નવી દિલ્હીઃદેશભરમાં કોરોના વાઇરસનો ચેપ ફેલાતાં દિન-પ્રતિદિન કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેથી કેન્દ્ર અને રાજ્ય સરકારો એને વધુ ફેલાતો અટકાવવા માટે કડક પગલાં લઈ રહી છે, પણ દૈનિક મજૂરી રળતા મજૂરો અને બેરોજગારોને કોઈ પણ પ્રકારની મદદ હનહીં મળવાને કારણે કફોડી હાલતમાં છે. દિલ્હીમાં એક જગ્યાએ ભૂખથી બેહાલ આશરે 150 મજૂર પરિવાર અને તેમનાં બાળકો હેરાન-પરેશાન છે, જેમની સામે કોઈ જોવાવાળું નથી
મજૂરો પાસે ખાવાનું પણ નથી અને પૈસા પણ નથી
સાઉથ દિલ્હીના છત્તરપુર સ્થિત ફતેહપુર બેરીના ચંદન હોલા વિસ્તારમાં મજૂરોનાં ઘર છે. ઘરની પાસે હાથ જોડીને ઊભેલી આ મહિલા મજૂર, પુરષ અને તેમનાં બાળકો છે. આ લોકોએ છેલ્લા ચાર દિવસથી કંઈ પણ ખાધું નથી. તેમનું કહેવું છે કે તેઓ બધા દૈનિક મજૂરી કરીને તેમના પરિવારનુ પાલનપોષણ કરે છે. બંધ દરમ્યાન જે પૈસા બચ્યા હતા એનાથી એક-બે દિવસ તો ગુજરાન ચાલી જાય છે, પણ હવે ઘરમાં કંઈ પણ ખાવાનું બચ્યું નથી અને ના તેમની પાસે પૈસા છે.
આ મજૂરો પાસે રેશનકાર્ડ પણ નથી
આ લોકો પાસે રેશનકાર્ડ પણ નથી. આ તો યુપી અને બિહારથી આવીને દિલ્હીમાં દૈનિક મજૂરી કરીને પોતાનું અને પોતાનાં બાળકોનું ભરણપોષણ કરી રહ્યા છે. દિલ્હીમાં તો જનતા કરફ્યુ પછી લોકડાઉનથી હવે તેઓ પોતાના વતનમાં પણ નથી જઈ શકતા અને કોઈ કામ પણ તેમની પાસે નથી. આ લોકો પાસે પૈસા પણ નથી કે તેઓ અનાજ ખરીદી શકે.
મજૂરના બાળકની વેદના
એક બાળકે રડતાં-રડતાં કહ્યું હતું કે હું ચાર દિવસથી ભૂખ્યો છું. મને ખાવા માટે કંઈ પણ મળતું નથી. પિતાજી માર્કેટમાં જાય છે તો પોલીસવાળા તેમને મારીને ભગાડી દે છે.
કોઈ સરકારી મદદ મળી નથી
દિલ્હીના સ્થાનિક કોર્પોરેટર, વિધાનસભ્ય કે સંસદસભ્ય દ્વારા અત્યાર સુધી કોઈ તેમની પાસે મદદે નથી આવ્યું આ લોકો કોરોના ચેપ દ્વારા પછી મરશે, એ પહેલાં ભૂખથી મરી જશે. દિલ્હીમાં આજે તેમનો સાતમો દિવસ છે, અત્યાર સુધી તેમની પાસે કોઈ સરકારી કર્મચારી કે NGOએ સંપર્ક કર્યો. આ બધા લોકોએ મિડિયાને હાથ જોડીને મદદ કરવા વિનંતી કરી હતી અને પત્રકારને કહ્યું હતું કે સર તમે કંઈક કરો.