IPL 2025ના રોબો ડોગ ‘ચંપક’ના નામે વિવાદ, દિલ્હી પ્રેસે BCCI સામે હાઈકોર્ટમાં કરી અરજી

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં રજૂ થયેલા રોબો ડોગનું નામ ‘ચંપક’ રાખવા સામે દિલ્હી પ્રેસ પબ્લિકેશન્સે વાંધો ઉઠાવ્યો છે. 1968થી પ્રકાશિત થતી બાળકોની લોકપ્રિય કોમિક બુક ‘ચંપક’ના નામનો અનધિકૃત ઉપયોગ થયો હોવાનો આરોપ લગાવી, દિલ્હી પ્રેસે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીમાં દાવો કરાયો છે કે BCCIએ રોબો ડોગને ‘ચંપક’ નામ આપીને રજિસ્ટર્ડ ટ્રેડમાર્કનું ઉલ્લંઘન કર્યું છે.

દિલ્હી પ્રેસના એડવોકેટ અમિત ગુપ્તાએ કોર્ટમાં જણાવ્યું કે, ‘ચંપક’ કોમિક બુક બાળકોમાં અત્યંત લોકપ્રિય છે, અને BCCIના AI રોબો ડોગનું નામ તેના પરથી રાખવું એ ટ્રેડમાર્કનો સ્પષ્ટ ભંગ છે, જે વ્યાપારી શોષણ પણ છે. જોકે, BCCIના વરિષ્ઠ વકીલ જે સાઈ દીપકે આનો વિરોધ કરતાં કહ્યું કે, ‘ચંપક’ એક ફૂલનું નામ છે અને રોબો ડોગનું નામ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પાત્ર સાથે જોડાયેલું છે, નહીં કે મેગેઝિન સાથે.

ન્યાયાધીશ સૌરભ બેનર્જીએ ટિપ્પણી કરી કે, ‘ચંપક’ એક જાણીતું બ્રાન્ડ નામ છે, અને BCCIએ ચાર અઠવાડિયામાં લેખિત જવાબ રજૂ કરવો પડશે. કોર્ટે આગામી સુનાવણી 9 જુલાઈ, 2025 માટે નિયત કરી છે. આ રોબો ડોગ, જે wTVision અને Omnicamના સહયોગથી BCCIએ રજૂ કર્યો, તેનું નામ ફેન્સના મતદાન દ્વારા 23 એપ્રિલે ‘ચંપક’ રાખવામાં આવ્યું હતું.

સુનાવણી દરમિયાન, ન્યાયાધીશે મૌખિક રીતે ઉલ્લેખ કર્યો કે, ક્રિકેટર વિરાટ કોહલીનું ઉપનામ ‘ચીકુ’ પણ ‘ચંપક’ના પાત્ર પરથી છે, પરંતુ પ્રકાશકે તેની સામે કાર્યવાહી કેમ ન કરી? દિલ્હી પ્રેસનું કહેવું છે કે, IPLની વ્યાપારી પ્રવૃત્તિઓ અને માર્કેટિંગમાં ‘ચંપક’નો ઉપયોગ તેમની બ્રાન્ડને નુકસાન પહોંચાડે છે. આ કેસનો નિર્ણય રોબો ડોગના નામના ભાવિ પર અસર કરી શકે છે.