મુંબઈ પોલીસે બુધવારે NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા કેસમાં અન્ય એક આરોપી અમિત હિસામસિંહ કુમારની ધરપકડ કરી છે. 29 વર્ષીય અમિત કુમાર હરિયાણાના કૈથલ જિલ્લાના નથવન પટ્ટીનો રહેવાસી છે. આ ધરપકડ સાથે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 11 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. રવિવારે પોલીસે આ કેસમાં નવી મુંબઈમાંથી ભંગારના વેપારી ભગવત સિંહ ઓમ સિંહની ધરપકડ કરી હતી. ઓમ સિંહ રાજસ્થાનના ઉદયપુરનો રહેવાસી છે અને તેના પર 12 ઓક્ટોબરે NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા કરનારાઓને હથિયાર પૂરા પાડવાનો આરોપ છે.
બાબા સિદ્દીકીની તેમના પુત્ર જીશાન સિદ્દીકીની ઓફિસની બહાર ત્રણ હુમલાખોરોએ હત્યા કરી હતી. પોલીસે અત્યાર સુધીમાં બે શૂટરોની ધરપકડ કરી છે – ગુરમેલ બલજીત સિંહ (23) અને ધરમરાજ રાજેશ કશ્યપ (19). હત્યાના કાવતરામાં સામેલ મુખ્ય શૂટર શિવકુમાર ગૌતમ અને અન્ય બે લોકો હજુ ફરાર છે. પોલીસ આ હત્યા કેસની તપાસમાં વ્યસ્ત છે અને ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે.