નેપાળ વિમાન દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

નેપાળમાં રવિવારે પોખરા એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે એક પેસેન્જર પ્લેન નદીની ખીણમાં તૂટી પડ્યું હતું. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 68 લોકોના મોત થયા છે. આ પ્લેનમાં પાંચ ભારતીય નાગરિકો સહિત 72 લોકો સવાર હતા. આ વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા પીએમ મોદીએ ટ્વિટ કર્યું છે.

પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, “નેપાળમાં થયેલા દુ:ખદ એર ક્રેશથી હું દુઃખી છું. આ દુર્ઘટનામાં ભારતીય નાગરિકો સહિત ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દુઃખની ઘડીમાં મારી સંવેદના અને પ્રાર્થના શોકગ્રસ્ત પરિવારો સાથે છે.”

નેપાળની નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણ (CAAN) એ જણાવ્યું કે આ વિમાન યેતી એરલાઇનનું છે. વિમાને કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સવારે 10.33 કલાકે ઉડાન ભરી હતી. પોખરા એરપોર્ટ પર ઉતરતી વખતે જૂના એરપોર્ટ અને નવા એરપોર્ટ વચ્ચે સેતી નદીના કિનારે પ્લેન ક્રેશ થયું હતું.

વિમાનમાં કુલ 68 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર સવાર હતા. કાઠમંડુ અને પોખરા વચ્ચે ફ્લાઇટનો સમય 25 મિનિટનો છે. CAAN ની કોઓર્ડિનેશન કમિટિ, સર્ચ એન્ડ રેસ્ક્યુના એક અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં દુર્ઘટના સ્થળેથી 68 મૃતદેહો મળી આવ્યા છે.

અધિકારીએ જણાવ્યું કે હજુ સુધી મૃતદેહોની ઓળખ થઈ શકી નથી. આ સાથે તેમણે કહ્યું કે વધુ ચાર મૃતદેહોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. પાંચ ભારતીયો ઉપરાંત ચાર રશિયન, બે કોરિયન, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, આર્જેન્ટિના અને ઈઝરાયેલના એક-એક સૈનિક વિમાનમાં સવાર હતા. વિમાનમાં સવાર પાંચ ભારતીયોની ઓળખ અભિષેક કુશવાહા (25), વિશાલ શર્મા (22), અનિલ કુમાર રાજભર (27), સોનુ જયસ્વાલ (35) અને સંજય જયસ્વાલ તરીકે થઈ છે.