નેપાળમાં 5 ગણા મોટા જળપ્રલયની આશંકા, ઈમરજન્સી એલર્ટ

નેપાળ હજુ તો તાજેતરમાં આવેલા વિનાશક પૂરના આઘાતમાંથી બહાર પણ નથી આવ્યું, ત્યાં જ નુવાકોટ જિલ્લાના ધુંડે બજાર અને આસપાસના વિસ્તારોમાં ફરી એકવાર અતિ ભયાનક પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે. ઉપરી પ્રદેશોમાં ગ્લેશિયર તૂટવા અથવા ડૅમમાંથી પાણી છોડાવાને કારણે નદીઓના જળસ્તરમાં અચાનક વિરાટ ઉછાળો આવ્યો છે, જેને પગલે સ્થાનિક તંત્ર દ્વારા ૨૦ મિનિટની અંદર વિસ્તાર ખાલી કરી સુરક્ષિત સ્થળે ખસી જવા લાઉડસ્પીકર પર કટોકટીની ચેતવણી આપવામાં આવી રહી છે.

હવામાન અને રાહત ટીમોના જણાવ્યા અનુસાર, ચીન-નેપાળ સરહદ નજીક ગ્યોરોંગ પોર્ટ પર બનેલું કૃત્રિમ તળાવ (બેરિયર લેક) હવે સંપૂર્ણપણે ઓવરફ્લો થઈને ફાટવાની આરે પહોંચી ગયું છે. તળાવમાંથી પાણીનો અતિશય ધસમસતો પ્રવાહ નીચાણવાળા વિસ્તારો તરફ વહેવા લાગ્યો છે. આ સ્થિતિને જોતાં નેપાળી સેનાએ આગામી દોઢ કલાક માટે તમામ રાહત અને બચાવ કામગીરી પણ એહતિયાતના ભાગરૂપે અટકાવી દીધી છે.

સ્થાનિક તંત્રના અધિકારીઓના મતે આ વખતે પૂરનું જોખમ અગાઉની આફત કરતાં ૫ ગણું વધુ હોઈ શકે છે. નુવાકોટના ધુંડે બજારમાં પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ ઘરે-ઘરે જઈને દુકાનો અને મકાનો ખાલી કરાવી રહ્યા છે. ભોટેકોશી અને ત્રિશૂલી નદીના કાંઠે વસતા લોકોને તાત્કાલિક ધોરણે ઊંચાઈ વાળા વિસ્તારોમાં ખસેડવામાં આવી રહ્યા છે.

અગાઉના પૂરમાં આ વિસ્તારના અનેક રસ્તાઓ અને પુલ ધોવાઈ ચૂક્યા હોવાથી વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહાર ખોરવાયેલો છે. તેવામાં ફરી એકવાર મહાકાય પૂરનો ખતરો ઊભો થતાં સ્થાનિક નાગરિકોમાં ભારે દહેશત અને અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.