નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત ખોલવામાં આવેલા બેંક ખાતાઓમાં જમા રકમ 1 ટ્રિલિયન એટલે કે 1 લાખ કરોડ રુપિયાના આંકડાને પાર કરી ગઈ છે. નાણા મંત્રાલયના તાજેતરના આંકડાઓ અનુસાર 3 જુલાઈ સુધી આ યોજના અંતર્ગત ખોલવામાં આવેલા 36.06 કરોડ ખાતાઓમાં 1,00,495.94 કરોડ રુપિયા જમા હતા. પ્રધાનમંત્રી જનધન યોજનાની શરુઆત 28 ઓગષ્ટ 2014ના રોજ થઈ હતી.
જનધન લાભાર્થીઓના ખાતામાં જમા રકમ સતત વધી રહી છે. આ પહેલા 6 જૂનના રોજ આ ખાતામાં આ રકમ 99,649.84 કરોડ રુપિયા તેમજ તેનાથી એક સપ્તાહ પહેલા 99,232.71 કરોડ રુપિયા હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય દેશના તે ગરીબ લોકોને બેંક સુવિધાઓ ઉપ્લબ્ધ કરાવવાનો છે કે જેમની પાસે બેંક ખાતાઓ નથી.
પીએમજેડીવાય અંતર્ગત ખોલવામાં આવેલા ખાતા બીએસબીડી ખાતા છે. આસાથે જ રુપે ડેબિટ કાર્ડ અને ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવે છે. આ ખાતામાં ન્યૂનતમ રકમ રાખવાની જરુર નથી. અત્યારસુધી 28.44 કરોડ ખાતા ધારકોને રુપે ડેબિટ કાર્ડ આપવામાં આવ્યા છે. યોજનાની સફળતાથી ઉત્સાહિત સરકારે 28 ઓગષ્ટ 2018 બાદ ખોલવામાં આવેલા ખાતાઓ માટે દુર્ઘટના વિમો 1 લાખ રુપિયાથી વધારીને 2 લાખ રુપિયા કરી દીધો છે. આ સાથે જ ઓવરડ્રાફ્ટની સીમા પણ બે ગણી કરી દેવામાં આવી છે.
આ પહેલા ડિસેમ્બર 2018 સુધી દેશમાં 32 કરોડથી વધારે જનધન ખાતા ખોલવામાં આવી ચૂક્યા હતા. 28 કરોડથી વધારે ખાતાધારકોને રુપે ડેબિટ કાર્ડ જાહેર કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગષ્ટ 2014 ના રોજ જનધન યોજનાની જાહેરાત કરી હતી, અને આને 28 ઓગષ્ટ 2014ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. આનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ પરિવારને બેંક સુવિધાઓ સુનિશ્ચિત કરાવવાનો હતો.