મહાયુદ્ધના એંધાણ: અમેરિકાનો ઈરાન પર ભીષણ મિસાઈલ હુમલો

મધ્ય પૂર્વ (વેસ્ટ એશિયા) માં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલતો તણાવ હવે વધુ હિંસક અને ગંભીર બન્યો છે. બુધવારે યુએસ મિલિટરી દ્વારા ઈરાન પર મોટા પાયે મિસાઈલ અને ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. ઈરાનના સરકારી ટેલિવિઝન ચેનલે સ્વાસ્થ્ય મંત્રીના હવાલાથી આપેલી માહિતી મુજબ, આ અમેરિકી હુમલામાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા છે અને 108 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અમેરિકી સેનાએ મંગળવારે રાત્રે ઈરાનના સિરિક, ખુઝેસ્તાન, કેશ્મ દ્વીપ અને બંદર અબ્બાસ સહિતના અનેક મહત્વપૂર્ણ વિસ્તારોને લક્ષ્ય બનાવ્યા હતા.

તેલ ટેન્કરો પર હુમલો અને ‘ટેન્કર સામે ટેન્કર’ નીતિ

અમેરિકાએ ઈરાનના બે સરકારી ઓઈલ ટેન્કરોને પણ મિસાઈલ હુમલામાં નિશાન બનાવ્યા છે. અહેવાલો મુજબ, ઈરાની તટ નજીક લંગાર નાખીને ઊભેલા આ બંને ટેન્કરોના એન્જિન રૂમ પર યુએસ ડ્રોને મિસાઈલો છોડી હતી. વ્હાઈટ હાઉસના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ કાર્યવાહી ‘ટેન્કર સામે ટેન્કર’ નીતિ હેઠળ કરવામાં આવી છે. અમેરિકાનો આક્ષેપ છે કે ઈરાને હોર્મુઝની સમુદ્રધૂની (Strait of Hormuz) માં અમેરિકી કોમર્શિયલ જહાજો પર હુમલો કર્યો હતો, જેના જવાબમાં આ ઈરાની તેલ ટેન્કરો પર જવાબી હુમલો કરાયો છે.

IRGC ના 100 જેટલા લશ્કરી ઠિકાણા ધ્વસ્ત કર્યાનો દાવો

યુએસ સેનાએ ઈરાનના ‘ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ’ (IRGC) સાથે જોડાયેલા આશરે 100 સૈન્ય ઠિકાણાઓને નિશાન બનાવ્યા હોવાનો દાવો કર્યો છે. જેમાં એર ડિફેન્સ સેન્ટર્સ, રડાર સિસ્ટમ્સ, એન્ટિ-શિપ ક્રૂઝ મિસાઈલ લોન્ચર્સ અને હુમલાખોર ડ્રોન લોન્ચર્સનો સમાવેશ થાય છે. આ હુમલા બાદ ઈરાની સમાચાર એજન્સી IRNA એ જણાવ્યું છે કે ઈરાનના દક્ષિણી વિસ્તારોમાં ભારે વિસ્ફોટો સંભળાયા છે. બીજી તરફ, IRGC ના પ્રવક્તાએ આ હુમલા પર આકરો પ્રતિકાર દર્શાવતા અમેરિકાને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી છે.

ઈરાનનો પલટવાર: ૨૫ બેલિસ્ટિક મિસાઈલો અને ડ્રોન છોડ્યા

અમેરિકી હુમલાના જવાબમાં ઈરાને પણ તીવ્ર પલટવાર કર્યો હતો. યુએસ સૈન્યના જણાવ્યા અનુસાર, ઈરાને આશરે 25 બેલિસ્ટિક મિસાઈલો છોડી હતી, જેમાંથી મોટાભાગની જોર્ડનના એરસ્પેસ સુધી પહોંચી હતી. જોર્ડને 10 મિસાઈલોને હવામાં જડી પાડી હોવાનો દાવો કર્યો છે. આ ઉપરાંત, બહરીન, કુવૈત અને ઈરાકના એરબિલમાં આવેલા અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવીને ઈરાને બે ડઝનથી વધુ ડ્રોન અને મિસાઈલો છોડી હતી.

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ સ્પષ્ટતા કરી છે કે આ સૈન્ય કાર્યવાહી અમેરિકી ઠિકાણાઓ અને આંતરરાષ્ટ્રીય સમુદ્રી વેપારની સુરક્ષા માટે અત્યંત જરૂરી હતી, જેનાથી ઈરાનની લશ્કરી ક્ષમતા નબળી પડી છે.