ઐતિહાસિક ગાબા સ્ટેડિયમ તોડવાની તૈયારી, 2032 ઓલિમ્પિક પછી બનશે નવું મેદાન તૈયાર

ઓસ્ટ્રેલિયાના સૌથી પ્રખ્યાત ક્રિકેટ સ્ટેડિયમોમાં ગણાતું ગાબા (બ્રિસ્બેન) હવે ઇતિહાસના પાને ખોવાવાની તૈયારીમાં છે. આ મેદાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ માટે હંમેશાંથી એક મજબૂત ગઢ રહ્યું છે, જ્યાં તેમનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. જોકે, ભારતીય ટીમે આ જ મેદાન પર ઓસ્ટ્રેલિયાને હરાવીને ઇતિહાસ રચ્યો હતો. હવે આ ઐતિહાસિક સ્ટેડિયમને તોડવાની યોજના જાહેર થઈ છે. ક્વીન્સલેન્ડ સરકારે સ્પષ્ટ કર્યું છે કે 2032માં બ્રિસ્બેનમાં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સ પછી ગાબાને ધ્વસ્ત કરવામાં આવશે, જોકે હાલ તેને તોડવાની કોઈ ઉતાવળ નથી.

બ્રિસ્બેનનું ગાબા સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયન ટીમ માટે એક અભેદ્ય કિલ્લો ગણાય છે. 1931થી અહીં 67 પુરુષ ટેસ્ટ મેચ અને 2 મહિલા ટેસ્ટ મેચ રમાઈ ચૂકી છે. આ મેદાન પર વિરોધી ટીમોને જીતવું લગભગ અશક્ય રહ્યું છે. આંકડા જણાવે છે કે 1988થી 2021 સુધી ઓસ્ટ્રેલિયાએ અહીં એક પણ ટેસ્ટ મેચ ગુમાવી નથી. ઘણીવાર સિઝનની શરૂઆતની મેચ આ સ્ટેડિયમમાં રમાતી હોય છે. આ વર્ષે ડિસેમ્બરમાં પણ એશેઝ સીરિઝની બીજી ટેસ્ટ મેચ અહીં રમાવાની છે.

ગાબાને તોડવાની યોજના પાછળનું કારણ એ છે કે બ્રિસ્બેનના વિક્ટોરિયા પાર્કમાં 63,000 દર્શકોની ક્ષમતાવાળું એક અદ્યતન સ્ટેડિયમ નિર્માણ થવાનું છે. આ નવું સ્ટેડિયમ 2032 ઓલિમ્પિકની ઉદ્ઘાટન અને સમાપન સમારોહનું આયોજન કરશે. ઓલિમ્પિક પછી ગાબાને તોડી નાખવામાં આવશે અને નવા સ્ટેડિયમમાં ક્રિકેટ મેચોનું આયોજન શરૂ થશે. જો ઓલિમ્પિક પહેલાં ગાબા તૂટ્યું નહીં તો, ક્રિકેટની ગોલ્ડ મેડલ મેચ આ મેદાન પર રમાઈ શકે છે.

ક્વીન્સલેન્ડ ક્રિકેટના સીઈઓ ટેરી સ્વેનસને જણાવ્યું, “ગાબા દાયકાઓથી ક્રિકેટ પ્રેમીઓ અને ખેલાડીઓ માટે યાદગાર સ્થળ રહ્યું છે. અહીંની યાદો અમૂલ્ય છે, પરંતુ હવે સમયની માંગ છે કે આપણે ભવિષ્ય તરફ આગળ વધીએ. નવું સ્ટેડિયમ ક્વીન્સલેન્ડને વિશ્વ સ્તરની સ્પર્ધાઓ જેમ કે એશેઝ, બોર્ડર-ગાવસ્કર ટ્રોફી, BBL અને WBBLનું આયોજન કરવાની તક આપશે.” ગાબાનું સ્થાન હવે નવું મેદાન લેશે, પરંતુ તેનો ઇતિહાસ ક્રિકેટ ચાહકોના દિલમાં હંમેશાં જીવંત રહેશે.