નવી દિલ્હી- કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે લોકસભામાં આજે પ્રથમ વખત ભાષણ આપ્યું. અમિત શાહે જમ્મુ-કશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન 6 માસ સુધી લંબાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને લોકસભાએ મંજૂર કરતાં હવે વધુ 6 મહિના સુધી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ રહેશે. રાજ્યમાં અત્યારે વિધાનસભાની ચૂંટણી કરાવી શકાય તેમ નથી. અમરનાથ યાત્રા અને અન્ય રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ટાળવામાં આવી છે. જેથી વર્ષના અંતમાં ચૂંટણીપંચ જમ્મુ કશ્મીરમાં ચૂંટણીનું આયોજન કરશે.
લોકસભામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, કશ્મીરમાં સ્થિતિ હાલ નિયંત્રણમાં છે, અને ઘાટીમાં આતંક વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવ્યાં છે. પહેલા આતંકી ઘટનાઓનો જવાબ અપાતો ન હતો. માત્ર સાંભળતા હતાં. પરંતુ મોદી સરકારે એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનનાં ઘરમાં ઘૂસીને આતંકવાદનો સફાયો કર્યો. શાહે જણાંવ્યું કે, કોંગ્રેસના નેતા ભાગલા માટે સવાલ ઉઠાવી રહ્યાં છે. પરંતુ આ ભાગલા માટે કોણે સહમતિ દર્શાવી હતી. આ ભૂલ અમે નહીં, પરંતુ તમે(કોંગ્રેસે) કરી છે.
અમિત શાહે લોકસભામાં જમ્મુ-કશ્મીર મુદ્દે વૈધાનિક ઠરાવ ઉપરાંત આરક્ષણ સંશોધન બિલ પર ચર્ચા અને પસાર કરવા માટે રજૂ કર્યું. ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, અમે ટુકડે-ટુકડે ગેંગના સભ્યો નથી, દેશને તોડનાર લોકોના મનમાં ડર પેદા થવો ખૂબ જ જરૂરી છે. અમારી સરકાર કશ્મીરના લોકોનું રક્ષણ કરનારી સરકાર છે. અમે જમ્મુ-કશ્મીરના લોકોને ગળે લગાવવા ઈચ્છીએ છીએ. શાહે વધુમાં કહ્યું કે, જમ્મુ-કશ્મીરમાં ચૂંટણી નિષ્પક્ષ રીતે કરાવવામાં આવશે અને સ્વતંત્ર રીતે પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
અમિત શાહે જણાંવ્યું કે, કશ્મીરનો એક તૃતિયાંશ ભાગ આપણી પાસે નથી, તેનાં માટે જવાબદાર કોણ છે. તેમણે કહ્યું કે, પંડિત નહેરૂએ કશ્મીર મામલે ગૃ પ્રધાન સરદાર પટેલને પણ વિશ્વાસમાં લીધા ન હતા. જો તત્કાલીન ગૃહ પ્રધાનને ભરોસામાં લીધા હોત તો આતંકવાદ જડમૂળથી ખત્મ થઇ જાત.
ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં પંડિત નહેરૂનો ઉલ્લેખ કરતા સંસદમાં હોબાળો થયો હતો. તેમ જ કોંગ્રેસી સાંસદોએ પોતાની જગ્યા પર ઉભા થઇને ભરપૂર વિરોધ કર્યો હતો. ત્યારે લોકસભા સ્પીકરે સભ્યોને શાંતિની અપીલ કરી હતી. કોંગ્રેસ સાંસદોએ સંસદમાં નારાબાજી શરૂ કરી હતી. સંસદમાં હોબાળો શરૂ થતાં અમિત શાહે પોતાનું ભાષણ રોકવાની ફરજ પડી હતી. સ્પીકરે તમામ સાંસદોને શાંત રહેવાની અપીલ કરી હતી. કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ જમ્મુ-કશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનને લઈને વિરોધ દર્શાવ્યો હતો.