મુંબઈ – કેન્દ્ર સરકારે સોશિયલ મિડિયા એપ્લિકેશન્સ ટિકટોક અને હેલોને નોટિસ મોકલી છે. સરકારે આ બંને એપ્સને 21 સવાલ પૂછ્યા છે અને એના જવાબ આપવા માટે 22 જુલાઈની ડેડલાઈન આપી છે. આ પ્રશ્નોના યોગ્ય ઉત્તર નહીં આપે તો બંને એપ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવી શકે છે.
ટિકટોક એપ પર પ્રતિબંધ મૂકવાની ગયા એપ્રિલમાં માગણી કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ ભારતમાં એનો વિકાસ અનેકગણો વધી ગયો હતો. જોકે હવે ટૂંક સમયમાં જ પરિસ્થિતિ અવળી બને એવી શક્યતા છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એક પેટાસંસ્થાએ આ બંને એપ પર પ્રતિબંધ મૂકવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ માગણી કરી છે. એમની ફરિયાદ છે કે આ બંને એપ રાષ્ટ્રવિરોધી તત્ત્વોનો અડ્ડો બની ગઈ છે.
સ્વદેશી જાગરણ મંચે વડા પ્રધાન મોદીને ફરિયાદ કર્યા બાદ કેન્દ્રના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના સાઈબર લોઝ એન્ડ ઈ-સિક્યુરિટી વિભાગે બંને એપ્સને નોટિસ મોકલી છે અને એમને પૂછ્યું છે કે આ બંને એપ્સ શું રાષ્ટ્રવિરોધી તત્ત્વોનો અડ્ડો બની ગઈ છે કે શું? મંત્રાલયે એપ્સ પાસે જવાબ માગ્યો છે.
ટિકટોકનું કહેવું છે કે આવતા ત્રણ વર્ષમાં સ્થાનિક કમ્યુનિટીની જવાબદારી માટે ટેક્નોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે તે 100 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરવાની છે.
સ્વદેશી જાગરણની વડા પ્રધાન મોદીને લેખિતમાં ફરિયાદ
વડા પ્રધાન મોદીને મોકલાવેલા પત્રમાં સ્વદેશી જાગરણ મંચના સહ-સંયોજક અશ્વિની મહાજને કહ્યું છે કે ટિકટોક અને હેલ્લો, બંને એપ પર પ્રતિબંધ મૂકવાની જરૂર છે. એમનો આરોપ છે કે આ બંને એપ્સ ભારતના તરૂણોને ભળતી જ બાબતો માટે ભડકાવતું માધ્યમ બની ગઈ છે. આ બંને એપ્સ રાષ્ટ્રવિરોધી તત્ત્વોનો અડ્ડો બની ગઈ છે. એને કારણે આપણા સમાજોને મોટું નુકસાન થાય છે.
સ્વદેશી જાગરણનું એમ પણ કહેવું છે કે ટિકટોક અને હેલો ઉપરાંત અન્ય એક ચીની એપ ઉપર પણ ભારતમાં પ્રતિબંધ મૂકી દેવાની જરૂર છે. ટિકટોક અને ચીની સરકાર મલીને ભારતીય નાગરિકોનાં ખાનગી જીવન સુધી પહોંચી ગઈ છે અને સામાજિક વિખવાદ ઊભો કરવાનો પ્રયત્ન કરી રહી છે.