દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઝડપી બોલર મોર્ને મોર્કેલને ભારતીય ટીમના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મોર્કેલનો કોન્ટ્રાક્ટ 1 સપ્ટેમ્બરથી શરૂ થશે. બોર્ડે ભૂતપૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા હતા, પરંતુ સપોર્ટ સ્ટાફની જાહેરાત કરી ન હતી. રાહુલ દ્રવિડના કાર્યકાળ દરમિયાન પારસ મ્હામ્બરે ટીમના બોલિંગ કોચ હતા. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહને ટાંકીને કહ્યું કે મોર્કેલને નવો બોલિંગ કોચ બનાવવામાં આવ્યો છે.
મોર્કેલ ગંભીરની પહેલી પસંદ હતો
શાહે ન્યૂઝ એજન્સી પીટીઆઈને કહ્યું, ‘હા, મોર્ને મોર્કેલને વરિષ્ઠ ભારતીય પુરૂષ ટીમના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.’ દક્ષિણ આફ્રિકાના 39 વર્ષીય મોર્કેલ નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરની પ્રથમ પસંદગી હતા. બંનેએ આઈપીએલની ટીમ લખનૌ સુપર જાયન્ટ્સમાં સાથે કામ કર્યું છે. અગાઉ, ગંભીર અને મોર્કેલે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ટીમમાં ત્રણ સીઝન માટે એકબીજા સાથે કામ કર્યું હતું. મોર્કેલ દક્ષિણ આફ્રિકા માટે 86 ટેસ્ટ, 117 ODI અને 44 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે જેમાં તેણે કુલ 544 આંતરરાષ્ટ્રીય વિકેટો લીધી છે.
બાંગ્લાદેશ સામેની શ્રેણીથી કામ શરૂ કરશે
ભારતીય ટીમ સાથે બોલિંગ કોચ તરીકે મોર્કેલનું પ્રથમ કાર્ય બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી હશે. બંને ટીમો વચ્ચેની આ શ્રેણી 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. એક મહિનાથી મોર્કેલના નામની ચર્ચા થઈ રહી હતી, પરંતુ હવે તેણે સત્તાવાર રીતે મેમ્બ્રેનું સ્થાન લીધું છે. આ સાથે બીસીસીઆઈએ લગભગ એક દાયકા પછી વિદેશી કોચની નિમણૂક ન કરવાની તેની પ્રથા બદલી છે. ભૂતપૂર્વ મુખ્ય કોચ ડંકન ફ્લેચર પછી પ્રથમ વખત કોઈ વિદેશી ભારતીય કોચિંગ ટીમનો ભાગ બનશે.