નવી દિલ્હી – 81 વર્ષની વયે શનિવારે અવસાન પામેલાં કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને દિલ્હીનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શીલા દીક્ષિતનાં આજે અહીં નિગમ બોધ ઘાટ ખાતે સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં. એ વખતે કોંગ્રેસનાં ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી, એમનાં પુત્રી પ્રિયંકા ગાંધી સહિત પક્ષના અનેક ટોચના નેતાઓ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.
શીલા દીક્ષિતે દિલ્હીની એસ્કોર્ટ હોસ્પિટલમાં શનિવારે 3.15 વાગ્યે હૃદયરોગનો હુમલો આવ્યા બાદ આખરી શ્વાસ લીધો હતો. એ છેલ્લા ઘણા વખતથી બીમાર હતાં. ત્રણ વાર એમની બાયપાસ સર્જરી કરવામાં આવી હતી.
આજે બપોરે ભારે વરસાદ તૂટી પડતાં ત્રણ વાગ્યાની આસપાસ નિગમ બોધ ઘાટ ખાતે સીએનજી સંચાલિત શવદાહ ગૃહમાં દીક્ષિતનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એ સાથે જ તેઓ પંચતત્ત્વમાં વિલીન થયા હતા.
એ પહેલાં શીલા દીક્ષિતનાં પાર્થિવ શરીરને નિઝામુદ્દીન સ્થિત એમનાં નિવાસસ્થાનેથી કોંગ્રેસનાં મુખ્યાલયમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં સોનિયા ગાંધી, ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, અડવાણી, સુષમા સ્વરાજ સહિત અનેક નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી હતી.
સોનિયા ગાંધીએ કહ્યું હતું કે શીલા દીક્ષિત મારાં માટે મોટો સહારો હતાં. તેઓ મારાં મોટાં બહેન અને મિત્ર બની ગયાં હતાં. એમનાં નિધનથી કોંગ્રેસ પાર્ટીને મોટી ખોટ પડી છે. હું એમને હંમેશાં યાદ રાખીશ.
શીલા દીક્ષિત 1998થી 2013ના વર્ષો સુધી, સતત ત્રણ મુદત માટે દિલ્હીનાં મુખ્ય પ્રધાન પદે રહ્યાં હતાં.