બાંગ્લાદેશમાં વિરોધની આગે અંતે જ્વાળામુખીનું સ્વરૂપ ધારણ કર્યું. સતત 15 વર્ષના શાસનનો અંત આવો આવશે તેવું ખુદ શેખ હસીનાએ પણ વિચાર્યું નહીં હોય. વિદ્યાર્થીઓના બળવાના કારણે હસીના સરકારને રાતોરાત પોતાની ખુરશી જ નહીં પરંતુ દેશ છોડીને ભાગવું પડ્યું. બાંગ્લાદેશના આ પૂર્વ વડાપ્રધાનની વ્હારે ભારત આવ્યું છે. બાંગ્લાદેશના વડાપ્રધાન તત્કાલ ધોરણે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિના હસ્તે સોંપી, સ્વરક્ષણ અર્થ ભારત આવ્યા છે. તો બીજી બાજુ બાંગ્લાદેશ વિવાદ ફાટી નીકળવાથી ભારત પર કેટલીક ગંભીર અસર વર્તાય રહી છે. આ તમામ વિખવાદો વચ્ચે પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે. શું ભારતે શેખ હસીનાને આપેલી શરણાગતી યોગ્ય છે કે નહીં?
ડૉ. શિરીષ કાશીકર, જાણીતા રાજકીય વિશ્લેષક
ભારતની આસપાસના દેશોમાંથી ભારતના સંબંધ પાકિસ્તાન સાથે વધુ ખરાબ રહ્યા છે. જ્યારે શ્રીલંકા, મ્યાનમાર, બાંગ્લાદેશ સાથે વધુ હુંફાળા સંબંધ કે વધુ મૈત્રીભર્યા સંબંધ નથી, પરંતુ એ દેશ સાથે સારા સંબંધ નિભાવીએ છીએ. જ્યારે હસીના સરકારની વાત થાય તો, આપણા દેશ સાથે શેખ હસીનાના સંબંધ પાછલા ઘણાં વર્ષોથી સારા છે. બાંગ્લાદેશ સરકાર અને ભારત સરકાર વચ્ચે સરહદી વિવાદ પણ હસીના સરકારે ઉકેલ્યો હતો. ભારત સરકારે કોઈ પણ પ્રકારના રાજકીય કારણોસર ભારત આવે તો, દેશ તેમને આવકારે છે. મારા મત પ્રમાણે આ રાજકીય સંબંધ પ્રમાણે શેખ હસીનાને મળેલો આશ્રય ખોટો નથી. સામાન્ય રીતે આંતરાષ્ટ્રીય રાજનીતિમાં બે દેશો વચ્ચેના સંબંધ હોય છે. જ્યારે દેશ સાથે દેશના શાસન કરતા સાથે પણ સારા સંબંધ ટકાવી રાખવા પડતા હોય છે. અને જ્યારે આ પ્રકારના રાજનૈતિક મુદ્દાની વાત આવે ત્યારે બંને દેશોએ એકબીજાને મદદરૂપ બન્યા છે કે નહીં, ઉપરાંત વ્યાપાર વાણિજ્ય પણ દેશના સંબંધોમાં મહત્વની ભૂમિકા ભજવતો હોય છે.
ગૌરાંગ જાની, જાણીતા સમાજ શાસ્ત્રી
માર મત મુજબ શેખ હસીના જ નહીં કોઈ પણ દેશના લોકો આશ્રય માગે તો, ભારતે આપવો જોઈએ. આ અગાઉ પણ કેટલાય લોકોને ભારતે આશ્રય આપ્યો છે. સાથે જ કેટલાક લોકોએ બીજા દેશોમાં આશ્રય લીધો પણ છે. આ એકવીસમી સદીમાં કોઈને પણ આશ્રય આપવો ખોટો નથી. આ નિર્ણયની અલગ-અલગ કેટલી રાજકીય અસરો પણ છે. પણ અહીં પ્રશ્ન એ છે આ નિર્ણયને બાંગ્લાદેશના લોકો કેવી રીતે જોવે છે? હાલના સમયમાં શેખ હસીના સામાન્ય નાગરિક છે. પરંતુ અગાઉ તેઓ એક દેશના પ્રધાનમંત્રી પણ હતા આપણે એ પ્રમાણે જ તેમને જોવા જોઈએ. આપણે ધર્મની દ્રષ્ટિ એ જોઈએ તો પણ આપણે કોઈ પણ લોકોને આશ્રય આપવો જોઈએ. ભારત દેશની વિદેશનીતિ જવાહરલાલ નહેરુના સમયમાં ઘડાયેલી છે. હાલના સમય સુધી આપણે એને માનીએ પણ છીએ. આપણો દેશ હાલના સમય સુધી પણ ‘અહિંસા પરમો ધર્મ’ નીતિ પર ચાલી રહ્યો છે. એ સંદર્ભે પણ આપણે તેમને આવકારવામાં વાંધો ન હોવો જોઈએ.
ડૉ. કલ્પેશ બી.રાવ, કોલેજ પ્રિન્સિપાલ
બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને ભારતમાં આશય આપવાનો યોગ્ય નિર્ણય કર્યો છે. ભારતે પાડોશી દેશો સાથે સારા સંબંધ રાખવા માટે જે વલણ અપનાવ્યું એ મારી દ્રષ્ટિએ યોગ્ય છે. કેમકે આ અગાઉ સાર્ક દેશનું પ્રતિનિત્વ પણ ભારતે કરેલું છે. શેખ હસીનાને આશય આપવો એ લોકશાહીના જતન માટે બરાબર નિર્ણય છે. ભારતની બાંગ્લાદેશને લઈ વિદેશ નીતિ છે કે ભારત પોતાના પાડોશી દેશોને સાથે લઈ ચાલવા માગે છે. આજ કારણોસર ભારત પાકિસ્તાનથી થોડું અલગ છે. કેમ કે, ભારતની વિદેશનીતિ પાકિસ્તાન સાથે સેટ થઈ રહી નથી. ભારત જે મુલ્યો અને વિદેશ નીતિથી આગળ વધી રહ્યું છે. એ જ નીતિથી આગળ વધી રહેલા દેશોના ભારત સાથે સારા સંબંધ છે. આ વિદેશ નીતિ મારા મત પ્રમાણે યોગ્ય છે.
તરુણ ગોહિલ, નિવૃત્ત આર્મી ઓફિસર
વિદેશીનીતિ સારી રાખવા માટે બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રીને ભારતે આશરો આપવો જોઈએ. જ્યારે શેખ હસીનાને આશરો આપવો એ અલગ-અલગ સરકાર પર નિર્ભર છે. હાલની NDA સરકારે આશરો આપી પાડોશી દેશ તરીકે એક સારું કાર્ય કર્યું છે. બાંગ્લાદેશ એક એવો દેશ છે જેની સાથે મિત્રતા રાખવાથી ઘણા ફાયદા થઈ શકે એમ છે. બાંગ્લાદેશમાં અમેરિકા, ભારત સહિતના દેશો મોટા પ્લાન્ટ નાખવા માગે છે. જ્યારે મારા મત પ્રમાણે બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને આશ્રય આપવોએ માનવતાની દ્રષ્ટિએ સારી વાત છે.
મેહુલ વખારિયા, વકીલ
આમ તો બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના ભારત આવતા પહેલાં પોતાના પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપી ચૂક્યા હતા. જેથી તેઓ બાંગ્લાદેશના સામાન્ય નાગરિક તરીકે આવ્યા ગણાય. સામાન્ય રીતે લગભગ ભારતમાં કોઈ પણ દેશના નાગરિકને પ્રવાસ માટે 180 દિવસના વિઝા આપવામાં આવતા હોય છે. એટલે મારું એવું માનવું છે કે, એ જ રીતે બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રીને પણ સામાન્ય વિઝા પર શરણાગતી આપવામાં આવી હશે. આમ તો તેઓ હવે પ્રધાનમંત્રી રહ્યા નથી. પરંતુ ભારત અને બાંગ્લાદેશના સંબંધ છેલ્લાં ઘણા વર્ષોથી સારા છે. આ સારા સંબંધોના કારણે તેમને ભારતમાં રક્ષણ આપવામાં આવ્યું છે, એવું મારું માનવું છે. પરંતુ શેખ હસીનાને ભારતના કાયદા પ્રમાણે રાજદ્વારી સંરક્ષણ ના મળી શકે.
(તેજસ રાજપરા – અમદાવાદ)