દબાણો દૂર કરવાના બીજા તબક્કાનો પ્રારંભઃ 2.5 લાખ સ્કવેર મીટર ખુલ્લી કરાશે

અમદાવાદઃ ચંડોળા તળાવ અને આસપાસ કરવામાં આવેલા ગેરકાયદે દબાણ હટાવવાના પહેલા તબક્કામાં આશરે દોઢ લાખ ચોરસ મીટર જમીન ખાલી કરાવવામાં આવી હતી. એવામાં આજથી ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ચાર દિવસમાં ડિમોલિશન પૂર્ણ કરી બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે. 

આ ડિમોલિશનની કાર્યવાહી સવારે સાતથી બપોરના એક તથા બપોરે ત્રણથી સાંજના છ વાગ્યા સુધી ચાલશે. જેના માટે 50થી વધુ JCBનો ખડકલો કરી દેવામાં આવ્યો છે. અસરગ્રસ્તોને ખસદેવા માટે AMTSની બસો તથા મેડિકલ ટીમો પણ તહેનાત કરવામાં આવી છે.આ અંગે વધુ માહિતી આપતાં પોલીસ કમિશનર જી. એસ. મલિકે જણાવ્યું છે કે ડિમોલિશનની કાર્યવાહીમાં 3000 પોલીસ કર્મચારી, SRPની 25 કંપનીઓ બંદોબસ્ત માટે તૈનાત રહેશે. બીજા તબક્કામાં અઢી લાખ ચોરસ મીટર જમીન પરનું દબાણ દૂર કરવામાં આવશે.

આ પહેલાં ચંડોળા તળાવની આસપાસ રહેતા 200થી વધુ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાયા છે જ્યારે હજુ અન્ય બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા ચાલુ છે.

ચંડોળમાં રહેતા લોકોને મકાનો ખાલી કરી દેવા માટે જાહેરાત કરાઈ હતી.આ ઉપરાંત જે લોકો વર્ષ 2010 પહેલા રહેતા હોય તેઓને શરતોને આધીન EWS આવાસ યોજનાના મકાન મળવાપાત્ર હોવાથી દાણીલીમડા ખાતે આવેલી વોર્ડ ઓફિસથી ફોર્મ મેળવી લે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. ચંડોળામાં આજે વહેલી સવારથી છોટા તળાવ વિસ્તારમાં દબાણો તોડાયા હતાં. આ ઉપરાંત લલ્લા બિહારીના ફાર્મ હાઉસની બાજુના દબાણો પણ તોડી પડાયા હતાં. પોલીસે અહીં ફૂટ પેટ્રોલિંગ પણ શરૂ કર્યું હતું.