અમદાવાદઃ રાજ્યમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીજન્ય રોગચાળો વકર્યો છે. અમદાવાદમાં અચાનક ગરમી વધતાની સાથે જ ટાઈફોઈડના કેસોમાં વધારો થયો છે. ટાઈફોઈડના કેસોમાં એકાએક વધારો થતાં આરોગ્ય વિભાગ દોડતો થયો છે. અમદાવાદમાં નવ દિવસમાં ટાઈફોઈડ 115 કેસ નોંધાતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે.
અમદાવાદમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે અનેક શહેરોમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 11મી માર્ચ, 2025ના કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં હીટવેવની આગાહી છે. જેમાં કચ્છ, મોરબી, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને સુરત જિલ્લામાં હીટવેવની ચેતવણીને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
છેલ્લા ત્રણ મહિનામાં ટાઈફોઈડના 622 કેસ નોંધાયા છે. આ ઉપરાંત નરોડામાં કોલેરાનો પણ એક કેસ નોંધાયો છે. તો આ તરફ બહેરામપુરામાં ટાઈફોઈડના 20 કેસ તો લાંભામાં 15 કેસ નોંધાયા છે. ચાલુ માસમાં છેલ્લા નવ દિવસમાં ઝાડા- ઊલટીના 153 કેસ, કમળાના 46 કેસ જ્યારે ટાઈફોઈડના 115 કેસ નોંધાયા છે.
