મુંબઈ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે બુધવારે મહારાષ્ટ્રના પ્રવાસે છે. તે રાજ્યના મુંબઈ શહેર પહોંચી ગયા છે. અહીં પહોંચતાં તેમનું ગાર્ડ્સ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.આ પછી, પીએમ મોદીએ મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે નૌકાદળના ત્રણ ફ્રન્ટલાઈન કોમ્બેટ જહાજો, INS સુરત, INS નીલગિરી અને INS વાગશીરને લોન્ચ કરી રાષ્ટ્રને સમર્પિત કર્યા. ત્રણ મુખ્ય નૌકાદળના લડાયક જહાજોનો સમાવેશ એ સંરક્ષણ ઉત્પાદન અને દરિયાઈ સુરક્ષામાં વૈશ્વિક નેતા બનવાના ભારતના સ્વપ્નને સાકાર કરવા તરફ એક મોટું પગલું છે.
મહારાષ્ટ્રની મુલાકાત દરમિયાન અન્ય એક કાર્યક્રમમાં પીએમ મોદી નવી મુંબઈના ખારઘરમાં ઇસ્કોન મંદિરનું ઉદ્ઘાટન કરશે.
યુદ્ધ જહાજોને રાષ્ટ્રને સમર્પિત કર્યા પછી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “આજે, ભારતનો દરિયાઈ વારસો નૌકાદળ અને ભારતના ગૌરવશાળી ઇતિહાસ તથા આત્મનિર્ભર ભારત અભિયાન માટે એક મોટો દિવસ છે. છત્રપતિ શિવાજી મહારાજે નૌકાદળને નવી તાકાત અને દ્રષ્ટિ આપી. આજે, આ પવિત્ર ભૂમિ પર આપણે 21મી સદીના નૌકાદળને મજબૂત બનાવવા તરફ એક મોટું પગલું ભરી રહ્યા છીએ.”
તેમણે વધુમાં કહ્યું કે આ પહેલી વાર થઈ રહ્યું છે, જ્યારે એક ડિસ્ટ્રોયર,એક ફ્રિગેટ અને એક સબમરીન એકસાથે કાર્યરત થઈ રહી છે. ગર્વની વાત એ છે કે ત્રણેય મેડ ઈન ઈન્ડિયા છે.
P15B ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર પ્રોજેક્ટનું ચોથું અને છેલ્લું જહાજ, INS સુરત, વિશ્વના સૌથી મોટા અને આધુનિક ડિસ્ટ્રોયરમાંનું એક છે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે તેમાં 75 ટકા સ્વદેશી સામગ્રી છે અને તે અત્યાધુનિક હથિયાર-સેન્સર પેકેજ અને અદ્યતન નેટવર્ક-કેન્દ્રિત ક્ષમતાઓથી સજ્જ છે.
P17A સ્ટીલ્થ ફ્રિગેટ પ્રોજેક્ટનું પ્રથમ જહાજ, INS નીલગિરી, ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે અને તેમાં અદ્યતન સુવિધાઓ છે.P75 સ્કોર્પિન પ્રોજેક્ટની છઠ્ઠી અને અંતિમ સબમરીન, INS વાગશીર, સબમરીન નિર્માણમાં ભારતની વધતી જતી કુશળતાનું પ્રતિનિધિત્વ કરે છે અને તે ફ્રેન્ચ નેવલ ગ્રુપના સહયોગથી બનાવવામાં આવ્યું છે.
નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા અનુસાર પ્રધાનમંત્રી મોદી ઇસ્કોન પ્રોજેક્ટ, શ્રી શ્રી રાધા મદનમોહનજી મંદિરનું ઉદ્ઘાટન કરશે.
નવ એકરમાં ફેલાયેલા આ પ્રોજેક્ટમાં અનેક દેવી-દેવતાઓનું મંદિર, વૈદિક શિક્ષણ કેન્દ્ર, પ્રસ્તાવિત સંગ્રહાલય અને સભાગૃહ, તબીબી કેન્દ્ર વગેરેનો સમાવેશ થાય છે.તે કહે છે કે તેનો ઉદ્દેશ્ય વૈદિક ઉપદેશો દ્વારા ભાઈચારો, શાંતિ અને સુમેળને પ્રોત્સાહન આપવાનો છે.
(તમામ તસવીરો: દીપક ધૂરી)