ન્યુ યોર્કમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં છ લોકોનાં મોત

ન્યુ યોર્કઃ અમેરિકાના ન્યુ યોર્કના મેનહટન વિસ્તારમાં ગઈ કાલે ગુરુવારે એક હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના  બની હતી. હેલિકોપ્ટર ક્રેશ થઇને હડસન નદીમાં ખાબક્યું હતું. આ અકસ્માતમાં ત્રણ બાળકો સહિત છ લોકોનાં મોત થયાં છે. ન્યુ યોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અકસ્માત લોઅર મેનહટન અને જર્સી સિટી વચ્ચે થયો હતો. અકસ્માત બાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ અકસ્માત અંગે માહિતી આપતાં ન્યુ યોર્કના મેયર એરિક એડમ્સે જણાવ્યું હતું કે મૃતકોમાં પાઇલટ અને સ્પેનિશ પરિવારના પાંચ સભ્યોનો સમાવેશ થાય છે. ન્યુ યોર્ક પોલીસ વિભાગે આ ઘટના અંગે માહિતી શેર કરતાં કહ્યું હતું કે વેસ્ટ સાઇડ હાઇવે અને સ્પ્રિંગ સ્ટ્રીટ નજીક હડસન નદીમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.

આ હેલિકોપ્ટર ક્રેશ થવાનો એક વિડીયો સોશિયલ મિડિયા પર શેર કરવામાં આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે હેલિકોપ્ટર આકાશમાંથી નીચે પડી રહ્યું છે ત્યારે તેનું પ્રોપેલર ફરી રહ્યું ન હતું. ત્યાર બાદ હેલિકોપ્ટર નદીમાં ખાબકે છે.આ દુર્ઘટનાના પગલે માહિતી આપતાં ન્યૂ યોર્કના મેયર એરિક એડમ્સે જણાવ્યું હતું કે તમામ છ મૃતકોને નદીમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે. આ એક હૃદયદ્રાવક અને દુ:ખદ બનાવ છે.

રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે પણ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર તેઓએ લખ્યું હતું કે હડસન નદીમાં ભયાનક હેલિકોપ્ટર દુર્ઘટના બની છે. પાઇલટ, બે પુખ્ત વયના લોકો અને ત્રણ બાળકો આપણે ગુમાવ્યા છે. ક્રેશનો જે વિડિયો આવ્યો છે તે ડરામણો છે. ભગવાન મૃતકોના પરિવાર અને મિત્રોને શક્તિ આપે એ જ પ્રાર્થના.