળસેળ તો જોવા મળતી જ હોય છે. બજારના ખાવાની ગુણવત્તા આમ પણ ઓછી હોય છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઘણી દુકાન પર રેડ પાડવામાં આવે છે, સેમ્પલ પણ લેવાય છે પરંતુ તેના પરિણામ નથી આવતા. આપણે ત્યા કોઈ એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. જેમાં ખાદ્ય સામગ્રી સાથે તેમાં ઉપયોગ લેવાલી સામગ્રીનો પણ ઉલ્લેખ હોય. કેમ કે કેટલીક વખત લોકો તંત્રના એક્શન પહેલા દુકાન દારો સામાનની હેરફેર કરી દેતા હોય છે. આમ તો આપણે ત્યાં કડક કાયદા છે. પણ ભેળસેળ કરનારા તેમાંથી નીકળવાના રસ્તા શોધી લેતા હોય છે. આપણે એવા કાયદા બનાવવા જોઈએ, જેથી આવું કામ કરના હાથમાંથી નીકળી ના શકે.
મિલી કૌશલ શાહ, વર્કિંગ વુમન, અમદાવાદ
મારા મત અનુસાર, જ્યારે પણ બજારમાં કોઈ પણ વસ્તુની ચકાસણી કરીને વસ્તુની ખરીદી કરીશ. હાલ તંત્ર પણ એક્શન મોડ આવી છે. અને તમામ દુકાનમાં સેમ્પલ લેવાની પ્રક્રિયા તો હાથ ધરી પણ તેના રીઝલ્ટ બે-ત્રણ મહિને આવે છે. મારું એવું માનવું છે કે કાયદા થોડા કડક કરવાની જરૂર છે. આવી ઘટના સામાન્ય દુકાન સહિત મોટી કંપનીમાં પણ બની રહી છે, કે તેની પ્રોડક્ટમાં ભેળસેળ મળી આવતી હોય. એવા કડક નિયમ હોવા જોઈએ કે, કોઈ પણ પ્રોડક્ટ બજારમાં મુકતા પહેલા તેની પુરતી ચકાસણી થવી જોઈએ. આવી નાની મોટી સમસ્યા ભારતમાં જ જોવા મળશે. ભારત બહારના કાયદા એટલા કડક છે આવી સમસ્યાનો સામનો જનતાને કરવો પડતો નથી. મારું એવું માનવું છે કે ગ્રાહક તો જાગૃત થઈ ગયા છે. પરંતુ કાયદા સાથે સરકારને જાગૃત થવાની જરૂર છે.