ગોવધ અપરાધઃ કયા રાજ્યમાં કેટલી સજા છે?

નવી દિલ્હીઃ  ગાયને ભારતીય સંસ્કૃતિમાં માત્ર પશુ નહી પરંતુ માતા માનવામાં આવે છે. ગાય એ મનુષ્યની જીવનદાતા છે. ગાયના દૂધમાં અનેક એવા પૌષ્ટિક તત્વો છે કે, જેનાથી કેન્સર જેવા મોટા રોગ પણ મટી શકે છે. આપણા ત્યાં એક સમય એવો હતો કે જ્યારે ગાય સમગ્ર અર્થતંત્રની જનેતા હતી. ગાયથી જ માણસોના જીવન ચાલતા.

ગાય માટે સંસ્કૃતનો એક અદભૂત શ્લોક છે…

गावो ममाग्रतो नित्यं गावः पृष्ठत एव च ।

गावो मे सर्वतश्चैव गवां मध्ये वसाह्यहम् ॥

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે 9 જૂનના રોજ ગૌવધને લઈને પોતાના કાયદા વધારે કડક કરી નાંખ્યા છે. કેબિનેટમાં પાસ થયેલા ગોવધ નિવારણ સંશોધન બિલ અનુસાર હવે રાજ્યમાં ગોવધ કરનારા લોકો માટે 10 વર્ષની સજા અને 5 લાખ રુપિયા સુધીના દંડનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. આ સિવાય જો કોઈ વ્યક્તિ ગૌમાતાના કોઈ અંગને નુકસાન પહોંચાડે અથવા તો ગૌમાતાને કોઈ ઈજા પહોંચાડે તો તેના માટે 7 વર્ષની સજા અને ત્રણ લાખ રુપિયા સુધીના દંડની જાહેરાત કરવામાં આવી છે. યોગી સરકારે ગોવધ પર પૂર્ણ રીતે અંકુશ લગાવવાના ઉદ્દેશ્ય સાથે આ કાયદો બનાવ્યો છે. પરંતુ દેશના બીજા પણ કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં ગૌવધને લઈને કડક કાયદા બનાવવામાં આવ્યા છે. તો કેટલાક રાજ્યો એવા પણ છે કે જ્યાં ગાયોની હત્યા પર કોઈ પ્રતિબંધ નથી. અને આ બધા કાયદા બન્યા છે સંવિધાનના આર્ટિકલ 48 અંતર્ગત.

ભારતના સંવિધાનનો આર્ટિકલ 48 કહે છે કે રાજ્ય, કૃષિ અને પશુપાલનને આધુનિક અને વૈજ્ઞાનિક પ્રણાલિઓથી સારુ કરવાનો પ્રયત્ન કરશે. રાજ્ય ખાસ કરીને ગાયો, વાછરડાઓ અને બીજા દુધાળા પશુઓને બચાવવા માટે તેમની હત્યાને રોકવા માટે કાયદો બનાવશે. પરંતુ આ આર્ટિકલમાં કોઈપણ રાજ્ય માટે આ કાયદાને બનાવવાની બાધ્યતા નહોતી રાખવામાં આવી. આ સંવિધાનના આર્ટિકલનું પાલન કરતા કેટલાક રાજ્યોમાં ગૌવંશની હત્યા પર પ્રતિબંધ છે પરંતુ કેટલાક રાજ્યો એવા પણ છે કે જ્યાં આ પ્રકારના કોઈ પ્રતિબંધો નથી. આખા દેશમાં કુલ 11 એવા રાજ્ય છે કે જ્યાં ગૌવંશની હત્યા પર પૂર્ણ રીતે પ્રતિબંધ છે. આ સિવાય 10 એવા પણ રાજ્ય છે કે જ્યાં કોઈ પ્રતિબંધ નથી. તો 8 એવા રાજ્યો છે કે જ્યાં ગૌવંશની હત્યા પર આંશિક પ્રતિબંધ છે. કેન્દ્રીય પશુપાલન અને ડેરી વિભાગની અધિકારીક વેબસાઈટ અનુસાર અલગ-અલગ રાજ્યોએ પોતાના ત્યાં અલગ-અલગ કાયદાઓ બનાવ્યા છે.

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશમાં ગૌવંશની હત્યા પર 10 વર્ષની સજા અને પાંચ લાખ રુપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. ગાયોને ઈજા પહોંચાડવા બદલ 7 વર્ષની સજા અને ત્રણ લાખ રુપિયાના દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. જો કોઈ બીજીવાર આ મામલે દોષિત જણાશે તો, તેના પર ગેંગસ્ટર લાગશે અને સજા બેગણી થઈ જશે.

બિહાર

બિહારમાં ગાયોની હત્યા પર પ્રતિબંધ છે. પરંતુ જો ગૌવંશની ઉંમર 15 વર્ષ અથવા તેનાથી વધારે છે અથવા તો પછી તેને કોઈ બિમારી છે તો તેની હત્યા કરવા પર પ્રતિબંધ નથી. જો કે, તેના માટે ઓથોરિટી પાસેથી મંજૂરી લેવી જરુરી હોય છે. જો કોઈ વ્યક્તિ કાયદાનું ઉલ્લંઘન કરે તો તેને 6 મહિનાની સજા અને એક હજાર રુપિયા જેટલો દંડ ચૂકવવો પડી શકે છે.

ગુજરાત

બોમ્બે એનિમલ પ્રિઝર્વેશન એક્ટ, 1954 અનુસાર ગુજરાતમાં ગૌવંશની હત્યા પર પૂર્ણ રીતે પ્રતિબંધ છે. જો કોઈ આ કાયદાનું ઉલ્લંઘન કરે તો, તેેને 6 મહિનાની જેલની સજા અથવા તો 1 હજાર રુપિયાનો દંડ અથવા તો બંન્ને ભોગવવું પડી શકે છે.

રાજસ્થાન

રાજસ્થાનમાં પણ ગૌવંશની હત્યા પર પૂર્ણ રીતે પ્રતિબંધ છે. આ કાયદાનું ઉલ્લંઘન કરવા પર ઓછામાં ઓછા એક વર્ષ અને વધારેમાં વધારે બે વર્ષની સજાની જોગવાઈ છે. આ સિવાય 10,000 રુપિયા સુધીનો દંડ પણ ભરવો પડી શકે છે.

હરિયાણા/હિમાચલ પ્રદેશ/ પંજાબ

હરિયાણામાં ગૌવંશની હત્યા પર પૂર્ણ રીતે પ્રતિબંધ છે. આ કાયદાનું ઉલ્લંઘન કરવા પર હરિયાણામાં પાંચ વર્ષની સજા અને 5000 રુપિયા સુધીનો દંડ અથવા તો પછી બંન્નેનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. બીલકુલ આવો જ કાયદો હિમાચલ પ્રદેશ અને પંજાબમાં પણ લાગૂ કરવામાં આવ્યો છે.

આંધ્રપ્રદેશ/તેલંગાણા

આંધ્રપ્રદેશમાં ધ આંધ્ર પ્રદેશ પ્રોહિબિશન ઓફ કાઉ સ્લોટર એન્ડ એનિમલ પ્રિઝર્વેશન એક્ટ 1977 અનુસાર ગાયની હત્યા પર પૂર્ણ રીતે પ્રતિબંધ છે. જો કે, ગાયના બચ્ચાને મારવા પર અહીંયા પ્રતિબંધ નથી. જો ઓથોરિટી સર્ટિફિકેટ આપે તો તેને કતલખાને મોકલી શકાય છે. આ કાયદાનું ઉલ્લંઘન કરનારા લોકો માટે 6 મહિનાની સજા અને 1 હજાર રુપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. તેલંગાણામાં પણ આ જ પ્રકારનો કાયદો છે.

દિલ્હી

અહીંયા પણ ગૌવંશની હત્યા પર પૂર્ણ રીતે પ્રતિબંધ છે. કાયદાનું ઉલ્લંઘન કરવા પર પાંચ વર્ષની સજા અને 10,000 રુપિયાના દંડની જોગવાઈ છે. સજા ઓછામાં ઓછા 6 મહિના માટે થશે અને દંડ પણ 1000 રુપિયાથી ઓછો ન હોઈ શકે.

ગોવા/દમણ અને દિવ

ધ ગોવા એનિમલ પ્રિવેન્શન એક્ટ 1955 અનુસાર, ગોવામાં પણ ગૌહત્યા પર પ્રતિબંધ છે. પરંતુ જો ગાય બિમાર છે અથવા તો તેને સંક્રામક બિમારી છે, અથવા તો પછી મેડિકલ રિસર્ચ માટે તેની જરુર છે તો તેની હત્યા કરવાની અહીંયા મંજૂરી છે. જો કે અહીંયા ગાયના માંસને વેચવા પર પૂર્ણ રીતે પ્રતિબંધ છે. કાયદાનું ઉલ્લંઘન કરવા પર બે વર્ષની સજા અથવા તો 1000 રુપિયાનો દંડ અથવા બંન્ને ભોગવવું પડી શકે છે. બીલકુલ આવો જ કાયદો દમણ અને દિવમાં પણ છે.

જમ્મૂ-કાશ્મીર

જમ્મૂ-કાશ્મીરમાં પણ ગૌવંશની ત્યા પર પૂર્ણ રીતે પ્રતિબંધ છે. કાયદાનું ઉલ્લંઘન કરવા પર 10 વર્ષની સજા થઈ શકે છે. આ સિવાય ગૌવંશની કિંમતના પાંચ ગણા વધારે જેટલો દંડ પણ લગાવવામાં આવી શકે છે.

કર્ણાટક

કર્ણાટકમાં ગાય અને તેના વાછરડાની હત્યા પર પૂર્ણ રીતે પ્રતિબંધ છે. જો કે, 12 વર્ષની વધારે ઉંમરના બડદને જો ઓથોરોરિટી મંજૂરી આપે તો તેની હત્યા કરી શકાય છે. કાયદાનું ઉલ્લંઘન કરવા પર 6 મહિનાની સજા અથવા તો 1000 રુપિયા સુધીનો દંડ ચૂકવવો પડી શકે છે.

મધ્ય પ્રદેશ

મધ્ય પ્રદેશમાં ગૌવંશની હત્યા પર પૂર્ણ રીતે પ્રતિબંધ છે. પરંતુ જો બડદની ઉંમર 15 વર્ષથી વધારે હોય અને તે કોઈ કામ કરવા સક્ષમ ન હોય તો તેની હત્યા કરી શકાય છે. કાયદાનું ઉલ્લંઘન કરવા પર 3 વર્ષની સજા અને 5000 રુપિયાના દંડની જોગવાઈ છે.

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં ગાયની હત્યા પર પૂર્ણ રીતે પ્રતિબંધ છે. જો કે, ઓથોરિટી સર્ટિફિકેટ આપે તો બડદ, ભેસ વગેરેની હત્યા કરી શકાય છે પરંતુ એ જ સ્થિતિમાં જ્યારે તે કોઈ કામ કરવા સક્ષમ ન હોય અને દુર્બળ હોય ત્યારે. કાયદાનું ઉલ્લંઘન  કરવા પર 6 મહિનાની સજા અને 1000 રુપિયા સુધીના દંડની જોગવાઈ છે.

ઓડિશા

ઓડિશામાં પણ ગાયની હત્યા પર પૂર્ણ રીતે પ્રતિબંધ છે. જો કે, 14 વર્ષથી વધારે ઉંમરના બડદને ઓથોરિટી પાસેથી સર્ટિફિકેટ મળ્યા બાદ તેની હત્યા કરી શકાય છે. કાયદાનું ઉલ્લંઘન કરવા પર 2 વર્ષની સજા અને 1000 રુપિયાના દંડની જોગવાઈ છે.

પુદુુચેરી

પુદુચેરીમાં પણ ગાયની હત્યા પર પૂર્ણ રીતે પ્રતિબંધ છે. અહીંયા પણ 15 વર્ષથી વધારે ઉંમરના બડદને સર્ટિફિકેટ મળ્યા બાદ તેની હત્યા કરી શકાય છે. પરંતુ બીફ વેચવા પર અથવા ક્યાંય લઈ જવા પર અહીંયા સંપૂર્ણ રોક છે. કાયદાનું ઉલ્લંઘન કરનારા લોકોને 2 વર્ષની સજા અને 1000 રુપિયાનો દંડ થઈ શકે છે.

તમિલનાડુ

અહીંયા ગૌવંશની હત્યા પર પૂર્ણ રીતે પ્રતિબંધ છે. કાયદાનું ઉલ્લંઘન કરવા પર અહીંયા 3 વર્ષની સજા અને 1000 રુપિયા સુધીનો દંડ અથવા તો બંન્ને થઈ શકે છે.

ઝારખંડ

અહીંયા ગૌવંશની હત્યાથી લઈને ગૌવંશના માંસને ક્યાંયપણ લાવવા કે લઈ જવા પર પ્રતિબંધ છે. કાયદાનું ઉલ્લંઘન કરવા પર ઓછામાં ઓછા એક વર્ષ અને વધારેમાં વધારે 10 વર્ષની સજા થઈ શકે છે.

છત્તિસગઢ

ધ છત્તિસગઢ એગ્રીકલ્ચર કૈટલ પ્રિવેન્શન એક્ટ 2004 અનુસાર, અહીંયા ગૌવંશની હત્યા પર પૂર્ણ રીતે પ્રતિબંધ છે. કાયદાનું ઉલ્લંઘન કરવા પર સાત વર્ષની સજા અથવા તો પછી 50,000 રુપિયાનો દંડ અથવા તો બંન્ને થઈ શકે છે.

ઉત્તરાખંડ

ધ ઉત્તરાખંડ પ્રોટેક્શન ઓફ કાઉ પ્રોગેની એક્ટ 2007 અનુસાર ગૌવંશની હત્યા પર પૂર્ણ રીતે પ્રતિબંધ છે. કાયદાનું ઉલ્લંઘન કરવા પર ઓછામાં ઓછા 3 વર્ષ અને વધારેમાં વધારે 10 વર્ષની સજા થઈ શકે છે. આ સાથે જ 10,000 રુપિયાનો દંડ પણ થઈ શકે છે. આ એવા રાજ્યો છે કે, જ્યાં પૂર્ણ રીતે અથવા તો આંશિક રીતે ગૌવંશની હત્યાને લઈને પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. પરંતુ ભારત દેશમાં હજી કેટલાક રાજ્યો એવા પણ છે કે જ્યાં ગાયની હત્યાને લઈને કોઈ પ્રતિબંધ નથી.

અસમ, બંગાળ, કેરળ, લક્ષદ્વિપ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરામાં ગૌવંશની હત્યા પર કોઈ પ્રતિબંધ નથી અને તેમનું માંસ ખુલ્લા બજારોમાં પણ મળી જાય છે.

  • અસમમાં 14 વર્ષથી વધારે ઉંમરના કોઈપણ પશુને મારી શકાય છે.
  • બંગાળમાં પણ 14 વર્ષથી વધારે ઉંમરના પશુને મારવા પર કોઈ પ્રતિબંધ નથી.
  • કેરળમાં રાજ્ય સ્તર પર ગૌવંશની હત્યાને રોકવા માટે કોઈ કાયદો બનાવવામાં આવ્યો નથી
  • જો કે, પંચાયત સ્તર પર એવા કાયદા છે કે જે ગૌવંશની હત્યા પર પ્રતિબંધ લગાવે છે.
  • કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વિપમાં પણ ગૌવંશની હત્યા પર કોઈ પ્રતિબંધ નથી. તો પૂર્વોત્તરના અન્ય રાજ્યો, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરામાં પણ ગૌવંશની હત્યાને રોકવા માટે કોઈ કાયદો બનાવવામાં આવ્યો નથી. તો મણિપુરમાં ગૌવંશની હત્યા પર આંશિક રીતે પ્રતિબંધ છે. મણિપુરમાં કાયદો કહે છે કે, જો કોઈ ગાયને મારતા દેખાયા તો તેને સજા થઈ શકે છે. જો કે, મણિપુરમાં પણ બીફ ખુલ્લેઆમ વેચાય છે.