મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોની રજૂઆતો સમસ્યાઓના સુચારૂ નિવારણ માટે ટેક્નોલોજીયુક્ત અભિગમ ‘સ્વાગત’માં જિલ્લા કક્ષાના ‘સ્વાગત’માં લોકોની રજૂઆતોની જિલ્લા કલેક્ટર કક્ષાએ નિવારણ માટેની જે સૂચનાઓ અપાઈ હોય તેનું પાલન સુનિશ્ચિત કરવા તાકિદ કરી છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, અરજદારો નાગરિકોને પોતાની આવી નાની રજૂઆતો માટે રાજ્ય ‘સ્વાગત’ સુધી આવું જ ન પડે તેવી સ્થિતીનું નિર્માણ આપણે કરવું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂન મહિનાના રાજ્ય “સ્વાગત”માં તેમની સમક્ષ રજૂ થયેલા પ્રશ્નોના ઉકેલ માટે સંબંધિત વિભાગો તથા જિલ્લા કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો અને પોલીસ અધિક્ષકો તથા અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ જૂન-2025ના આ રાજ્ય “સ્વાગત”માં રાજકોટ અને અમદાવાદ મહાનગરપાલિકા, પોલીસ તંત્ર, ગ્રામ પંચાયતના રસ્તાઓ બનાવવા, જમીન મહેસુલ, હેતુફેર સહિતની વિવિધ રજૂઆતો આવી હતી. તેમણે આ રજૂઆતકર્તાઓને શાંતિપૂર્વક સાંભળીને તથા હકારાત્મક વલણ દાખવીને મહાનગરપાલિકા તથા પોલીસ તંત્રને સ્પર્શતી રજૂઆતોમાં કડક કાર્યવાહી માટે સુચનાઓ પણ આપી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંચાઈ યોજના પડતી મુકાયા છતાં કેટલાંક ખેડૂત ખાતેદારોના 7/12માં કલમ-4ના પ્રાથમિક જાહેરનામામાં યથાવત રહેલી નોંધને કારણે ખેડૂતોને લાંબા સમયથી પડતી સમસ્યાનો અંત લાવી તે નોંધ દૂર કરવાનો સંવેદનાસ્પર્શી નિર્ણય “સ્વાગત” દરમિયાન કર્યો હતો.
