મુંબઈ: ગાંધીનગરમાં યોજાનારી ૧૧મી ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭’ના પૂર્વાધરૂપે યોજાયેલા રોડ-શો દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે વન-ટુ-વન બેઠકો કરી હતી. આ બેઠકોનો મુખ્ય હેતુ રાજ્યમાં નવા મૂડીરોકાણો આકર્ષવા, હયાત પ્રોજેક્ટ્સનો વિસ્તાર કરવો અને રોજગારીની નવી તકો ઉભી કરવાનો હતો.
મુખ્યમંત્રીએ દેશના તમામ મોટા ઔદ્યોગિક ગૃહોને ગુજરાતમાં રોકાણ કરવા અને સમિટમાં ભાગીદાર બનવા નિમંત્રણ આપ્યું હતું. આ તકે દેશના દિગ્ગજ ઉદ્યોગપતિઓએ પણ ગુજરાતની ઉદ્યોગસ્નેહી નીતિઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મુક્તકંઠે વખાણ કર્યા હતા.
-
આનંદ મહિન્દ્રા (મહિન્દ્રા ગ્રુપ): તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની પોતાની પ્રથમ મુલાકાત યાદ કરી દુરંદેશીના વખાણ કર્યા હતા. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગુજરાતમાં EV (ઇલેક્ટ્રિક વાહનો) અને GIFT સિટી ક્ષેત્રે નવી તકો શોધવા માટે ફળદાયી ચર્ચા કરી હતી.

-
અમિત હરલાલકા (AM/NS): કંપની જૂન સુધીમાં રૂ. ૮૦,૦૦૦ કરોડનું રોકાણ પૂર્ણ કરવા જઈ રહી છે. આ ઉપરાંત હજીરા ખાતે રિન્યુએબલ એનર્જી અને બેટરી સ્ટોરેજ ક્ષેત્રે રૂ. ૧૦,૦૦૦ કરોડના વધારાના રોકાણ અને હજીરામાં ૨૫ મિલિયન ટનની ક્ષમતા ધરાવતો વિશ્વનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપવાના વિઝન અંગે ચર્ચા કરી હતી.

-
સતિષ પાઈ (હિન્ડાલ્કો): રાજ્યમાં કોપર રિસાયક્લિંગ, ઇ-વેસ્ટ મેનેજમેન્ટ અને સર્કુલર ઇકોનોમી ક્ષેત્રે રહેલી વિપુલ તકો અંગે ચર્ચા કરવામાં આવી હતી, તેમજ ડિસેમ્બરમાં કોપર રિસાયક્લિંગ પ્લાન્ટના ઉદ્ઘાટન અંગે પણ સંવાદ થયો હતો.
-
નિખિલ મર્ચન્ટ (સ્વાન કોર્પોરેશન): તેમણે કંપનીના વિસ્તાર અને આંતરરાષ્ટ્રીય કારોબાર માટે એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ કનેક્ટિવિટી અંગે વાત કરી હતી અને ગુજરાતની શિપિંગ પોલિસીને બિરદાવી હતી.

-
દીપાલી ગોએન્કા (વેલ્સપન ઇન્ડિયા): ગુજરાતના ટેક્સટાઇલ ઇકોસિસ્ટમનો લાભ લઈને રોકાણ, નિકાસ અને રોજગારી વધારવા માટે કંપનીના નવા રોકાણો અને વિસ્તાર અંગે ફળદાયી વિચારણા કરી હતી.

