પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી સ્થિત યશોભૂમિ ખાતે ગ્લોબલ ટેકનોલોજી ઈવેન્ટ ‘સેમીકોન ઈન્ડિયા 2026’ નું ઉદ્ઘાટન કર્યું છે. ‘સિલિકોન થી સિસ્ટમ સુધી: ઈકોસિસ્ટમનું નિર્માણ’ થીમ પર આધારિત આ કાર્યક્રમ 17 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ કોન્ફરન્સમાં 52 દેશોની 600 થી વધુ કંપનીઓ, 400 થી વધુ એક્ઝિક્યુટિવ્સ અને 50,000 થી વધુ મુલાકાતીઓ ભાગ લઈ રહ્યા છે. ઈવેન્ટમાં જાપાન, દક્ષિણ કોરિયા, મલેશિયા, નેધરલેન્ડ, સિંગાપોર અને સ્વીડન જેવા દેશો ઉપરાંત ભારતના 12 રાજ્યોના વિશેષ પેવેલિયન, સ્ટાર્ટઅપ્સ અને સ્ટુડન્ટ હેકાથોન પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
India is taking every step needed to become a preferred destination for the semiconductor industry. pic.twitter.com/djf4r1d2zS
— PMO India (@PMOIndia) September 17, 2026
એપ્લાઇડ મટીરિયલ્સનું ‘ઈન્ડિયા વિઝન 2035’
ઈવેન્ટ દરમિયાન એપ્લાઇડ મટીરિયલ્સના સેમીકંડક્ટર પ્રોડક્ટ્સ ગ્રુપના પ્રમુખ પ્રભુ રાજાએ ‘ઈન્ડિયા વિઝન 2035’ ની જાહેરાત કરી હતી. કંપની આગામી 10 વર્ષમાં ભારતમાં 5 બિલિયન અમેરિકી ડોલરનું રોકાણ કરશે. 2024 માં ભારતની પ્રથમ 300 મિલીમીટર ટેસ્ટિંગ લેબનો ઓર્ડર આપ્યા બાદ, હવે કંપની 140 એકરમાં સેમીકંડક્ટર રિસર્ચ પાર્ક સ્થાપવાની તૈયારી કરી રહી છે. 2035 સુધીમાં ભારતીય સપ્લાય ચેઈનને 10 ગણી વધારવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
PM @narendramodi has a request for India’s young talents and industry leaders… pic.twitter.com/Y8EFX5mJ3l
— PMO India (@PMOIndia) September 17, 2026
PM મોદીના સંબોધનના મુખ્ય અંશો:
કોમર્શિયલ પ્રોડક્શનની શરૂઆત: 2022 માં જે મિશન નીતિઓ પર ચર્ચાથી શરૂ થયું હતું, તે આજે સુરત અને મોહાલીમાં સેમીકંડક્ટર ચિપ્સના કોમર્શિયલ ઉત્પાદન સુધી પહોંચી ગયું છે.
રોકાણમાં જંગી વધારો: સેમીકંડક્ટર મિશનના બીજા તબક્કામાં સરકારે રોકાણ મંજૂરી 1 બિલિયન ડોલરથી વધારીને 13.5 બિલિયન ડોલર કરી છે. અત્યાર સુધીમાં 12 મોટા સેમીકંડક્ટર પ્રોજેક્ટ્સને મંજૂરી મળી ચૂકી છે.
વૈશ્વિક ભાગીદારી અને AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર: ભારતનો ઉદ્દેશ્ય કમ્પાઉન્ડ સેમીકંડક્ટર, સિલિકોન ફોટોનિક્સ અને AI-સક્ષમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈકોસિસ્ટમને દેશમાં જ મજબૂત કરવાનો છે.
માનવસંસાધન વિકાસ: આ ક્ષેત્ર માટે 1 લાખ ઈજનેરી વિદ્યાર્થીઓને તાલીમ આપવાનું લક્ષ્ય છે. પીએમ મોદીએ દેશ-વિદેશના યુવા સંશોધકો અને ઉદ્યોગપતિઓને ભારતમાં R&D નું નેતૃત્વ કરવા આહ્વાન કર્યું હતું.
AI અને પાવર મેનેજમેન્ટ: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના કારણે ડેટા ટ્રાન્સફર, હીટ અને પાવર મેનેજમેન્ટ જેવા નવા પડકારો ઉભા થયા છે. વૈશ્વિક સપ્લાય ચેઈન માટે ભારત એક સુરક્ષિત અને ભરોસાપાત્ર વિકલ્પ બની રહ્યું છે.

