નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ રવિવારે સંસદમાં વિશ્વાસ મત જીત્યો હતો. બે તૃતીયાંશથી વધુ સાંસદોએ ઓલીને સમર્થન આપ્યું હતું. એક સપ્તાહ પહેલા સોમવારે તેમણે ગઠબંધન સરકારનું નેતૃત્વ કરવા માટે ચોથી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. વિશ્વાસ મત રજૂ કરતા ઓલીએ આ મહિનાની શરૂઆતમાં નેપાળી કોંગ્રેસ અને CPN-UML વચ્ચે થયેલા સાત મુદ્દાના કરારને જાહેર કર્યો. રવિવારે 275 સભ્યોના પ્રતિનિધિ ગૃહમાં હાજર 263 સભ્યોમાંથી 188 સભ્યોએ ઓલીની તરફેણમાં જ્યારે 74 લોકોએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. એક સભ્ય મતદાનથી દૂર રહ્યો હતો.
આ પક્ષોએ વિરોધમાં મતદાન કર્યું હતું
ઓલીને 138 સભ્યોના સમર્થનની જરૂર હતી. નેપાળના બંધારણ મુજબ, ઓલી માટે તેમની નિમણૂકના 30 દિવસની અંદર વિશ્વાસ મત મેળવવો ફરજિયાત હતો. વિરોધ પક્ષો CPN-Maoist Centre, CPN-Unified Socialist, રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી અને રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી અને અન્યોએ ઓલી વિરુદ્ધ મતદાન કર્યું. મતગણતરી બાદ સ્પીકર દેવરાજ ધીમીરેએ જાહેરાત કરી હતી કે ઓલીએ વિશ્વાસ મત જીતી લીધો છે. બીજી તરફ ઓલીની વડાપ્રધાન તરીકેની નિમણૂકને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે બંધારણીય બેંચને મોકલી છે. કોર્ટે ગંભીર બંધારણીય અર્થઘટનની જરૂરિયાત દર્શાવી છે. સોમવારે શપથગ્રહણના કલાકોમાં ત્રણ વકીલોએ ઓલીની નિમણૂકને ગેરબંધારણીય ગણાવીને સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી અને તેને રદ કરવાની માગણી કરી હતી.